અને મોટા સમૈયામાં મોટાં મોટાં કેટલાક શહેરના સામાન આવે તેમાંથી જીવ માંહીથી કેટલું ત્યાગ કરે ? ને સારો હોય તે પણ ભોગવવા મંડે; ને ત્યાગ ન થાય તેનું દુઃખ પણ થાય ને જીવ માંહીથી હાર્ય પણ પામી જાય. માટે જેટલું વિષયથી છેટું રહેશે તેટલું જ સારું રહેશે. ને ત્રણ પ્રકારનો ત્યાગ તેની વિકિત જે, કાંઇક જણસ વહેંચાય તે આસને બેઠાં આપે તો લે, ને બીજો તો ઊઠીને લેવા જાય, ને ત્રીજો તો પોતાને ન આવે તો કહેશે જે, મુને કેમ આપ્યું નહિ ? એ ત્રણ ભેદ છે; ને મળે તો તેનો પણ ત્યાગ કરે એ ભેદ ચોથો છે. ને મોટાનો સંગ હોય ને વિષયનો સંબંધ ન હોય તો જ આ જીવનું સારું રહે. ને મોટા શહેરની કાચી રસોઇ ને બીજી પાકી રસોઇ એ બેય બરોબર થાય. ।।૬૮।।

