પછી વળી સ્વામીએ વાત કરી જે, શ્રીજીમહારાજનો ને મોટા સાધુનો જે હૃદગત અભિપ્રાય જાણવો તે તો બહુ જ કઠણ છે. તે તો કયારે જણાય ? તે એક કલ્પ સુધી જો મુકતાનંદસ્વામી તથા ગોપાળાનંદસ્વામી તથા કૃપાનંદસ્વામી એવાને સેવીએ ત્યારે જણાય. પણ તે વિના તો જણાય જ નહિ, એ સિદ્ધાંત વાર્તા છે. ને તે વિના જે કાંઇ આપણને જણાય છે તે તો શ્રીજી મહારાજની ને આ મોટા સંતની દષ્ટિ વડે કરીને જણાય છે. ને તેની દષ્ટિ કયારે થાય ? તો દઢ ધર્મ હોય તથા આત્માપરમાત્માનું અતિ દઢ જ્ઞાન હોય તથા પંચવિષયમાં અતિશે દઢ વૈરાગ્ય હોય તથા પુરુષોત્તમ ભગવાનની માહાત્મ્ય જ્ઞાને સહિત અનન્ય ભકિત હોય, તેને માથે દષ્ટિ થાય છે, પણ દેહાભિમાનીને માથે દષ્ટિ થાતી નથી. ને તે વિના જે કાંઇ દષ્ટિ જેવું જણાય છે તે અંતે નહિ જ રહે, એમાં કાંઇ સંશય નથી. ।।૨૫।।

