અને ઉપાસના ચોખ્ખી સમજવી ને મહારાજનું સર્વ- કારણપણું સમજવું. ને પૂર્વના અવતાર કરતાં આજ તો સાધુ, સત્સંગીમાં ઘણું સામર્થ્ય છે. ને પુરુષોત્તમના ભકતમાં ને બીજા અવતારના ભકતમાં કેમ ભેદ છે ? તો જેમ હાથણી વિયાય ત્યારે તેને ભેંસ જેવડું બચ્ચું આવે ને જૂ વિયાય ત્યારે તેને લીખ આવે, એમ ભેદ છે. ને વળી જેમ વડનું ઝાડ ને તુવેરનું ઝાડ એમ ભેદ છે. વળી, શ્રીજીમહારાજ કહેતા જે, ‘શ્રીકૃષ્ણે તો અનિરૂદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ એવાં નામ પાડ્યાં, અને અમે તો નિત્યાનંદ, નિર્ગુણાનંદ ને અક્ષરાનંદ એવાં નામ પાડ્યાં.’ વળી જેમ દિલ્હીના બાદશાહનું નામ શેરખાં ને બીજા કોઇકનું નામ શેરખાં; એમ અવતારમાં ભેદ છે. ।।૧૦૮।।

