શ્રીજી મહારાજને કરમડ પધાર્યા જાણી ચાસકા ગામના દરબાર નારસિંહજી પોતાના મનમાં ઉદ્ભવેલ શંકાના સમાધાન માટે પ્રભુ પાસે બેસવા આવ્યા. શ્રીજી ઢોલિયા ઉપર આડે પડખે થઈને વિશ્રાંતિ લઈ રહ્યા હતા અને મૂળજી શેઠ પ્રભુ પાસે બેસીને માળા ફેરવતા હતા. દરબાર મહારાજને વંદન કરીને પાસે બેઠા એટલે મહારાજે મૂળજી શેઠને કહ્યું, ‘શેઠ, આ દરબાર બેસવા આવ્યા છે તો તમે એમને ભગવાનની થોડી ઘણી વાતો કરો.’
મહારાજની આજ્ઞા થતાં મૂળજી શેઠ એક બાજુ ખૂણામાં બેસી દરબારને ભગવાનના મહિમાની વાતો કરવા લાગ્યા. શેઠે આ શ્રીજી મહારાજ પ્રગટ ભગવાન છે એમ વાતનો વળાંક લઈ બે–ત્રણ પરચા વર્ણવ્યા. દરબારે એમાં તર્ક કરીને શેઠને પૂછયું, ‘મહારાજ ભગવાન છે એમ તમે વારે વારે ભાર દઈને કહો છો તો પછી હમણાં જ જેતલપુરમાં એમણે જગનનો આરંભ કર્યો તે પડતો કેમ મૂકવો પડયો ? જો એ ભગવાન હોય તો તો એમને આવનાર વિધ્નનો અગાઉથી જ અણસાર ન આવી જાય કે આ જગન પેશ્વા સરકાર પૂરો નહિ થવા દીએ એટલે યજ્ઞનો પોતે આરંભ જ ન કરે. તેમ છતાં સંતો ને હરિભક્તો પાસે મહારાજે યજ્ઞનો સરસમાન શા સારુ એકઠો કરાવ્યો ?’
નારસિંહજીનો આવો પ્રશ્ન સાંભળી મૂળજી શેઠે એનો ખુલાસો કરવા પ્રયાસ તો કર્યો પણ આ નારસિંહજીએ તો એમાંય તર્કકુતર્કો કરી શેઠના ખુલાસાને હસી કાઢયો. પ્રભુ શ્રીહરિ સૂતાં સૂતાં આ બધુંય સાંભળતા હતા. પોતે તુરત બેઠા થયા ને મંદમંદ હસતા થકા બોલ્યા, ‘શેઠ, તમારો ખુલાસો દરબારને ગળે નહિ ઉતરે. તમે બંને અહીં નજીક આવો એનો ખરો ખુલાસો હવે અમે જ કરીશું ત્યારે જ એમની શંકાઓનું સમાધાન થશે.’
આથી શેઠ અને દરબાર બંને પ્રભુને પગે લાગી પાસે બેઠા એટલે શ્રીજીએ મર્મ કરતાં પૂછયું, ‘દરબાર, તમે રામચંદ્રજીને તો ભગવાન માનો છોને ?’
‘હા મહારાજ, એને હું તો શું બધાય લોકો ભગવાન માને છે.’ દરબારે વાસ્તવિકતા સ્વીકારતા કહ્યું.
‘ઠીક તો હવે ધ્યાનથી સાંભળો. શ્રીરામજીને જે દિવસે રાજગાદીએ બેસવાનું હતું એનું શુભ મુહૂર્ત તો ગુરુ વસિષ્ઠજીએ જ જોઈ આપ્યું હતું. આમ છતાં શ્રીરામજીને રાજને બદલે વનવાસ કેમ વેઠવો પડયો ? વળી રાજા દશરથ ઘણા ઉમંગથી પનોતા પુત્ર શ્રીરામનો રાજ્યાભિષેક કરવા માગતા હતા પરંતુ એમનું અકાળ અવસાન કેમ થઈ ગયું ? સોળે શણગાર સજીને રાજમાતાઓ ઉલ્લાસથી શ્રીરામને વધાવવા કેવા આતુર હતાં પણ આવા શુભ પ્રસંગે એમને આક્રંદ અને વિલાપ સાથે ચૂડાકર્મ કરવાં પડયાને ? રાજ દરબારમાં શરણાઈના સૂર સાથે મંગળ વધાઈના ગીતો ગવાતાં હતાં એ અચાનક બંધ કરી દેવા પડયાં ને બધે ઘેરી ગમગીનતા પ્રસરી ગઈ ! શ્રીરામના રાજ્યાભિષેક માટે કરેલ તડામાર તૈયારીઓ ને લાવવામાં આવેલ અડસઠ તીરથનાં જળ એમને એમ પડયાં રહ્યાં. બ્રહ્મભોજન અને રાજના જમણવારની સામગ્રીઓ રજળી પડી ! રામજી તો પોતે ભગવાન હતા તો પછી એમણે આ અમંગળ ભાવિને શું નહિ જાણ્યું હોય ? જો આ વિધ્નને જાણતા હતા તો શા માટે એમણે આ અંગે કોઈને કશીય વાત ન કહી ? પોતે એ બધું જાણતા હતા તો આ બધી નિરર્થક તૈયારીઓ શા માટે થવા દીધી ?’
