રાગ:- ધન્યાસરી
સેવા ન કરે તે સેવક શાનોજી, થયો હરિદાસ પણ હરામી છાનોજી।
એહને ભક્ત રખે કોઇ માનોજી, અંતર પિતળ છે બા’રે ધુસ સોનાનોજી ।।૧।।
રાગ :- ઢાળ
સોના સરિખો શોભતો, થયો ભક્ત ભવમાંહિ ભલો । લાખો લોક લાગ્યાં પૂજવા, દેખી આટાટોપ ઉપલો ।।૨।।
ખાવા પીવાની ખોટ ન રહી, મળે વસ્ત્ર પણ વિધવિધ શું । સારોસારો સહુ કોઇ કહે, પામ્યો આ લોક સુખ પ્રસિદ્ધશું ।।૩।।
ભોજન વ્યંજન બહુ ભાતનાં, ઘણાં મળે ગામોગામ । મળ્યું સુખ વણ મહેનતે, જયારે કરી તિલક ધરી દામ ।।૪।।
આડંબર આણી ઉપલ્યો, થયો ભક્ત તે ભરપુર, જાણ્યું કસર કોઇ વાતની, જોતાં રહી નથી જરૂર ।।૫।।
એવો બા’રે વેષ બનાવિયો, સારો સાચા સંત સમાન । પણ પાછું વળી નવ પેખિયું, એવું આવી ગયું અજ્ઞાન ।।૬।।
જે ભક્તપણું શું ભાળી મુજમાં, ભક્તભક્ત કહેછે ભવમાંઇ । ભક્તપણું નથી ભાસતું, ભાસેછે ઠાઉકી ઠગાઇ ।।૭।।
જે સર્વે સુખ શરીરનાં, લઇ લેવાં લોકની પાસથી । ભક્ત જાણી ભોળવાઇ ભોળા, આપે હૈયે હુલાસથી ।।૮।।
વળી વા’લી વસ્તુ વિલોકીને, આણી આપે જાણી હરિદાસ । જાણે અરથ એથી સરશે, એવો આણી ઉરે વિશ્વાસ ।।૯।।
તે વાત નથી તપાસતો, એવો દિલે દગાદાર છે । નિષ્કુલાનંદ નર કળ કરેછે, પણ સરવાળે શું સારછે ? ।।૧૦।। કડવું ।।૩૩।।

