દોહા :- જિજ્ઞાસુ તુને મેં જાણિયો, ખરા ખપવાળો નિરધાર ।।

જે જે તેં પૂછ્યું તે પણ, છે સર્વે સારનું સાર ।। ૧ ।।

પ્રગટ પ્રભુને પામિયા, તે કૃતાર્થ કે’વાય ।।

સર્વે કારજ સારિયાં, જાણજયો આ જગમાંય ।। ૨ ।।

પછી જુવે પ્રભુ પ્રગટનું, ઘણું ગમતું જેમ હોય ।।

તેવી રીતે તત્પર થઈ, કરે સદા નિરંતર સોય ।। ૩ ।।

મેલી ગમતું નિજ મનનું, રહે હરિઆજ્ઞા અનુસાર ।।

સાચો મુમુક્ષુ એ માનવો, નિશ્ચય કરી નિરધાર ।। ૪ ।।

ચોપાઈ :-

જેના હરિપરાયણ પ્રાણ રે, નથી રહી જેને કોઈ તાણ રે ।।

ધ્વજપટ કયુર્ં નિજ તન રે, વાયુ સમ હરિનું વચન રે ।। ૫ ।।

જેમ વાળે તેમ જન વળે રે, મેલી મમત અંગ સઘળે રે ।।

રહ્યા અતિ આજ્ઞા અનુસાર રે, કરી નિશ્ચય મને નિરધાર રે ।। ૬ ।।

એવા શુદ્ધ સેવક સુજાણ રે, પ્રભુ પ્રગટના પ્રમાણ રે ।।

બીજા સહુથી થઈ નિરાશ રે, થયા શ્રી ઘનશ્યામના દાસ રે ।। ૭ ।।

સદા જોઈ રહ્યા હરિ સામું રે, ગમતું હરિનું કરવા છે હામું રે ।।

એવા સંત સદા શિરોમણિ રે, કહું રીત સુણો તેહ તણિ રે ।। ૮ ।।

કરે ભકત સદા નિષ્કામ રે, ચતુરધાનું ન પૂછે નામ રે ।।

માને મન કર્મ વચને વચન રે, રાખે એકાગ્રે હરિમાં મન રે ।। ૯ ।।

શુદ્ધ શ્રદ્ધા હોય સેવા માંઈ રે, તેમાં દંભ કપટ નહિ કાંઈ રે ।।

મેલે મન તન અભિમાન રે, કરવા હરિ રાજી સાવધાન રે ।।૧૦।।

વાળે હરિ જીભ ત્યાં વળે તન રે, વિષયસુખ મળ્યે ન ચળે મન રે ।।

પૂરો છે પ્રભુનો વિશ્વાસ રે, રહે પ્રભુપાસે દાસાનુદાસ રે ।।૧૧।।

અંતરજામી જાણી રાખે બીક રે, કે દી ન કરે કામ અઠીક રે ।।

બોલે દીન આધીન વચન રે, કાંઈક કે’જયો મુને ભગવન રે ।।૧૨।।

સુણે સાવધાન થઈ વાત રે, સત્ય વચન જાણે સાક્ષાત રે ।।

મટકે રહિત જુવે હરિરૂપ રે, નીર્ખી આનંદ આવે અનુપ રે ।।૧૩।।

જુવે રાજીપો હરિનો જેમ રે, વર્તે મન કર્મ વચને તેમ રે ।।

શુદ્ધ ભોજને જમાડે શ્યામ રે, હૈયે હરિ જમાડવા હામ રે ।।૧૪।।

લેહ્ય ચોષ્ય ભક્ષ્ય ને ભોજને રે, જમાડી પે’રાવે વસ્ત્ર તને રે ।।

બહુ પ્રેમ ભરી પૂજા કરે રે, ઘણમૂલાં ઘરેણાં અંગે ધરે રે ।।૧૫।।

અતિસુગંધી ચંદન ઉતારી રે, કરે સમો જોઈ પૂજા સારી રે ।।

