સાચા સંત અત્યંત રાજી કર્યા શ્રીહરિ, મેલી મમત તન મન તણી…સાચા
હિંમત અતિ મતિમાંય તે આણીને, રતિપતિની લીધી લાજ ઘણી…સાચા ।। ૧ ।।
દામ વામ ધામ દીઠાં પણ નવ ગમે, કામ શ્યામ સાથે રાખ્યું છે જેણે;
નામ ઠામ ન પૂછે ગામ ગ્રાસનું રે, આઠું જામ હામ હૈયે રહે છે તેણે. સાચા ।। ૨ ।।
એવા સંતનો સંગ ઉમંગ શું કરિયે, તો અભંગ રંગ રૂડો અંગ રહે;
દિલ ન ડગમગે પગ નવ પરઠે, ચિત્ત રહી ચંગે જગ જીતી લહે. સાચા ।। ૩ ।।
સાચા સંત શૂરવીર ધીર ગંભીર છે, નીર ક્ષીર કાંકર હીર કરે નિવેડો;
નિષ્કુળાનંદ આનંદ પદ પામીને, કે દી ન મૂકે એ વાતનો જ કેડો. સાચા ।। ૪ ।।