પૂર્વછાયો :-
પ્રભુ વિમુખ જે પાપિયો, પામે પરલોકમાં દુઃખ ।।
કૃતઘ્ની જે કુબુદ્ધિ, તેને કયાંયે ન હોય સુખ ।। ૧ ।।
પરલોકે પીડા પામશે, આ લોકે દુઃખ અપાર ।।
સુખ શાંતિ કયાંથી લહે, એવા પાપનાં કરનાર ।। ૨ ।।
બાળ જોબન વૃદ્ધમાંયે, કર્યા કર્મ અપાર ।।
માન ઘટ્યું મમતા વધી, પછી સૌએ કર્યો તિરસ્કાર ।। ૩ ।।
હેતુ જેને જાણતો, રાખતો અતિ ઘણું હેત ।।
તે જ લાગ્યાં તિરસ્કારવા, કહે પરો રહે પાપી પ્રેત ।। ૪ ।।
રાગ :- ધોળ ‘જન્મ્યા ત્યાંથી જરૂર જાણો’ એ ઢાળ.
બાળ ત્રિયા બીજા બહુ મળી, વચન કહે કરી રોષાજી ।।
અમે અમારું ઉકેલશું બેસી રે’ને દુર્મતિ ડોસાજી ।। ૫ ।।
લવલવ કરતાં લાજ ન આવે, કહી કહીને શું કહિયેજી ।।
બોલતાં બંધ ન બેસે તારે, જીહ્વા ઝાલીને રહિયેજી ।। ૬ ।।
ઊનું ટાઢું હાજર હશે, એવું અન્ન આણી દેશુંજી ।।
ટંક ટાણાની ટેવ નહિ રહે, જયારે નવરા થાશુંજી ।। ૭ ।।
તું જેવા નકામા નથી, અમારે છે કામજી ।।
ન થાવાનાં નખરાં મૂકી, બેસી રહે એક ઠામજી ।। ૮ ।।
ન બોલ્યાનું બોલે છે બૂઢા, જિહ્વા મૂકી છૂટીજી ।।
બા’રની બુંદાણી આંખ્યો, હૈયાની પણ ફૂટીજી ।। ૯ ।।
સમજયા વિના શાને માટે, લવરી કરછ લાંબીજી ।।
મેલ્ય મનસુબો મહાસુખ લેવા, કરી કમાણી આંબીજી ।।૧૦।।
તારા કર્તવ્ય નડિયા તુંને, દે મા કેને દોષજી ।।
ભાવે કરીને ભોગવ્ય હવે, મેલી મન અફસોષજી ।।૧૧।।
ખાધા ટાણે ખાંચ્યો કાઢી, ખારું મોળું કહેતોજી ।।
એ તો દિન વીતી ગયા આગે, પળમાં રિસાઇ રહેતોજી ।।૧૨।।
એવાં વચન શ્રવણે સુણતાં, ચિત્તમાં લાગ્યો ચટકોજી ।।
લઈ કર લાઠી ચૌટે ચાલ્યો, બાંધી ફાટો પટકોજી ।।૧૩।।
પો’ર બે પો’ર ત્યાં બેસી રહ્યો, પણ કેણે ન પૂછી પેરજી ।।
લાગી ભૂખ ને પ્યાસે પીડ્યો, અણતેડ્યો આવ્યો ઘેરજી ।।૧૪।।
ઓશિયાળો આંગણિયે ઊભો, ટાંપાટૈયા કરવાજી ।।
કાલાવાલા ક્રોડ કરે પણ, ઘરમાં ન દિયે ગરવાજી ।।૧૫।।
ઓશરિયે ઊભો અન્ન વિના, કંપે થરથર કાયાજી ।।
છોરું સહુ છણકાવા લાગ્યાં, ન જુવે સામું જાયાજી ।।૧૬।।
પછી કહે ઘડી બે પછી, આપો એને અન્નજી ।।
આજ પછી એ આવું વળી, ન કરે કોઈ દનજી ।।૧૭।।
આદર વિના આપ્યું ખાવા, અન્ન અતિ ઊતરેલજી ।।
માંખી મચ્છર માંહે પડ્યાં’તાં, હતું વણ ઢાંકેલજી ।।૧૮।।
શ્વાનની પેઠે સ્વાદ જ મૂકી, ખાધું દીધું જેવું અન્નજી ।।
હુવા હાલ હવાલ જ એવા, તોય ન વિચાર્યું મનજી ।।૧૯।।
કાંય ન ચાલે સુખડાં સાલે, મોર્યનાં મન માંઈજી ।।
ખટ રસ ભોજન ખાવા ભાવે, કહ્યું ન જાયે કાંઈજી ।।૨૦।।
નયણે ન સૂઝે થરથર ધ્રૂજે, અંગની શોભા સૂકીજી ।।
દંત ગયા તન ત્વચા લટકી, કેશે કાળપ્ય મૂકીજી ।।૨૧।।
