ઊદ્ધવ કહે વળી સુંદરી સુણો સહુજી, તમે છો હરિને બાઈ વ્હાલી બહુજી ।

નિશદિન નાથની સાથે બાઈ હું રહુંજી, કહ્યું મને શ્રીકૃષ્ણે તે તમને કહુંજી ।।૧।।

ઢાળ – કહ્યું છે બાઈ કૃષ્ણજીએ, કરજો કર જોડી પ્રણામ । વળી વળી શું કહું કૃષ્ણ કહે, મારે સુંદરી સુખધામ ।।૨।।

રાત દિવસ રટણ રહેછે, વારંવાર વ્રજ સાથને ।  તમારા પ્રેમની વાત પ્રમદા, નથી વિસરતી નાથને ।।૩।।

વળી ઊઠતાં બેસતાં એમ બોલે, શું કરતી હશે વ્રજ સુંદરી । સુતાંસુતાં જાગે જયારે, ત્યારે ગોપી ગોપી ઊઠે કરી ।।૪।।

એમ સંભાળે છે શ્યામળો, વળીવળી વ્રજજનને । પ્રાણથકી અધિક અબળા, જણાવોછો જીવનને ।।૫।।

ભવ બ્રહ્મા ભજેછે જેને, તેતો ભજેછે બાઈ તમને । તમારી તેની ખબર ખરી, કાંઈ પડતી નથી અમને ।।૬।।

કોણ જાણે જે કેમ હશે, વળી નથી કળાતી વારતા, રાત દિવસ હૃદયથી, હરિ તમને નથી વિસારતા ।।૭।।

ઊદ્ધવ કહે હું આશ્ચર્ય પામ્યો, શિયાં પુણ્ય તમારાં છે સજની । સુતાં બેઠાં જાગતાં, વ્હાલો વાત કરેછે વળી વ્રજની ।।૮।।

બાઈ પ્યારી છો તમે પ્રાણથી, કૃષ્ણે કહ્યું ને હું પણ કહું । હરિ તમારા હેતનો હું, પાર કઇ પેરે લહું ।।૯।।

પણ હેત કરી હરિ હૈયાનું, હારદ કહ્યું છે અમને, નિષ્કુલાનંદના નાથનું ગમતું, તે સાંભળોતો કહું તમને ।।૧૦।। કડવું ।।૨૯।।