રાગ:- ધન્યાસરી
કરવું હતું તે કરી લીધું કામજી, ભક્તિ કરી રીઝવ્યા ઘનશ્યામજી ।
જે ઘનશ્યામ ઘણા સુખના ધામજી, તેને પામવા હતી હૈયે હામજી ।।૧।।
રાગ :- ઢાળ
હામ હતી હૈયે ઘણી, પ્રભુ પ્રગટ મળવા કાજ । આ દેહે કરી જે દીનબંધુ, જાણું ક્યાંથી મળે મહારાજ ।।૨।।
આ નેણે નિરખીયે નાથને, મુખોમુખ કરીયે વાત । આવે અવસર એવો ક્યાંથકી, જે પ્રભુ મળે સાક્ષાત ।।૩।।
અંગોઅંગ એને મળવું, તેતો મહા મોઘોંછે મેલાપ । નો’તો ભરોંસો ભિંતરે, જે મળશે અલબેલો આપ ।।૪।।
જમવું રમવું જોડે બેસવું, એવો ક્યાંથકી પામીયે પ્રસંગ । મોટામોટાને મુશકેલ મળવો, સુણી સદા રે’તા મનભંગ ।।૫।।
સર્વે પ્રકારે સાક્ષાત સંબન્ધ, જેનો અતિ અગમ અગાધ્ય । તેહ મળે કેમ મનુષ્યને, જે દેવને પણ દુરારાધ્ય ।।૬।।
તેહ પ્રભુજી પ્રસન્ન થઇ, નરતન ધરી મળ્યા નાથ । તેણે સર્વે રીતે સુખ આપિયાં, થાપિયાં સહુથી સનાથ ।।૭।।
હળી મળી અઢળ ઢળીને, આપી ભક્તિ આપણી । તેહ ભક્તિને ભવ બ્રહ્માયે, માગી મગન થઇ ઘણી ।।૮।।
ક્તિમાં છે ભાર ભારે, તે જેને તેને જડતી નથી । પુણ્યવાન કોઇ પામશે, વારેવારે શું કહીયે કથી ।।૯।।
પ્રગટની પરિચરિયા, છે માનવીઓને મોંઘી ઘણી । નિષ્કુલાનંદ એ નૌત્તમ નિધિ, સૌ સમઝો છે સુખતણી ।।૧૦।। કડવું ।।૨૮।।

