પછી વળી સ્વામીએ વાત કરી જે, ગામ જાળિયામાં શ્રીજી મહારાજ બહુ વાર પોઢીને જાગ્યા. પછી સર્વે સંતે પૂછ્યું જે, ‘હે મહારાજ ! આજ તો તમે બહુવાર પોઢી રહ્યા !’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,”તમે બહુ તપ કર્યુ, તે અમે રાજી થયા. માટે આજ તો તમારા સારુ અમે ધામ જોવા ગયા હતા. તે પ્રથમ તો અમે બદરિકાશ્રમમાં ગયા, તે બદરિકાશ્રમવાસીએ અમારી પૂજા, આરતી, સ્તુતિ કરી ને બેઠા. પછી તેને અમે કહ્યું જે, અમારા સાધુ સારુ જાયગા જોવા આવ્યા છીએ. ત્યારે તેણે કહ્યું જે, ‘હે મહારાજ ! આ ધામ તમારું છે, માટે આંહીં સાધુને રાખો.’ પછી અમને એમ જણાણું જે, આવો તો ચરોતર છે, કેમ જે કોઠાં, બોરાં ત્યાં પણ મળે છે. પછી અમે ત્યાંથી શ્વેતદ્વીપમાં ગયા, ને ત્યાંના વાસીએ અમને પધરાવીને પૂજા, આરતી, સ્તુતિ કરી ને બેઠા. પછી અમને તેણે કહ્યું જે, ‘મહારાજ! બહુ દયા કરીને દર્શન દીધાં.’ પછી અમે તેને કહ્યું જે, ‘અમારા સાધુ સારુ જાયગા જોવા આંહીં આવ્યા છીએ.’ ત્યારે તેણે કહ્યું જે, ‘હે મહારાજ ! આ ધામ તમારું છે, તે આંહીં સાધુને રાખો.’ પછી અમને જણાણું જે, ‘સ્થાન તો બહુ સારું, પણ પ્રભુ ભજવામાં સુખ જણાણું નહિ. શા માટે જે, ક્ષીરસમુદ્ર એક કોરે હડુડ્યા કરે છે. પછી તેને જાઇે ને અમે ચાલી નીસર્યા; તે વૈકુંઠ લોકમાં ગયા. તે વૈકુંઠ વાસી રામચદ્રં જી તેણે અમારી પૂજા , આરતી, સ્તુતિ કરી ને બેઠા. પછી તેને અમે કહ્યું જે, ‘અમારા સાધુ સારુ જાયગા જોવા આવ્યા છીએ. ’ ત્યારે તેણે કહ્યું જે, ‘હે મહારાજ ! આ ધામ તમારું છે, માટે આહીં સાધુને રાખો.’ પછી અમને એમાં કાઈં સારું જણાણું નહિ, કમે જે, ચાર ભજાુ ને સ્ત્રીઓનો પ્રસંગ તે ઠીક નહિ. પછી તેને જોઈને અમે ચાલી નીસર્યા; તે ગોલોકમાં ગયા. પછી ત્યાંના વાસી જે શ્રીકૃષ્ણ તેણે અમારી પૂજા, આરતી, સ્તુતિ કરી ને બેઠા. પછી તેમને અમે કહ્યું જે,‘અમારા સાધુ સારુ જાયગા જોવા આવ્યા છીએ.’ ત્યારે તેણે કહ્યું જે, ‘હે મહારાજ ! આ ધામ તમારું છે, માટે આંહીં સાધુને રાખો.’ પછી અમને એમાં પણ કાંઇ સારું જણાણું નહિ. કેમ જે, ગોપ, ગોપિયું તેને જોઇને પ્રભુ ભજાય નહિ અને કેટલીક જાતનો ગડબડાટ . તેને જોઇને અમે ચાલી નીકળ્યા, તે પ્રકૃતિપુરુષના લોકમાં ગયા. ને લોક જોઇને બહુ રાજી થયા; જે આંહીં સાધુને રાખીએ. ત્યાં તો પુરુષ ને પ્રકૃતિ દેખાણાં. તેને જોઇને અમે પ્રકૃતિને પૂછ્યું જે,‘તું ધોળી કેમ છો ને એ પુરુષ કાળો કેમ છે ?’ ત્યારે તેણે કહ્યું જે, ‘એ પુરુષ મારી સાથે જોડાણો તેણે કરીને મારામાં શ્યામતા હતી તે પુરુષમાં ગઇ ને પુરુષમાં રૂપ હતું તે મારામાં આવ્યું છે.’ પછી અમને એમ વિચાર થયો જે‘આંહીં સાધુને રાખવા નહિ, કેમ જે, માયા કાળા કરી નાંખે.’ પછી તેને જોઈને અમે ચાલી નીકળ્યા તે અક્ષરધામમાં ગયા. તે અક્ષરધામના મુકતે અમને દિવ્ય સિંહાસન ઉપર પધરાવીને અમારી પૂજા, આરતી, સ્તુતિ કરી ને બેઠા. પછી અમે કહ્યું જે, ‘અમારા સાધુ સારુ ધામ જોવા આવ્યા છીએ.’ ત્યારે તે મુકતે કહ્યું જે, ‘હે મહારાજ ! આ ધામ તમારું છે અને અમે પણ તમારા જ છીએ, માટે આંહીં સાધુને રાખો ને સુખ આપો.’ પછી અમને એમ જણાણું જે, આ ધામ જેવું કોઇ ધામ નથી. માટે આંહીં સાધુને રાખવા એ જ ઠીક છે.” ।।૧૧।।

