(રાગ :- ધોળ) ‘લાગી રે લાગી લગની રૂપાળા આ લાલની રે’- એ ઢાળ.
જેનાં પુણ્ય હશે તે એ વર પામશે રે,
તે તો વામશે તનડાના તાપ રે; અખંડ વર એક છે રે.
મનવાંછિત મહાસુખ માણશે રે, વળી જાણશે જે પિયુના પ્રતાપ રે.. અખંડ ।। ૧ ।।
સખી વરીએ તો અમર એ વરને રે, જેનું એવાતણ અખંડ અભંગ રે.. અખંડ ।। ૨ ।।
સખી સુખ અલ્પ આ સંસારનાં રે, તેનો સમજુ ન કરે કે દી સંગ રે.. અખંડ ।। ૩ ।।
સખી મૂર્ખ મનુષ્યની મંડળી રે, તે તો સંસારનાં સુખ સરાય રે.. અખંડ ।। ૪ ।।
સખી વિવેકી રહે છે તેથી વેગળા રે, તેનો સ્વપનામાં સંગ ન ચા’ય રે.. અખંડ ।। ૫ ।।
સખી સનકાદિકે શુકે શું કર્યું રે, દત્ત ભરત રહ્યા છે જેથી દૂર રે.. અખંડ ।। ૬ ।।
સખી નિષ્કુળાનંદના સ્વામી વિના રે, બીજું અન્ય ભજે જાણો ભૂર રે.. અખંડ ।। ૭ ।।

