Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

વચનવિધિ કડવું:- ૯

આજ્ઞા ઉલ્લંઘી શઠ સુરપતિજી, ગૌતમ ઘરમાંયે કરી ગતિજી તેણે દુઃખ પામ્યો અંગમાંયે અતિજી, રહ્યું નહિ સુખ શરીરમાં રતિજી સુખ શરીરે શાનું રહે, લોપી અવિનાશીની આગન્યા ।। શચી સરખી ત્રિયા તજી, રાચ્યો અહલ્યા રૂપે વિવેક વિના ।। ર ।। પુરંદરને ઋષિપતની, ભોગવવું એ ભલું નહીં ।। પણ અમરેશના અભિમાનમાં, ખોટની ખબર નવ રહી ।। ૩ ।। એવી અવળાઈ જોઈ ઇન્દ્રની, આપ્યો શાપ ઋષિએ રોષમાં ।। કહ્યું સહસ્ર ભગ પામી પુરંદર, રે’જે સદા સદોષમાં ।। ૪ ।। પરણીને ઘરુણી ઘણી રાખે, તોય ન થાય આજ્ઞા લોપ ।। અવર નારી એકમાં પણ, થયો ઋષિનો કોપ ।। પ ।। વળી ભૂંડાં દુઃખને ભોગવવા, કર્યો કમળના વનમાંઈ વાસ ।। જયાં જયાં હતી એની કીરતિ, ત્યાં ત્યાં થાવા લાગી હાસ ।। ૬ ।। એમ વચન લોપે જો લજજા રહે, તો કોણ માને વચનને ।। મહાપ્રભુની મરજાદ મૂકી, સહુ વરતે ગમતે મનને ।। ૭ ।। મનમાને રે’તાં મોટપ્ય મળે, તો કોણ વેઠે વચનનું દુઃખ ।। નિષ્કુળાનંદ તો નર અમર, વર્તે હરિથી સહુ વિમુખ ।। ૮ ।। read more
0 Views : 200

વચનવિધિ કડવું:- ૧૦

ભૂમાં એક ભૂપતિ નહુષ રાજનજી, તે પુણ્ય કરી પામ્યો ઇન્દ્રાસનજી ત્યારે કર્યું ઇન્દ્રાણી વરવાનું મનજી, ઉનમત્ત થઈ કહ્યું એમ વચનજી વચન કહ્યું વિકટ અતિ, તું વર્ય મને વેગે કરી ।। ત્યારે ઇન્દ્રાણી કહે વરી હું ઇન્દ્રને, હવે કેમ વરું નરને ફરી ।। ર ।। ત્યારે નહુષ અમલે થયો આંધળો, ખરાખરી ખબર નવ પડી ।। ત્યારે જાણ્યું ઇન્દ્રાણિયે જોરે વરશે, કહ્યું આવ્ય કોરે વાહને ચડી ।। ૩ ।। પછી વાહન સારુ વિલખાં કર્યા, પણ કોરું વાહન નવ જડ્યું ।। ત્યારે શિબિકાયે ઋષિરાય જોડ્યા, તેનું પાપ તર્ત નડ્યું ।। ૪ ।। પછી ઇન્દ્રપણું આળશી ગયું, સર્પ સર્પ કે’તાં સર્પ થયો ।। વચનદ્રોહીનું ફળ જોઈ, રખે કોઈ વચન લોપો ભયો ।। પ ।। પણ અટપટી છે એ વારતા, કરવું ગમતું ગોવિંદતણું ।। મન કર્મ વચને કરીને, મેલવું ગમતું આપણું ।। ૬ ।। અતિ રાજી થઈ રળિયાત રહી, જે કોઈ વર્તે છે વચનમાં ।। ફેર પડે તો ફડકી મરે, અતિ તાપ થાયે તનમાં ।। ૭ ।। એમ પાળે હરિની આગન્યા, એ માનો વચનની મૂરતિ ।। નિષ્કુળાનંદ એને નીરખતાં, રહે નહિ પાપ એક રતિ ।। ૮ ।। read more
0 Views : 214

