ધીરજાખ્યાન છે આનું નામજી, ધીરજવાળાનું સારશે કામજી
ગાશે સાંભળશે કરી હૈયે હામજી, તેહ જન પામશે પ્રભુનું ધામજી
ધામ પામશે પ્રભુ તણું, જિયાં કાળ માયાનો કલેશ નહિ ।।
અટળ સુખ આનંદ અતિ, તે તો કોટિ કવિ ન શકે કહી ।। ૨ ।।
દિવ્ય ભૂમિ દિવ્ય મંદિર, દિવ્ય દેહધારી ત્યાં જન રહે ।।
દિવ્ય પદારથ દિવ્ય વસ્તુ, દિવ્ય સુખ તે સહુ લહે ।। ૩ ।।
દિવ્ય વસન દિવ્ય ભૂષણ, દિવ્ય સરવે સાજ સમાજ ।।
દિવ્ય સિંહાસન ઉપરે આપે, બેઠા શ્રી મહારાજ ।। ૪ ।।
દિવ્ય પૂજા વળી દિવ્ય પુષ્પ, દિવ્ય ચંદન દિવ્ય મણિમાળ ।।
મહાસુખમય મૂરતિને, પ્રેમે પૂજે છે મરાળ ।। ૫ ।।
લઈ પૂજા નિજ જનની, થઈ પ્રસન્ન પુરુષોત્તમ ।।
પછી અમૃતભરી આંખ્યશું, જુવે છે સહુને પરબ્રહ્મ ।। ૬ ।।
તેહ સમાનું સુખ સરવે, કે’તાં પણ કહેવાયે નહિ ।।
તેહ પામે છે સંત સાચા, વા’લાને વચને રહી ।। ૭ ।।
વચનમાં જેહ વાસ કરી, રહ્યા છે રુદે રાજી થઈ ।।
તેની નજરમાં નર અમરનાં, સુખની ગણતી સઈ ? ।। ૮ ।।
અનુપને ઉપમા ન આવે, અકળ તે ન કળાય ।।
અચળ તે ચળે નહિ, એવું એ સુખ કહેવાય ।।૯।।
એહ સુખ સહજે પામિયે, સંત વાળે તેમ જો વળિયે ।।
નિષ્કુળાનંદ નિર્ભય સુખથી, તુચ્છ સુખ સારુ શીદ ટળિયે ।।૧૦।।

