એક દિવસે વેદાંતીની આગળ સ્વામીએ એમ વાત કરી જે, ભગવાનના સ્વરૂપને જે નિરાકાર કહેનારા છે ને જાણનારા છે ને સત્શાસ્ત્રના અર્થને અવળા કરનારા છે, તે તો અનંત જન્મ સુધી ને અનંત કલ્પ સુધી કોઈ સ્થાનકને વિષે બાળો સાદ કરીને રોશે નહિ, ને સતયુગમાં લાખ વર્ષ સુધી ને ત્રેતાયુગમાં દસ હજાર વર્ષ સુધી ને દ્વાપરયુગમાં હજાર વર્ષ સુધી ને કળિયુગમાં સો વર્ષ સુધી એને ગર્ભમાંથી શસ્ત્રે કાપી કાપીને કાઢશે પણ બાળો સાદ કાઢીને રોશે નહિ, ને એમને એમ અનંત કલ્પ સુધી દુઃખને ભોગવશે, પણ સુખ તો નહિ જ થાય.’ એમ કહીને બોલ્યા જે, ‘સ્વામિનારાયણે આ પૃથ્વીને વિષે આવીને પાંચ પગ રોપ્યા છે, તેને ખોટા કરીને જીવનું રૂડું થાય, અમે કહી દેખાડો ? અને તે પાંચ પગ તે શું ? તો નિષ્કામ, નિર્લોભ, નિઃસ્વાદ, નિઃસ્નેહ ને નિર્માન એ જે પાંચ પગ રોપ્યા, તેને ફેરવવાને કોઇ સમર્થ નથી. જેમ રાવણની સભામાં અંગદે પગ રોપ્યો હતો તે કોઇથી ઊપડ્યો નહિ, તેમ અમે પણ પગ રોપ્યા છે તે કોઇથી ખોટા નહિ થાય.’ એમ કહીને નાહવા પધાર્યા. ।।૧૬।।