વચનવિધિ કડવું:- ૧૧

વચન આધારે વર્તે છે જેહજી, મોટા સુખને પામશે તેહજી એહ વાતમાં નહિ સંદેહજી, લોક પરલોકે પૂજયા જોગ્ય તેહજી લોક અલોકમાં આબરું, રે’શે એની રૂડી રીતશું ।। વચન વા’લાનાં વા’લાં કરી, પ્રસન્ન મને રાખ્યાં પ્રીતશું ।। ર ।। વચન પાળતાં જો વિપત્તિ પડે, તો સહે શ્રદ્ધાયે કરી ।। વચન લોપતાં જો સુખ મળે, તો ઘોળ્યું પરું મેલે પરહરી ।। ૩ ।। અશન વસન ભૂષણ ભૂમિ, મર મળે ત્રિલોકીનું રાજ ।। વચન જાતાં જાતું કરે, જાણે થાય એથી અકાજ ।। ૪ ।। પ્રહલાદને કહ્યું એના પિતાયે, તને આપું રાજ અધિકાર ।। નામ મેલી દે નરહરિનું, આજથી મા કર્ય ઉચ્ચાર ।। પ ।। પણ હળવા સુખ સારુ હરિજન, મૂકે કેમ મોટા સુખને ।। લોપી વચન મન લલચે, એવું ઘટે ઘણંુ વિમુખને ।। ૬ ।। નાક કપાવી નથ પે’રવી, એ તો નારી નઠારીનું કામ છે ।। એથી મર રહીએ અડવાં, એવાં ભૂષણ પે’રવાં હરામ છે ।। ૭ ।। એમ વચન ગયે વડાઈ મળે, તેને પાપરૂપ જાણી પરહરો ।। નિષ્કુળાનંદ નિશ્ચે કરી, હરિવચનમાં વાસ કરો ।। ૮ ।। read more
0 Views : 263

વચનવિધિ કડવું:- ૧ર

વચનવિરોધીની વડાઈ કશીજી, જે જન વચનમાંથી ગયા ખશીજી મનમુખી થઈ મુખે ભૂસી મશીજી, જુવે જે વદન તે જન દિયે હસીજી હસી હસી હાંસી કરે, જોઈ એવા જનનું જોણ  ।। કરી કાળું મુખ માન્યું રૂપાળું, કહો કહે હવે એને કોણ ।। ર ।। વિધવા નારી કરે વડાઈ, સુત એક સારો જણી ।। પણ જાણતી નથી એ યોષિતા, જે શિર ઉપર નથી ધણી ।। ૩ ।। વળી બીજીનો પતિ પરદેશ છે, ઇયાં સુત જનમ્યા છે સાત ।। નથી ખબર એહ ખોટ્ય તણી, ધણી કેમ થાશે રળિયાત ।। ૪ ।। એમ વચન ઉલ્લંઘી વા’લા તણું, જે જે જન કરે છે કામ ।। તે લાજ જાશે આ લોકમાં, વળી થાશે જીવિત હરામ ।। પ ।। હરામી જીવને હોય નહિ, હૈયે ડર હરિના વચનનો ।। આસુરી મતિ આવી અતિ, તેણે જોરો દેખાડે જોબનનો ।। ૬ ।। કહો કામદુઘાનું ત્યાં કામ કશું, જયાં ઘણા ગદ્ધા ઘર બારણે ।। એમ આજ્ઞાકારીનું શું ઉપજે, જયાં વિમુખ હોય કાજ કારણે ।। ૭ ।। પણ હરિજનને હમેશ કરવો, વિચાર વારમવાર ।। હરિવચન વિમુખ ન થાવું, કહે નિષ્કુળાનંદ નિરધાર ।। ૮ ।। read more
0 Views : 245

વચનવિધિ પદ:- ૩

રાગ-ધોળ:- ‘આજ મારે ટાણું આવ્યું છે મહાસુખનું’ એ ઢાળ. સંતો વિમુખ થકી રહીએ વેગળા, ડરિયે દિવસ ને રાત રે; સંતો વિશ્વાસ કરતાં વિમુખનો, વણશી જાયે જો વાત રે.  સંતો૦ ।। ૧ ।। સંતો વિમુખ વિખ આપે વાતમાં, કરી હેત અપાર રે; સંતો રગરગમાં તે રમી રહે, ન રહે વચનનો ભાર રે.   સંતો૦ ।। ર ।। સંતો સોબત ન ગમે પછી સંતની, વા’લા લાગે વિમુખ રે; સંતો નિયમ ન ગમે નાથનાં, માને મોકળે સુખ રે.   સંતો૦ ।। ૩ ।। ત્યારે કરવાનું છે તે કયાંથી કરે, થાયે ન કર્યાનું કામ રે; કહે નિષ્કુળાનંદ નિશ્ચે નર, ન પામે સુખ ઠામ રે.  સંતો૦ ।। ૪ ।। read more
0 Views : 218

