રાગ:-સિંધુ

આકરે કાકરે કરવત કાઢિયું, વાઢિયું મસ્તક લલાટ લગે;

ધડક ફડક થડક નથી મને, અચળ અકડ ઊભા એક પગે.  આકરે ।। ૧ ।।

છૂટી છોળ અતોળ લાલ લોહીની, તે જોઈ જન મન ચડી ચિત્તે ચિતરી;

દેખી ભૂપતિની વિપત્તિ મતિ ચળી, ઢળી વળી પડ્યાં મૂરછાયે કરી.  આકરે ।। ૨ ।।

કરે કરેરાટ ચરેરાટ માંડ્યું ચાલવા, તે વામ અંગે એહની વાત જાણી;

એહ અંગ તેહ ઉમંગ ભંગ થયું, વળી આવી ગયું આંખ્યમાંય પાણી.  આકરે ।। ૩ ।।

તે જોઈ દ્વિજ બોલિયો ક્રોધ કરી, કલપીનું દાન હું ન લેઉં કદી;

હડકી ફડકી ચડકી ચાલિયા, તેહને વાળિયા દીનતા વાણી વદી.  આકરે ।। ૪ ।।

પછી આવીને પૂછ્યું એહ અંગને, કહે આંસુ આવ્યાનું કારણ સહિ;

ત્યારે તે કહે અભાગ્ય શી અર્ધા અંગની, જે બ્રાહ્મણને અર્થે આવ્યું નહિ.  આકરે ।। ૫ ।।

એવું સુણી દ્વિજ પલટીને થયા, તિયાં પ્રગટ પુરુષોત્તમરૂપ રે;

નિષ્કુળાનંદનો નાથ ગાથ કહે, માગ્ય માગ્ય માગ્ય મુજ પાસથી ભૂપ રે.  આકરે ।। ૬ ।।