લાજ મારી છે હરી તમારે હાથજી, મુજ અનાથના તમે છો નાથજી ।
સંકટમાંહી સ્વામી રે’જો સાથજી, એટલી સુણજો ગરીબની ગાથજી ।।૧।।
ઢાળ-
ગાથ સુણી ગરીબની, ગુણનિધિ ગ્રે’જો બાંય । મ જોશો અવગુણ માહેરા, શ્રીહરી કરજો સા’ય ।।ર।।
અધમ ઉદ્ધારણ પતિતપાવન, દીનબંધુ છો દયાળ । જોઈ બિરૂદ સામું શ્યામળા, સુખદાયિ લેજો સંભાળ ।।૩।।
ઘણા ગુન્હા ઘનશ્યામજી, તમે બક્ષ્યા આગે આશ્રિતના । તેમ ગુન્હા ગોવિંદ મારા, બક્ષજો બહુ રીતના ।।૪।।
તમારાને તમ વિના, નથી અન્ય કોઈ આધાર । તે જાણો છો જગદીશ તમે, શું કહું હું વારમવાર ।।પ।।
જેના જે આશ્રિત છે, પ્રભુ તેની છે તેને લાજ । તેહ વિના ત્રિલોકમાં, એનું કોણ હેતુ મહારાજ ।।૬।।
તેહસારૂં હરિ તમને, વળી વળી વિનતિ કરૂં । અવર બીજા ઉપાયથી, નથી આવતું દુઃખનું સરૂં ।।૭।।
જે કે’વાનું હતું તે મેં કહ્યું, હરિકૃષ્ણ જોડી જુગહાથ । દીનબંધુ દીલ ધારજો, નિષ્કુલાનંદના નાથ ।।૮।।કડવું ।।૪૦।।