વચનવિધિ કડવું:- ૧૩

વચન વિમુખ મા થાશો કોઈજી, નર અમર વિમુખનાં સુખ જોઈજી મોટા બેઠા મોટ્યપ વચન વિના ખોઈજી, માટે હરિ વચને રહો રાજી હોઈજી રાજી થઈ રહો વચનમાં, લોપશો મા વચન લગાર ।। વચન લોપતાં મોટા મોટા, પામ્યા દુઃખ અપાર ।। ર ।। નારદ સરીખા નહિ કોયે, બીજા મહા મોટા મુનિજન ।। તેણે પણ ન તપાશિયું, લોપ્યું વાલાનું વચન ।। ૩ ।। ત્યાગી થઈ ત્રિયા કર જોયો, ખોયો વિચાર વરવા કર્યું ।। પર્વત પણ ઇચ્છ્યા પરણવા, બેઉનું સિદ્ધાંત એક ઠયુર્ં ।। ૪ ।। ત્યારે કન્યા તાતે વાત કહી, સ્વયંવર રચીશ સવારમાં ।। ઇચ્છાવર કન્યા વરશે, તમે બેઉ રે’જો તૈયારમાં ।। પ ।। ત્યારે બેઉ ધાયા હરિ પાસળે, રૂડું માગવા રૂપ અનુપને ।। વળી પરસ્પર ઇચ્છ્યા, થાવા રૂપ કુરૂપને ।। ૬ ।। ત્યારે હસીને હરિ બોલિયા, થાશે અવસર પર રૂપ એમ ।। પછી મર્કટ મુખ બન્યાં બેઉના, કહો કન્યા વરે તેને કેમ ।। ૭ ।। લાજ ગઈ ને કાજ ન સયુર્ં, વળી લોપાણું હરિનું વચન ।। નિષ્કુળાનંદ કહે એ નીપજયું, તે જગે જાણે છે સહુ જન ।। ૮ ।। read more
0 Views : 220

વચનવિધિ કડવું:- ૧૪

વળી એક વચન વિરોધીની વાતજી, સતી પતિવ્રતા સીતા સાક્ષાતજી આપે ઇન્દરા જગે જાનકી વિખ્યાતજી, તેણે પણ કરી આજ્ઞાની ઘાતજી ઘાત થઈ તેની વાત કહું, જાનકી બોલિયાં એમ ।। લછમન તમારા ભાઈની ભીડ્યે, જાઓ બેસી રહ્યા કો’ કેમ ।। ર ।। ત્યારે રામાનુજ કહે રામને, નથી લોપનાર ત્રિલોકમાં ।। વચન માની મગન રહો, શીદ રહો છો શોકમાં ।। ૩ ।। ત્યારે વૈદેહીએ વચનનાં, લછમનને લગાડ્યાં બાણ ।। તું જાણે રામ મર્યે વરે મુજને, તે ન વરું તજીશ હું પ્રાણ ।। ૪ ।। ત્યારે રામાનુજે હૃદે ધારિયું, ઇન્દરા તોયે પણ સ્ત્રી ખરી ।। પછી રામની આણ્ય આપી ચાલિયા, કેડે લંકેશ વેષ આવ્યો ધરી ।। પ ।। સંન્યાસીરૂપે કહ્યું સીતાને, આપ્ય ભિક્ષા મને આદર કરી ।। છૂટી ભિક્ષા હું છોડીને ચાલીશ, નૈ’તો આપ્ય આણ્યથી બાર નીસરી ।। ૬ ।। આજ્ઞા લોપી શ્રીરામની, ભિક્ષા આપવા નીસરી બા’ર ।। તર્ત રાવણ તેડી ચાલિયો, પછી પામિયા દુઃખ અપાર ।। ૭ ।। વિપત્તિ પડી વિયોગ થયો, રહ્યાં રામજીથી વળી દૂર ।। નિષ્કુળાનંદ કહે વચન લોપતાં, આવે દુઃખ જાણજો જરૂર ।। ૮ ।। read more
0 Views : 196

વચનવિધિ કડવું:- ૧પ

પછી સીતા સારુ શ્રીરઘુવીરજી, બાંધી પાજ ઊતર્યા સિંધુતીરજી લીધી લંકા છેદી રાવણનાં શિરજી, પછી સીતા તેડાવ્યાં મળવા અચિરજી સીતાને કહ્યું રામજીએ, જેમ હોય તેમ રાખી વેશ ।। આવી મળો તમે અમને, ફેર પાડશો મા વળી લેશ ।। ર ।। ત્યાં તો વિભીષણે ભાવે કરી, સજાવ્યો સુંદર શણગાર ।। તેડી આવ્યા રામ પાસળે, ત્યાં તો રામે કર્યો તિરસ્કાર ।। ૩ ।। આજ્ઞા લોપીને આવિયાં, તેણે રાજી ન થયા રામ ।। પછી અગ્નમાં અંગ અરપ્યું, એવું કરવું પડ્યું કામ ।। ૪ ।। ત્યારે દશરથ આદિ દેવતા, સહુએ કર્યો સતકાર ।। ત્યારે રામજીએ રાખિયાં, શુદ્ધ જાણી સીતા નાર ।। પ ।। વચન લોપતાં વિપત્ય પડી, શણગારનું ન રહ્યું સુખ ।। એમ આજ્ઞા ઉલ્લંઘીને, ન થાવું વચનથી વિમુખ ।। ૬ ।। મોટાને પણ માનવા જોગ્ય, આજ્ઞા શ્રી જગદીશની ।। છોટી મોટી જે આગન્યા, તે સરવે છે વસા વિશની ।। ૭ ।। આજ્ઞામાં આનંદ ઘણો, આવે નર નિર્જરને  અતિ ।। નિષ્કુળાનંદ કહે ન લોપવી, આજ્ઞા હરિની એક રતિ ।। ૮ ।। read more
0 Views : 246
Powered By Indic IME