કેનેક બળ અન્ન ધન રાજયતણુંજી, કેનેક બળ વળી વિદ્યાનું ઘણુંજી ।
કેનેક બળ દેહ દેખી આપણુંજી, એહ માંયેલું બળ નથી મારે અણુંજી ।।૧।।
ઢાળ-
અણું નથી એહ માંહેલું, બળ બીજાનું વળી માહરે । સમર્થ સહજાનંદજી, હું તો શરણ છઉં તાહરે ।।ર।।
આકરી વેળામાં આવજો, પ્રભુજી તમે મારી પાસ । ખરી વેળામાં ન ખસવું, હરિ જાણી પોતાનો દાસ ।।૩।।
વસમી વેળાએ વાલમાં, વળી વળી કરજો વા’રને। સંકટમાં શ્રીહરિ સ્વામી, શ્યામળા કરજો સારને ।।૪।।
અંતવેળા છે વસમી, એમ વદેછે વેદ પુરાણ । તેહ સમે તમે તરત આવી, સાર લેજો શ્યામ સુજાણ ।।પ।।
ઉઠે દેવતા અંગના, એક દંડો ચાલે વળી શ્વાસ । તેહ સમે તમે સંભાળજો, મારા અલબેલા અવિનાશ ।।૬।।
માગું છું એહ મહાપ્રભુ, દુઃખ ફોજ કરજો દૂર । વ્યાધિમાં વ્યાકુળ વેળા, શ્રીહરિરે’જો હજૂર ।।૭।।
છેલ્લી ભલામણ એજ છે, કરજો વસમી વેળાએ વાર । વારમવાર વિનતિ કરી, કહે નિષ્કુલાનંદ નિરધાર ।।૮।। કડવું ।।૩૮।।