રાગ:- ધોળ મને માનીયો મોદ અપાર, સમઝી વાત સારી । સારી પેઠયે મેં શોધિયું સાર, મતિ જેવી હતી મારી ।।૧।। મારી જાણમાં આવિયું જેમ, તેમનું મેં તેમ કહ્યું । કહ્યું અંતર ઉપજયું એમ, સમઝવા સારૂં થયું ।।ર।। થયું નિર્ધનને ધનરૂપ, વસમી વેળા સમે । સમે અંતરતાપ અનૂપ, દુષ્ટ કોઈ નવ દમે ।।૩।। દમે સમઝયા વિના શરીર, પ્રગટ પ્રભુને મેલી । મેલી મહી વલોવતાં નીર, પ્રાપતિ સઈ છેલ્લી ।।૪।। છેલ્લી સમઝણ સંતની એહ, પ્રતાપ પ્રભુનો જાણે । જાણે સમર્થ શ્રીહરિ તેહ, ભરોંસો એ ઉર આણે ।।પ।। આંણે ટાંણે કરવો વિચાર, વિવેકે વળી વળી । વળી નરને કરવો નિરધાર, મોટા જો સંતને મળી ।।૬।। મળ્યો મનુષ્ય દેહ અમૂલ્ય, ફરીફરી મળતો નથી । નથી ઘટતી રાખવી ભૂલ્ય, કહું શું હું કથી કથી ।।૭।। કથી કહ્યું મેં સર્વનું સાર, શાણા સમઝી લેજો । લેજો નિષ્કુલાનંદનો વિચાર, સુંદર સારો છે જો ।।૮।। પદ ।।૧૧।। ઈતિ શ્રીસહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુલાનંદમુનિ વિરચિતા હરિબળગીતા સંપૂર્ણ.
read more