સંવત્ ૧૯૨૨ના પ્રથમ જેષ્ઠ વદી છઠ્ઠને દિવસ સ્વામી વરતાલથી પધાર્યા તે પછી વાત કરી જે, સાધુ જેવો કયાંય માલ નથી. તે મહારાજે પણ ‘હરિગીતા’માં માતાને સાધુ બતાવ્યા. ને સમ પણ સાધુના ખાય છે ને ‘શિક્ષાપત્રી’માં પણ સાધુ બતાવ્યા તે ગેરુએ લૂગડાં રંગ્યા એમ સાધુ નહિ ! એમ તો રામપરામાં બધાં માણસના રાતાં લૂગડાં છે, તેણે શું થયું ? એતો જયારે ચોસઠ લક્ષણ કહ્યાં છે એવો થાય, ત્યારે સાધુ કહેવાય.એવા તો આ આપણને મળ્યા છે. ।।૨૪૬।।

