ટેક એક નેક શુકજીની સારીજી, મતિ અતિ મોટી સૌને સુખકારીજી
ગજપુર આવ્યા રાય પાસે વિચારીજી, પંથમાં પીડા પામ્યા મુનિ ભારીજી
ભારે પીડા પામ્યા પરથી, કરી બહુ બહુ ઉપહાસ ।।
ઉન્મત્ત જાણી કહે કઠણ વાણી, ડરાવે દેખાડી ત્રાસ ।। ૨ ।।
કોઈક નાખે ગોબર ઠોબર, પેશાબ ઈંટ પાણા કઈ ।।
કોઈક સંચારે છે સરિયા, પાપી નર પૂઠ્યમાં લઈ ।। ૩ ।।
કોઈક તાડે તાળી પાડે, પમાડે દુઃખ વિમુખ ઘણું ।।
શોક હરખ તેનો શુકજીને, નથી અંતરની માંય અણું ।। ૪ ।।
કે’તા નથી તેનું કોઈને, જાણી જકતના જીવ અજાણ ।।
એવા થકા આવ્યા નરેશ પાસે, કર્યું રાજાનું કલ્યાણ ।। ૫ ।।
આગે વ્યાસને આપ્યો જેણે, ઉત્તર જન વનમાં રહી ।।
આવરણ રહિત આત્મદર્શી, એવા સમર્થ શુકજી સહી ।। ૬ ।।
સમર્થ પણ એ સર્વે સહ્યું, અસમર્થ સહે તેનું શું કહીએ ।।
આજ તપાસો આપણું, એના જેવા નથી કે છઈએ ।। ૭ ।।
ભકતની રીત જો ભકતમાં, જન જાણો જોઈએ જરૂર ।।
પોતાની રીત પરહરી પરી, હરિદાસ ન કરવી દૂર ।। ૮ ।।
વેષે લેશ લેવાય નહિ, શાહુકાર નરેશનું સુખ ।।
બોલી દેશી તો બહુ તેમ જ કરે, પણ દામ હુકમનું રહે દુઃખ ।।૯।।
ઓઢી અજીન અંગે સિંહનું, જંબુક કરે જેમ જોર ।।
નિષ્કુળાનંદ એહ વાતનો, અંતે નહિ આવે નોર ।।૧૦।।