મળિયો મારગ ચાલિયા ચોંપેજી, પડે આખડે પગ પાછા ન રોપેજી

પોં’ચિયે કાશિયે તો સારું છે સહુપેજી, નવ પોં’ચિયે તો ઋષિ રખે કોપેજી

ઋષિ કોપ્યાની બીક રહે, રખે વાટે વહી જાય માસ ।।

આપે શાપ તો આપણે, એવો ત્રણેને મને ત્રાસ ।। ૨ ।।

અન્ન વિના અચેત અતિ, ગતિ થોડી થોડી થાય છે ।।

અડવડતાં ને આખડતાં, ત્રણે ચાલ્યાં જાય છે ।। ૩ ।।

સાંજ પડે સહુ સામટાં મળી, વળી વાત કરે ધીરજની ।।

સ્મરણ કરતા શ્રીહરિનું, એમ નિર્ગમે છે રજની ।। ૪ ।।

સવારે સહુ થઈ સાબધાં, વળી ચાલે છે ચોંપે કરી ।।

રખે વીતી જાય વાયદો, એવી અંતરે ખટક ખરી ।। ૫ ।।

લાંઘણે કરી લે લહેરિયાં, થયાં અન્ન વિના અચેત ।।

સૂકી ગયાં શરીરમાં, રાજા રાણી કુંવર સમેત ।। ૬ ।।

તોય ટેક તજતાં નથી, કથી નથી કે’વાતી એની ધીર ।।

ઓછપ ન આણે અંતરે, સુખ દુઃખ ન માને શરીર ।। ૭ ।।

એમ મહાદુઃખ પામ્યા મારગે, તેહ કે’તાં પણ કે’વાય નહિ ।।

ત્યારે તે પહોંચ્યાં કાશિયે, ઊભા ત્રણે તે ચોકે જઈ ।। ૮ ।।

ત્યાં તો તૈયાર ઊભા હતા, ઋષિ વિશ્વામિત્ર જેનું નામ ।।

તૃણકોળી તે ઉપર ધરી, વળી વેચવાને કામ ।।૯।।

સાંજ પડી ગઈ શહેરમાં, ત્યારે આવ્યાં ઘરાક તે વેર ।।

નિષ્કુળાનંદ કહે નાણું દઈ, લઈ ગયાં પોત પોતાને ઘેર ।।૧૦।।