એક મોટા હરિભકત હતા, તેણે સ્વામીને બોલાવીને કહ્યું જે, ગાડીમાં આવો. ત્યારે સ્વામી ગાડીમાં બેઠા. પછી પ્રશ્ન પૂછ્યું જે,‘હૃદયમાં ટાઢું કેમ થાય ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘ટાઢું તો, તો થાય જે, જેમ ભગવાન સામું જોઇ રહીએ છીએ તેમ જયારે મોટા સાધુ સામું જોઇ રહીશું ત્યારે ટાઢું થાશે.’ એમ કહીને વળી બોલ્યા જે,‘જેમ ગાયનું વાછરું હોય તે ગાયના શરીરમાં ગમે ત્યાં થબડકા  મારે, પણ દૂધનું સુખ આવે નહિ, તે તો જયારે આંચળને વળગે ત્યારે દૂધનું સુખ આવે છે. તે તો દષ્ટાંત છે ને એનો સિદ્ધાંત તો એ છે જે, આ બધોયે સત્સંગ તો મહારાજનું શરીર છે, પણ જે મોટા એકાંતિક સાધુ છે, તે દ્વારા તો મહારાજ અખંડ રહ્યા છે, તેથી જ તે સંતને વળગે છે તેને મહારાજનું સુખ આવે છે, જેમ ગાયના આંચળમાંથી દૂધ આવે છે તેમ.’ ।।૨૦।।