નારી નજરે ન જુવો કોઈ, વિત્તની તો વાત ભૂંડી ।।
સ્વાદ સ્નેહ દુઃખદાયી દોય, ઇચ્છા એની ટાળો ઊંડી ।। ૧ ।।
માન મોટો છે અરિ અજીત, સમજીને સંગ તજો ।।
ન કરો એ પંચની પ્રતીત, હેતેશું હરિને ભજો ।। ૨ ।।
આવો અવસર જાય અમૂલ્ય, પાછો તે પમાતો નથી ।।
તેનો તપાસી કરવો તોલ, ઊંડો અતિ અંતરથી ।। ૩ ।।
માંડી મૂઠી જૂગટાની જેમ, જીત્યા તો જીત થઈ ।।
કહે નિષ્કુળાનંદ તો એમ, હાર્યા તો હાર્ય સઈ ।। ૪ ।।