વળી સ્વામીએ વાત કરી જે, એક દિવસ મહારાજે મને કહ્યું જે,‘મંડળ બાંધો.’ ત્યારે હું કાંઇ બોલ્યો નહિ. પછી સામું જોઇને કહ્યું જે, ‘સાધુ તો પાંચ રાખીએ, જેથી જીવનું કલ્યાણ થાય.’ એમ કહીને કહેવા માંડ્યાં જે, ‘સાધુ તો દસ રાખીએ, વીસ રાખીએ, પચાસ રાખીએ, સો રાખીએ ને સાધુ તો બસેં પણ રાખીએ.’ પછી તો હું બોલ્યો નહિ, પણ અંતે એમ કર્યુ. એ વાતની દીર્ઘદર્શીને ખબર પડે, આપણે તો કાંઇ જાણીએ નહિ. અરે, એક દિવસ મહારાજે મને પૂર્વાશ્રમમાં હતો ત્યાં આવીને કહ્યું જે, ‘શું કરો છો ને શું કરવા આવ્યા છીએ ? ને બ્રહ્મતેજ તો સુકાઇ ગયું છે !’ એમ કહીને દેખાણા નહિ. તે દિવસથી જીવોના કલ્યાણ થાય તેમજ કરીએ છીએ. અને એક દિવસ મહારાજને ચાર પ્રશ્ન પૂછાવ્યાઃ તેમાં એક તો ધ્યાન કરવું, બીજું આત્માપણે વર્તવું, ત્રીજું માંદાની સેવા કરવી ને ચોથું ભગવાનની વાતો કરવી. એ ચારેમાં અધિક કોણ છે, તે કહો ? પછી મહારાજે કહ્યું જે, ‘વાતો જ અધિક છે.’ તે દિવસથી મેં વાતો કરવા માંડી છે, તે રાત-દહાડો સોપો જ પડતો નથી; જેથી જીવ બ્રહ્મરૂપ થઇ જાય છે. ।।૫૬।।

