સ્વામીએ એમ વાત કરી જે, ચંદ્રમાનું પ્રતિબિંબ જળમાં પડે છે ત્યારે તેને જોઇને માછલું રાજી થાય છે ને એમ જાણે જે આ પણ આપણા જેવું માછલું છે, પણ જેવો ચંદ્રમા છે ને જેવું તેનું મંડળ છે ને જેવું તેમાં તેજ છે ને જેવું તેનું ઐશ્વર્ય ને સામર્થ્ય છે તેને માછલું જાણી શકતું નથી. તથા જેમ સમુદ્રમાં વહાણ ચાલ્યું જતું હોય તેને મોટા મચ્છ હોય તે જોઇને મનમાં એમ જાણે જે આપણા જેવો મચ્છ છે તે ચાલ્યો જાય છે, પણ જેવું વહાણ છે ને સમુદ્ર તારે એવું છે ને લાખો-કરોડો રૂપિયાનો માલ લઇ જાય છે ને લાવે છે, તેને જાણી શકતો નથી. તે તો દષ્ટાંત છે. ને એનો સિદ્ધાંત તો એ છે જે, જેવા મહારાજ છે ને જેવા મહારાજના સંત છે ને જેવા તેમનાં સ્વરૂપ, સ્વભાવ, ગુણ, ઐશ્વર્ય ને સામર્થ્ય છે તેને જાણતા નથી. જેમ માછલું ને મચ્છ પોતે પોતા જેવા જાણે છે; તેમ જે મનુષ્ય છે તે પણ પોતા જેવા જાણે છે, પણ જેવા છે તેવા જાણતા નથી.’ એમ કહીને આ શ્લોક બોલ્યા જે, અવજાનન્તિ માં મૂઢા માનુષીં તનુમાશ્રિતમ્ । પરં ભાવમજાનન્તો મમ ભૂતમહેશ્વરમ્ ।। એવા જે મૂર્ખ છે ને મૂઢમતિ જીવ છે તે મનુષ્ય જેવા જાણે છે, પણ અનંતકોટિ જીવોને બ્રહ્મરૂપ કરીને અક્ષરધામમાં લઇ જાય એવા છે, અમે તેને જાણતા નથી, એ અજ્ઞાન છે.।।૨૯।।