શ્રીહરિના તર્કબદ્ધ ને ધારદાર સવાલો સાંભળી નારસિંહજી તો એક હરફ પણ ન બોલી શકયા. એમની પાસે આ તર્કબદ્ધ સવાલો માટે કોઈ સમાધાન નહોતું. એટલે એમણે કહ્યું, ‘પ્રભુ, ભગવાનની આવી વાતો કાંઈ સમજમાં નથી આવતી. આપ આમાં કાંઈ સમજાવો તો વળી એમાં થોડી સમજ પડે.’
આથી મહારાજે આગળ કહેવા માંડયું, ‘દરબાર, ભગવાનના અવતારની આ વાતો ન્યારી છે. એ શ્રીરામજી કે આ અમે બધું જ જાણતા હોવા છતાં અજાણ તેમજ નિર્લેપ રહી શકીએ. ભગવાનનાં ચરિત્રોમાં તો ભલભલા ભૂલા પડયા છે. અમે જે નિર્માણ કર્યું હોય એમ જ બધું થતું હોય છે. અમારી મરજી વિના સૂકું પાંદડુ પણ કોઈથી હલી શકતું નથી. આ વિશ્વમાં કે અન્યત્ર જે કાંઈ થઈ રહ્યું છે એ બધું જ અમારી ઈચ્છાને આધિન થતું હોય છે. પરમાત્મા સિવાય બીજો કોઈ કાળ, માયા, જીવ ને ઈશ્વરનો પ્રેરક અને નિયંતા નથી.’
‘મહારાજ, આપે કરેલ ખુલાસો મને બરોબર ગળે ઉતરી ગયો. પ્રભુ, આપની આગળ અમો જીવ તો શી વિસાતમાં ? પ્રભુ, હું આપની સમક્ષ એક પ્રાર્થના કરવા આવ્યો હતો એતો મૂળગું સાવ ભૂલાઈ ગયું ને વચ્ચે આ બીજું બિનજરૂરી બની ગયું.’ દરબારે પોતાની દિલગીરી વ્યક્ત કરતાં કહ્યું.
‘બોલોને, બીજું વળી આપને શું કહેવાનું હતું ?’ પ્રભુએ અનુમોદન આપતાં કહ્યું.
‘આપના સંતો ને આપ દેશમાં ઠેરઠેર વિચરણ કરીને પ્રજાને સદાચારના સન્માર્ગે વાળો છો તેમજ વ્યસન છોડાવી હિંસા, વ્યભિચાર, ચોરી ને લૂંટફાટ જેવા કુકર્મો બંધ કરાવો છો એતો બધું બહુ સારું કરો છો પણ આ ટોપીવાળો મહા પાપી ને વિધર્મી છે એનું જોર વધતું જાય છે. એને બંધ કરો તો અમને રજવાડાંને રંઝાડતો એ બંધ થાય !’ દરબારે મૂળ મુદ્દાની વાત રજુ કરતાં કહ્યું.
દરબારની આ સ્વાર્થભરી તકવાદી વાત સાંભળી પ્રભુ મંદમંદ હસતાં કહેવા લાગ્યા, ‘જુઓ દરબાર, આ પૃથ્વી છે તે પ્રભુના ચરણ છે. એમાં કેટલાક રાજાઓ કાંટારૂપ બની પ્રભુના પગમાં વાગ્યા કરે છે એને કાઢવા સારુ પ્રભુએ આ ટોપીવાળા રૂપ મોટી સૂળ તૈયાર કરી છે જેનાથી સમાજમાં કાંટારૂપ અધર્મીઓને એ દૂર કરશે.’
‘મહારાજ એતો આપની વાત સાચી પણ આ ટોપીવાળાનું રાજ કયાં સુધી રહેશે ? એતો કહો ?’
‘જુઓ દરબાર, અમે કાંઈ ભગવાન તો છીએ નહિ એટલે અમને અગાઉથી આવી કાંઈ ખબર ન પડે એથી અમારા કહ્યામાં તમને વિશ્વાસ કેમ આવશે ?’ પ્રભુએ મર્મ કરતા કહ્યું.
‘ના પ્રભુ, આપ તો પ્રગટ ભગવાન છો. આપની સર્વ ક્રિયાઓ અદ્ભુત છે. અમો માયાના જીવ રહ્યા એટલે આપના લીળા ચરિત્રોમાં મન તર્ક–કુતર્ક કર્યા કરે એના સામું આપ જોશો નહિ. પ્રભુ, આ ટોપીવાળાનું કાંઈક કહો તો નિરાંત થાય.’
‘જ્યાં સુધી પ્રભુને પૃથ્વીમાંથી કાંટારૂપ રાજાઓને દૂર કરવા હશે ત્યાં સુધી તો આ મોટી સૂળને એ જરૂર રાખશે. વળી જ્યાં સુધી આ ટોપીવાળા અંગ્રેજો પ્રજાનું નીતિ અને ન્યાયથી રક્ષણ કરશે ત્યાં સુધી એ નભશે જ. પછી તો એના નસિબ છતાંય જ્યાં સુધી તમે આ પૃથ્વી ઉપર હશોને ત્યાં સુધી તો એનું રાજ જાય એમ લાગતું નથી.’ પ્રભુના આ બધા જ તર્કબદ્ધ ખુલાસાએ નારસિંહજીને તો વિચાર કરતા કરી દીધા.