સારાં સુગંધી ભર્યા ફૂલ લાવે રે, કરી હાર હરિને પે’રાવે રે ।।૧૬।।

અતિ હેતે ઉતારે આરતિ રે, થઈ મગન કરે ધુન્ય અતિ રે ।।

પ્રેમે ઊભા રહી પગવતિ રે, કરે દંડવત ને વિનતિ રે ।।૧૭।।

મેલે મસ્તક ભેટ્ય ચરણે રે, માગે પ્રભુ રાખજયો શરણે રે ।।

વરતે થઈ દાસના દાસ રે, એમ રહે પ્રભુજીને પાસ રે ।।૧૮।।

જે જે મહાપ્રભુને નવ ગમે રે, તે તે કરે નહિ કોઈ સમે રે ।।

વળી પૂછ્યું હતું તેં પ્રશ્ન રે, જયારે પ્રગટ હોય ભગવન રે ।।૧૯।।

ત્યારે મનુષ્ય તરે કે તરે કોય રે, તે પણ કહું સાંભળજયે સોય રે ।।

તરે દેવ દાનવાદિ વળી રે, તે તો પ્રગટ પ્રભુને મળી રે ।।૨૦।।

રાક્ષસ યક્ષ ભૂત ભૈરવ રે, મળે પ્રગટ તો તરે એ સર્વ રે ।।

વળી પશુ પંખી સરિસાપ રે, તે પણ તરે પ્રભુ પ્રતાપ રે ।।૨૧।।

વૃક્ષ વેલી પામે પરમ ગતિ રે, ફળ ફૂલ દળ દારવતિ રે ।।

સ્થૂળ સૂક્ષ્મ જડ ચૈતન રે, પ્રભુ પ્રગટ પ્રસંગે પાવન રે ।।૨૨।।

સ્થાવર જંગમ ચરાચર જેહ રે પ્રભુ પ્રગટ મળ્યે તરે તેહ રે ।।

જોને રામકૃષ્ણાદિ અવતાર રે, તેથી બહુ થયા ભવપાર રે ।।૨૩।।

સ્થાવર જંગમ સ્થૂળ સૂક્ષ્મ રે, ચરાચર પામ્યા ગતિ પરમ રે ।।

તેનો ગણતાં ન આવે પાર રે, એમ થયો બહુનો ઉદ્ધાર રે ।।૨૪।।

કૈક મનુષ્ય તર્યા નર વામ રે, પશુ પંખી પામ્યાં હરિધામ રે ।।

કૈક ભૂત પ્રેત ને ભૈરવ રે, વૃક્ષ વેલી ખગ મૃગ સર્વ રે ।।૨૫।।

આગે બહુ થયા અવતાર રે, તેથી આજ સામર્થી અપાર રે ।।

જોને આ સમે ઉદ્ધાર્યા કઈ રે, તે તો લખતાં લખાય નઈ રે ।।૨૬।।

રામઅવતારે કૈં રહી ગયા રે, તે કૃષ્ણ અવતારે પાર થયા રે ।।

કૃષ્ણ અવતારે ગયા’તા રહિ રે, તે તો આજ ઉદ્ધારિયા કઈ રે ।।૨૭।।

એમ આદિ અંત મધ્યે માનો રે, પ્રતાપ પ્રગટનો નહિ છાનો રે ।।

પ્રગટ પ્રભુ કે પ્રભુના સંત રે, તેહ વિના ન ઉદ્ધરે જંત રે ।।૨૮।।

એહ બેઉ રીત વિના બીજે રે, કોઈ રીતે કલ્યાણ ન પ્રતીજે રે ।।

સર્વે શાસ્ત્રનું સિદ્ધાંત કહ્યું રે, કે’વા હવે કેડ્યે નથી રહ્યું રે ।।૨૯।।

કહી રીત સનાતન તણી રે, પણ આજ છે અલેખે ઘણી રે ।।

આજ અગણિત પામ્યા આનંદ રે, એમ નિશ્ચે કહે નિષ્કુળાનંદ રે ।।૩૦।।

ઇતિ શ્રી કલ્યાણનિર્ણયમધ્યે મુકતમુમુક્ષુ સંવાદે ત્રયોદશો નિર્ણયઃ ।।૧૩।।