એમ સમઝે છે સંત સુજાણજી, બીજા કરે છે બહુ ખેંચાતાણજી ।
આપાપરને પરઠી પ્રમાણજી, હેતુ વિના સહુ થાય હેરાણજી ।।૧।।
ઢાળ-
હેરાણ થાયછે હેતુ વિના, તેતો અણસમઝણ આપણી । જેમ એરણ લુહારની, પર તાપે તે પીડા તાપની ।।ર।।
જેમ અંબર સુંદર ઓઢીયે, તે હોય કુચ્યની કંડુવે ભરું । અળગું ન કરીએ અંગથી, તો દુઃખનું નાવે સરૂં ।।૩।।
જેમ માથે મેષનો મોટલો, કોઈ ઉપાડે કોયલા તણો । ખપ ન આવે ખાધાતણો, લાગે ડાઘ લુગડે ઘણો ।।૪।।
મેલે તો મેલાય ખરા, ગુણ અવગુણ બેઉ બોજ । અણસમઝે ઉપાડી ફરે, ખરી કર્યા વિના ખોજ ।।પ।।
જેમ તરવું ઉંડા તોયને, માથે હીરા પથરા મોટછે । તેમ ગુણ અવગુણ જકતના, ખરા દેનારા ખોટ છે ।।૬।।
હરિભકતને હૈયામાંઈ, વિચારવું તે વારમવાર । વો’રવાં નહિ વિષ વ્યાળ વિંછી, એછે દુઃખના દેનાર ।।૭।।
જેજે વળગે આ જીવને, થાય અટપટું કરતાં અળગે । નિષ્કુલાનંદ આ જકતઉપાધિ, વણ વળગાડી વળગે ।।૮।। કડવું ।।૩૭।।

