સ્વામીએ વાત કરી જે, “અમે જે જે આજ્ઞા કરીએ તે મહારાજની મૂર્તિ આપીએ . પણ જેને જ્ઞાન નહિ તેને એ વાત સમજાય નહિ. ને મહારાજનો ને મોટા સાધુનો એક સિદ્ધાંત છે, તે મહારાજને તો પોતાની મૂર્તિનું જ સુખ દેવું છે, પણ ઐશ્વર્યનું સુખ આપવું નથી, કેમ જે, જીવ ઐશ્વર્યાર્થી થઇ જાય. તેમજ મોટા સાધુનો પણ એ જ મત છે જે, મહારાજની મૂર્તિને વિષે જ જોડવા છે, પણ વિષયને વિષે ને દેહને વિષે જોડવા નથી. અને જે વિષયને વિષે જોડે છે તે એકાંતિક નહિ અને જે ઐશ્વર્યને વિષે જોડે છે તે પુરુષોત્તમ નહિ. એ મર્મને તો પ્રહ્લાદે જાણ્યો જે,‘વિષયને આપે તે ભગવાન નહિ અને વિષયને માગે તે ભકત નહિ’; તે માટે જેને ભગવન્નિષ્ઠ થાવું હોય તેને મહારાજની મૂર્તિ વિના બીજું કાંઇ ઇચ્છવું નહિ, એ સિદ્ધાંત વાત છે.” એમ કહીને વળી બોલ્યા જે,‘આ ભગવાન ને આવા સાધુનું રૂપ તો સિદ્ધિઓ પણ ધરી શકતી નથી, કેમ જે, એ તો અકળ છે. ને બીજા વિભૂતિ અવતારનું રૂપ તો સિદ્ધિઓ ધરે છે; પણ આ પ્રત્યક્ષ મહારાજ ને આ પ્રત્યક્ષ સંત તેનું રૂપ તો સિદ્ધિઓ ધરતી જ નથી; જેમ જે રાજા ગાદીએ હોય તેનો વેશ તરગાળો કાઢતો નથી તેમ.’ ।।૨૪।।