ચલણ ચૂકયું માન ન મૂકયું, થઈ જરજરી કાયાજી ।।
હરિ ન ભજયો મોહ ન તજયો, મનમાં ઇચ્છ્યો માયાજી ।।૨૨।।
અંતર બળે ભોગ ન મળે, મને કલપના થાયજી ।।
ઇચ્છ્યું ન આવે મુખે ન ભાવે, ખાટ્યે સૂતો ખાયજી ।।૨૩।।
મળ મૂત્ર માંય તે લોટે, ભૂંડી ગંધ્ય ઊઠે જયાં ભારીજી ।।
તેને અભાવે અળગાં રહી, અન્ન આપે નર નારીજી ।।૨૪।।
પાસું ન ફરે પ્યાસે મરે, કોઈ ન લિયે સારજી ।।
લોક સગામાં લજજા ખોવા, પાપી કરે પોકારજી ।।૨૫।।
જોજયો રે મારી આ સમામાં, કોઈ ન કરે સેવાજી ।।
તરસ્યો ભૂખ્યો હું તલપું છું, નાવે ખબર લેવાજી ।।૨૬।।
સહુ મળી સમજાવી કહોને, કરે ચાકરી મારીજી ।।
નહિ તો મરીશ કૂવે પડીને, જાશે લાજ તમારીજી ।।૨૭।।
એમ કરીને ઉચ્ચે સાદે, બોલ્યો બરકી બહુજી ।।
નર નારી જે નાનાં મોટાં, આવ્યાં સુણી સહુજી ।।૨૮।।
ઘરના કહે અકારા કરવા, પોકારે છે પાપીજી ।।
સંબંધી સૌ સામટા મળી, કહે છે ઠપકો આપીજી ।।૨૯।।
મળ્યાં પાપ અમારાં મોટાં, જે તારો અંત ન આવેજી ।।
શું ભાખ્યું છે ભૂંડા તારું, કાંરે કુળ લજાવેજી ।।૩૦।।
શું કહીને સમજાવિયે તુંને, બોલે છે કાળો કે’રજી ।।
દાટ્યો રહેને દુર્મતિ ડોસા, લાગે છે કડવો ઝેરજી ।।૩૧।।
લાજયું ઘર લાખેણું અમારું, કર્યા હાંસુ ને હેરાણજી ।।
ખપવાળા ખપ્યા છે સર્વે, તારા ન ગયા પ્રાણજી ।।૩૨।।
જેનો ખપ ઇયાં પણ નથી, તેનો ત્યાં પણ નથીજી ।।
માગ્યાં મોત મહાપાપીને, કહોને આવે કયાંથીજી ।।૩૩।।
સહુ જાણે જે સેવા તારી, નહિ કરતાં હોય કોઈજી ।।
એમ અમને અકારા કીધા, વંઠેલ તેં વગોઈજી ।।૩૪।।
મરજયે મરજયે મરજયે મૂરખ, એવી આશિષ દીધીજી ।।
શા સુખ સારુ જીવે છે પાપી, લાજ અમારી લીધીજી ।।૩૫।।
એમ કહીને ઊભા આગે, પ્યાસ ભૂખનું ન પૂછેજી ।।
એવું કહ્યું ન જાય સહ્યું, કહ્યું સુખદુઃખનું તારે શું છેજી ।।૩૬।।
એમ કહીને સંબંધી સર્વે, ઊઠી ચાલ્યાં અળગાંજી ।।
સર્વે દુઃખ સજીને આવ્યાં, વળતાં તેને વળગ્યાંજી ।।૩૭।।
આધિ વ્યાધિ છે અંગકેડ્યે, કહી ન જાય કેણેજી ।।
બાળ જોબન વૃદ્ધપણામાં, સહુ કોઈ પીડાય તેણેજી ।।૩૮।।
નખ વેઢો ને નયુ પાકયું, ઝામરો ને ઝામરીજી ।।
સાતપડો ને સોજા ચઢિયા, તેની પીડા ખરીજી ।।૩૯।।
રાફો રીંગણી રતવા, પત્યે પગ ખવાણાજી ।।
કીડિયારાં પડિયાં ઘારા, ઝાઝું રૂવે ઝલાણાજી ।।૪૦।।
કાળો કોઢ કળતરે બળતર, તેણે તન તવાયજી ।।
જાનવે બે ગોઠણ ઝાલ્યા, શલ્ય ન સહેવાયજી ।।૪૧।।
સાથળમૂળે વેળ્ય વસમી, ફોડાની ફજેતીજી ।।
સારણ્ય ને સંઘરણી વાયુ, ભગંદર ભૂંડો અતિજી ।।૪૨।।
તણખિયો-પ્રમેહ પાણવી, મૂત્રકચ્છ બંધાણીજી ।।
અર્શરોગ ને હાથધોણે, પામે પીડા પ્રાણીજી ।।૪૩।।
