પૂર્વછાયો:- ચાલ્યા પ્રભુ અગત્રાઇ થઇ, આખે પીપળાણે જવા માટ; ઉભા રહ્યા બેય ગામની, તે જુદી પડી જયાં વાટ. 1 ચોપાઈ:- બંને ગામના ભકતસમાજ, સામા આવ્યા તે શ્રીજીને કાજ; બંને મંડળિયો જુદી દિસે, સૌના હૈયામાં હરખ અતિશે. 2 ઘણા તાળ મૃદંગ વગાડે, માંહો માંહી ગુલાલ ઉડાડે; પ્રભુ પ્રથમ અમારે ગામ, આવશે એમ જાણે તમામ. 3 નારાયણ દવે નરસિંહ મેતા, તેઓ પણ એમ જાણતા હતા; સાધુ પાર્ષદ ને બ્રહ્મચારી, તેની સંખ્યા તો ત્રણસેં ધારી. 4 બંને ગામમાં થાય રસોઇ, દાળ ચોખા ચડાવેલા ધોઇ; મળી મંડળિયો જેહ ઠામ, પ્રભુ પૂજીને કીધા પ્રણામ. 5 બંને ગામના એમ ઉચ્ચારે, પ્રભુ ગામ પધારો અમારે; થવા આવી રસોઇ તૈયાર, ઝાઝી તેમાં નથી હવે વાર. 6 સુણી બોલિયા વૃષકુળરાય, બેય ઠેકાણે કેમ અવાય ? પાક કેમ કર્યો બેય ગામ ? તમે સમઝ્યા વગર કર્યું કામ. 7 બેય ગામના બોલિયા ત્યારે, જાણ્યું આવશે ગામ અમારે; એમ સમજી રસોઇ કરાવી, જમો સંતસહિત તમે આવી.8 પછી એકાંતે જૈ ઘનશામ, તેડ્યા મુકતમુનિ મયારામ; કહ્યું આ વાતનું કેમ કરવું ? કિયા ગામમાં પ્રથમ વિચરવું. 9 બોલ્યા તે સમે બેય વિચારી, તમે સમરથ છો સુખકારી; જયારે બ્રહ્માયે વાછરુ હર્યા, તમે સર્વે તણાં રૂપ ધર્યાં. 10 વળી નવલખા પર્વતમાંય, નવ લાખ હતા સિદ્ધ જયાંય; નવ લાખ ધરીને સ્વરૂપ, મળ્યા તેને તમે મુનિભૂપ. 11 એવી રીતે […]
read more