અમને મહારાજ એમ કહેતા જે, બીજા તો અભાગિયા  પણ યાદવ તો નિરંતર અભાગિયા એમ કહીને બોલ્યા જે, જેવા મહારાજ છે ને જેવા આ સાધુ છે તેને જેમ છે તેમ ન જાણે તે તો નિરંતર અભાગિયા; કેમ જે, છોંતેરાનો મેઘ વરસ્યો ને  વુઠે મેહે કાળ પડ્યો; ને ગંગામાં નહાયો ને માથું કોરું રાખ્યું ! અને એમ જાણ્યા વિના આ સત્સંગમાં રહ્યાં છે, તે તો જેમ છોકરાં ને વાછડાં રહ્યાં છે એમ રહ્યા છે, પણ જેવા છે તેવા જાણી શકતા નથી. અને સત્સંગનો મહિમા તો બહુ મોટો છે; તે મહારાજ કહેતા જે, આ સત્સંગ તો બ્રહ્મરૂપ ને મહાવિષ્ણુરૂપ છે. એમ કહીને બોલ્યા જે, ધન્ય ધન્ય સો જન્મ, શોધી સત્સંગતિ આયો; તીરથ વ્રત જપ જોગ, સબનકો ફળ સો પાયો. કિયો વચનમેં વાસ  , ભયો તેહિ બેહદ વાસા;  હરિ હરિજન રસ રૂપ, રહત તહાં પ્રગટ પ્રકાશા. જેહિ મન વચન પર વેદ, કહે તેહિ સુખમેં સતત રહે; જન મુકુંદ સો સત્સંગકો, મહિમા કો મુખસેં કહે ? એવો સત્સંગનો મહિમા કહ્યો છે. ।।૩૫।।