સુણો વળી કહું રંતિદેવની રીતજી, ભકત પ્રભુનો પૂરો પુનિતજી
સહ્યાં તેણે દુઃખ શરીરે અગણિતજી, કહું તેની વાત સુણો દઈ ચિત્તજી
કહું વાત રંતિદેવની, કરે નિજ નગરનું રાજ ।।
પોતે પોતાની પ્રજા પાસે, રખાવે બહુ અનાજ ।। ૨ ।।
એમ કરતાં આવી પડ્યો, બાર વરસનો વળી કાળ ।।
એકાદશ વરસ અન્ન પોં’ચિયું, દ્વાદશનો થયો જંજાળ ।। ૩ ।।
ત્યારે રાયે અન્ન આપિયું, તે પણ પોં’ત્યું દશ માસ ।।
પછી લાગ્યા છે પડવા, ઉપરા ઉપર ઉપવાસ ।। ૪ ।।
કળકળે જન અન્ન વિના, બહુબહુ પાડે છે બકોર ।।
તે સુણી રાય ચાલિયા, સંગે રાણી સુત વધૂ ભોર ।। ૫ ।।
ઉપવાસ ચોખા ચારેને પડ્યા, એકે ઓછા પૂરા પચાસ ।।
ત્યાં અણઇચ્છાયે અન્ન મળ્યું, બેઠાં જમવા પાસોપાસ ।। ૬ ।।
પાશેર પાશેર પાણિમાં, વળી આવ્યું હતું જે અન્ન ।।
ઉપવાસ ઓગણ પચાસમે, કરવા બેઠાં ભોજન ।। ૭ ।।
અભ્યાગત અન્નાર્થી, તેહની વાટ જુવે છે વળી ।।
આપીએ એને આ માંયથી, એમ વિચારે છે ચારે મળી ।। ૮ ।।
તિયાં અઘોરી એક આવિયો, સંગે લઈને વળી શ્વાન ।।
ભૂખ્યો ભૂખ્યો એમ બરકે, કોઈ આપો ભોજન પાન ।।૯।।
ત્યારે આપ્યું અન્ન જળ એહને, રાય રાણી સુત સુતભામ ।।
નિષ્કુળાનંદ પાણી પી અઘોરિયે, ઠેલ દઈ ફોડ્યું જળ ઠામ ।।૧૦।।

