રાગ : રામગ્રી-પ્રભાતી
પદ-૧
મનરે માન્યું નંદલાલ શું, જોઈ પાઘ પેચાળી;
રીઝી રહી એના રૂપમાં, ભૂધરજીને ભાળી… મન૦ ૧
ભાલ તિલક કોઈ ભાતનું, કેસરનું વિરાજે;
નયણુની શોભા જોઈને, કોટિ રતિપતિ લાજે… મન૦ ૨
ફ્ૂલડાના તોરા ઝુકી રહ્યા, ઝળકે કુંડલ કાને;
મુખડાની શોભા જોઈને, મોહી ભીનલે વાને… મન૦ ૩
હીરલતા શુભ હારને, જોતાં રહી છું લોભાઈ;
મુક્તાનંદના નાથ શું, કીધી અચળ સગાઈ… મન૦ ૪
પદ-૨
જનમ સફ્ળ કર્યો માહરો, નટવર નંદલાલે;
સુખડું અલૌકિક શામળે, આપ્યું અતિ ઘણું વા’લે … જન૦ ૧
મનના મનોરથ પૂરિયા, ગુણવંત ગિરધારી;
માવ ઉપર મેં માહરું, નાખ્યું સરવસ વારી… જન૦ ૨
પરવશ થઈ હું તો પ્રેમમાં, શામળિયાને સંગે;
રસિક સલુણા વ્રજરાજને, રાચી હું તો રંગે… જન૦ ૩
જીતનો ડંકો વાગિયો, રીઝયા કુંજવિહારી;
મુક્તાનંદના નાથને, વરી થઈ જગ ન્યારી… જન૦ ૪
પદ-૩
સગપણ કીધું મેં શ્યામશું, મનમાં સમજી વિચારી;
આશ તજી સંસારની, ધર્યા ઉરમાં મોરારી… સગ૦ ૧
નિમખ ન મેલું નાથને, નેણુંથી ન્યારા;
પરમ સ્નેહી શામળો, મને પ્રાણથી પ્યારા… સગ૦ ૨
ભવબ્રહ્માદિક મહા મુનિ, તેને દુર્લભ વા’લો;
તે રસિયો મુજને મળ્યા, નટવર નંદલાલો… સગ૦ ૩
થઈ છું અધિક અલબેલડી, લજ્જા લોકની મેલી;
મુક્તાનંદના નાથ શું, બાંધી દૃઢ કરી બેલી… સગ૦ ૪
પદ-૪
આજ મારું ભાગ્ય ઉદે થયું, નીરખ્યા વ્રજપતિ વાલો;
છેલ છબીલો શામળો, લે’રી નંદજીનો લાલો… આજ૦ ૧
જરકસી પાઘના પેચમાં, તોરા અધિક વિરાજે;
મુખ શોભા જોઈ માવની, પૂરણ શશી લાજે… આજ૦ ૨
ભાલ વિશાળ વિરાજતું, નેણાં અણિયાળાં;
અતિ ચંચળ રસનાં ભર્યા, કંકોળેલ કાળા… આજ૦ ૩
અંગોઅંગ મૂર્તિ માધુરી, રસિયો ગિરધારી;
મુક્તાનંદના નાથની, છબી પર બલિહારી… આજ૦ ૪