બદ બરોલ્ય બાંબલાઈ, પીડ્યે પેટે પાંસા શૂળજી ।।
મુઝારો ને મૂર્છી માનો, મોટાં દુઃખનાં મૂળજી ।।૪૪।।
નળ મળ પડી પેચુટી, ચાલી પેટે ચૂંકજી ।।
આંતર ગાંઠ્ય ને ચડિયો ગોળો, ગળે ન ઊતરે થૂંકજી ।।૪૫।।
ગડ ગુંબડ ને ગળે ગાંઠ્યો, ભરનિંગળ ભારીજી ।।
હેડકી ને હીક હૈયામાં, મૂકયો અરધો મારીજી ।।૪૬।।
ઉધરસ ને ઊબકો આવે, ખાલી આવે ખાંસીજી ।।
મુખ પાકયું ને જીભ ઝલાણી, ન થયો તોય ઉદાસીજી ।।૪૭।।
અંતરગળ ને અંડની વૃદ્ધિ, ઓકારી બહુ આવેજી ।।
ક્ષયરોગ ને ખીલી-ખટકે, કોશ-રસોળી કા’વેજી ।।૪૮।।
હલદરવો ને હૈયા-હોડી, મસ ખીલ મુટાણોજી ।।
કંઠમાળ ને કરણક કાને, જોર કફ જડાણોજી ।।૪૯।।
ધાતુ જાયે ધનુર ધાયે, થાયે સનેપાતજી ।।
ઉદર ક્ષુદ્ર રોગ અતિશે, નથી કે’વાતી વાતજી ।।૫૦।।
નાકે નાકસુર અતિ, આંખ્યે રોગ અપારજી ।।
મસ્તક રોગ કહું કપાળી, કે’તાં ના’વે પારજી ।।૫૧।।
કુંભ કમળો કમળી કહિયે, કાળજય માંયથી કાપેજી ।।
અૌદરી ને ઊર્ધ્વ-વાયુ, આફરો દુઃખ આપેજી ।।૫૨।।
ઘેન ઘણું ને ઘાંટો ઝાલ્યો, ચાલ્યો શ્વાસ એકદંડજી ।।
છાતીબંધ છપે નહિ છાનું, પીડા તેની પંડજી ।।૫૩।।
દમ ભ્રમવા વિસફટક, ઉદર દરદ ઉપદંશજી ।।
મેદ ને પરમેદ પેખો, કરે કાયાનો ભ્રંશજી ।।૫૪।।
રકત-પિત્તને રજો આદિ, તાવ તાવલી આવેજી ।।
તાવ તરિયો એકાંતરિયો, તાઢો ઊનો કાવેજી ।।૫૫।।
પડીપડીને પાસાં સડિયાં, પડિયાં ભાઠાં ભારેજી ।।
તૃષ્ણા મદનો રોગ ન મટ્યો, પીયો થયો ત્યારેજી ।।૫૬।।
ગંડુશ ને ગાલ-પચોળાં, કાને પડી ધાકજી ।।
મંદાગ્નિ અજીરણ માનો, આષ્ટીલ અપાકજી ।।૫૭।।
વાળા દુઃખના માળા કહિયે, ચઢ્યો કૃમિનો ગોટોજી ।।
આમવાયુ ગ્લાનિ ગણિયે, મરડો રોગ મોટોજી ।।૫૮।।
એવાં એવાં દુઃખ અનંત, પડિયાં કાયા કેડેજી ।।
બાળ જોબન વૃદ્ધપણામાં, પૂરણ પાપે પીડેજી ।।૫૯।।
કાયા કંપે અતિ અજંપે, આંખ્યો પડિયો ઊંડીજી ।।
નાક નમ્યું કટિ કોટ નમી, થઇ છે ગતિ ભૂંડીજી ।। ૬૦।।
ઝામર વાયે ઝાંઝાં મુઝાં, આંખ્યો આવી ઊઠીજી ।।
ફૂલડિયા ને ક્રુવા પડિયા, બેઉ આંખ્યો ફૂટીજી ।। ૬૧।।
ઉપરસસે શ્વાસ ન બેસે, હૈયે હાલકલોલજી ।।
એ આદિ દૈ અનંત વ્યાધિ, આવી છે અતોલજી ।। ૬૨।।
એમ આધિ વ્યાધિ આવ્યાં, પેરેપેરે પીડેજી ।।
કહી ન શકે રહી ન શકે, કરકું ખાધું કીડેજી ।। ૬૩।।
શ્વાસ ન માયે સુખ ન થાયે, કંઠે ચઢિયું જાળુંજી ।।
અન્ન ને પાણી તજયું ત્યારે, ભૂખે ઊઠે ઝાળુંજી ।। ૬૪।।
એ આદિ અનંત વ્યાધિમાં, પાપી બહુ પીડાયજી ।।
કહે નિષ્કુળાનંદ નિશ્ચય, જમ વિન જીવ ન જાયજી ।।૬૫।।
સુખ સર્વે સ્વપ્ના સમ થયાં, દુઃખ દરિયા ઉલટ્યાજી ।।
પાપી પર હવે શું થાશે, જે શ્રીહરિ ન રટ્યાજી ।। ૬૬।।

