જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. કાં જે ભગવાની મૂર્તિ છે તેતો ચિંતામણી તુલ્ય છે.
ગઢડા પ્રથમનું ૧લું
ભગવાનનો ભકત હોય તેને ભગવાનની મૂર્તિનું ઘ્યાન કરતાં જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ.
ગઢડા પ્રથમનું ૧લું
જે સાધુને સંગે કરીને ભગવાનનું માહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મુકી શકતો નથી અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે, તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થાતી નથી.
ગઢડા પ્રથમનું ૧લું
જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય, તેણે પણ ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી. અને બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું. અને એ સર્વેને સંભારી રાખવા.
ગઢડા પ્રથમનું ૩જું
ઈર્ષ્યા કરવી તો એવી કરવી જે જેની ઉપર ઈર્ષ્યા હોય, તેના જેવા ગુણોને ગ્રહણ કરવા અને પોતાના અવગુણને ત્યાગ કરવા, અને તેવું ન થવાય ને જે ઈર્ષ્યાએ કરીને ભગવાનના ભકતનો દ્રોહ થાય તેવી ઈર્ષ્યાનો તો ભગવાનના ભકતને સર્વ પ્રકારે ત્યાગ કરવો.
ગઢડા પ્રથમનું ૪થું
ઘ્યાન કરતાં મૂર્તિ હૃદયને વિષે ન દેખાય તો પણ ઘ્યાન કરવું, પણ કાયર થઇને તે ઘ્યાનને મુકી દેવું નહિ, એવી રીતના જે આગ્રહવાળા છે તેના ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને એની ભકિતએ કરીને ભગવાન એને વશ થઇ જાય છે.
ગઢડા પ્રથમનું ૫મું
આ સત્સંગમાં જે વિવેકી છે, તે તો દિવસે દિવસે પોતાને વિષે અવગુણને દેખે છે અને ભગવાન અને ભગવાનના ભકતને વિષે ગુણને દેખે છે અને ભગવાન ને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાનાં હિતકારી માને છે અને દુ:ખ નથી લગાડતો, તે તો દિવસે દિવસે સત્સંગને વિષે મોટ્યપને પામે છે.
ગઢડા પ્રથમનું ૬ઠું
જ્યારે એ જીવ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે, ત્યારે એને દેહને વિષે જે અહંબુઘ્ધિ છે તે નિવૃત્તિ પામે છે. અને દેહના સંબંધીને વિષે જે મમત્વબુઘ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને ભગવાનને વિષે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્યને વિષે વૈરાગ્ય થાય છે.
ગઢડા પ્રથમનું ૮મું
સેવકરામની જેમ જે મનુષ્ય કર્યા કૃત્યને ન જાણે તેને કૃતઘ્ની જાણવો અને કોઇક મનુષ્યે કાંઇક પાપ કર્યુઁ અને તેણે તે પાપનું યથાશાસ્ત્ર પ્રાયશ્વિત કર્યુઁ અને વળી તેને તે પાપે યુકત કહે, તેને પણ કૃતઘ્ની જેવો પાપી જાણવો.
ગઢડા પ્રથમનું ૧૦મું
પૂર્વે જે વિષય ભોગવ્યા હોય, દીઠા હોય અને સાંભળ્યા હોય તેની જે અંત:કરણને વિષે ઇચ્છા વર્તે તેને વાસના કહીએ અને વળી જે વિષય ભોગવ્યામાં ન આવ્યા હોય, તેની જે અંત:કરણને વિષે ઇચ્છા વર્તે તેને પણ વાસના કહીએ.
ગઢડા પ્રથમનું ૧૧મું
જેને ભગવાન વિના બીજી કોઇ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભકિત કરતો હોય તે એકાંતિક ભકત કહેવાય.
ગઢડા પ્રથમનું ૧૧મું

