સ્વામી સહજાનંદ જે જને સેવ્યાજી, તેને ન રહ્યું કાંઈ કરવાનું કે’વાજી
સૌપરી શિરોમણિ મળ્યા હરિ એવાજી, એવી નથી ઉપમા એને બીજી દેવાજી
ઉપમા નથી એવી આપવા, જોઈ જોઈ જોયું જરૂર ।। ચૌદ લોકમાં જોયું ચિંતવી, એ સમ ન સમજાણું ઉર ।। ર ।।
અનેક તન ધરી હરિ, વિચર્યા વસુંધરા માંઈ ।। તેના મળેલ તપાસિયા, સુખ પામ્યા ન પામ્યા કાંઈ ।। ૩ ।।
આજની તો અલેખે વાત છે, અઢળ ઢળ્યા છે અલબેલ ।। હળ્યા મળ્યા હરિ હેતે કરી, વળી વાળી રંગડાની રેલ ।। ૪ ।।
જમ્યા રમ્યા જોડ્યે રહ્યા, દયા કરી દીન દયાળ ।। સમે સમે સુખ આપિયાં, કાપિયાં દુઃખ વિશાળ ।। પ ।।
અરસ પરસ એકમેક રહ્યા, અંતરાય ન રહિ અણુભાર ।। અનંત અવતાર આવિયા અવનિએ, પણ આંક વાળિયો આ વાર ।। ૬ ।।
અનેક પ્રતાપ અનેક પરચા, અનેક ઉદ્ધારિયા જન ।। કોયે વાતની કસર નહિ, એવા સહજાનંદ ભગવન ।। ૭ ।।
અનંત સામર્થી અનંત ઐશ્વર્ય, અનંત પરાક્રમ અપાર ।। અનંત ધામના ધણી હરિ, વળી અનંત શકત આધાર ।। ૮ ।।
સહુ ઉપર એ શ્રીહરિ, એની ઉપર નહિ કોઈ એક ।। પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પોતે, એને આધારે બીજા અનેક ।। ૯ ।।
એવા પ્રતાપી પ્રભુ મળ્યા, તેના ટળિયા સર્વે તાપ ।। નિષ્કુળાનંદ શ્રીહરિ સંબંધે, શુદ્ધ થયા જન આપ ।। ૧૦ ।।