પૂર્વછાયો:-

ભૂપ અભેસિંહ સાંભળો, ચારુ કથા ધરીને ચિત્ત;

ઐશ્વર્ય આત્માનંદનું, સંભળાવું સ્નેહ સહિત. 1

ચોપાઈ:-

ગામ મેખાટીંબી મોઝાર, આત્માનંદ રહે કરી પ્યાર;

થયા આહિર શિષ્ય અનેક, રહે આજ્ઞા વિષે ધરી ટેક. 2

ગામ ધ્રાફા વિષે એક કાળે, કર્યો મેળો મોટા પંથવાળે;

લખી કંકોતરી ગામોગામ, તેમાં આહિર તેડ્યા તમામ. 3

વળી એમ લખ્યું તેહમાંય, સગા સ્નેહીને લાવજો ત્યાંય;

ત્યારે આહિરોયે મળી આવી, આત્માનંદને વાત સુણાવી. 4

સ્નેહી સહિત તેડાવ્યા છે અમને, સાચા સ્નેહી તો ગણિયે તમને;

તમે આવશો સહિત સમાજ, મેળે તોજ જશું અમે આજ. 5

ગુરુજી કહે આવશું અમે, જવા તત્પર થાઓજી તમે;

સુણી આહિર સર્વ સિધાવ્યા, આત્માનંદજીને સાથે લાવ્યા. 6

વાલબાઇ અને હરબાઇ, મેળો જોવા ચાલ્યાં હરખાઇ;

મુકતાનંદ અને જુકતાનંદ, બેયને કહે આત્માનંદ. 7

મતવાદી જગતમાં જેહ, કરે છે દ્વેષ આપણો એહ;

મેળામાં જાશું આપણે જયારે, અતિ કરશે અવિદ્યા તે ત્યારે. 8

માટે આપણે વેશ છુપાવો, સારો ક્ષત્રિનો વેશ બનાવો;

કોઇ ઓળખે નહિ એમ કરવું, પછી આહિર સાથે વિચરવું. 9

એવાં વચન કહી મરમાળાં, પેજાર્યા ધોતિયાં લાંબાં પનાળાં;

રુડી રેશમની કોર રાજે, અંગે અંગરખાં મોટાં છાજે. 10

જામનગરનાં જરિયાનવાળાં, માથે ધોતિયાં બાંધ્યાં રુપાળાં;

ઢાલો તલવારો પણ ધરી લીધિ, ધારીબરછિયો પણ ભલી વીધિ. 11

જુગતાનંદ ને મુકતાનંદ, આતમાનંદ સ્વામી સ્વછંદ;

થયા ઘોડલે તે અસવાર, મળી ચાલ્યા આહિર મોઝાર. 12

આવ્યા એવી રીતે ધ્રાફા ગામ, દીઠી મંડળિયો ઠામેઠામ;

ખડતાળ મૃદંગ બજાવે, નરનારી મળીને ત્યાં ગાવે. 13

કોઇ તો સખી થઇને નાચે, નરનારિયો નિર્ખીને રાચે;

કોઇ તો એકતારો બજાવે, સ્વર ઉંચેથી સાવળ્યો ગાવે. 14

જનમાં જન્મ સાહેબ લેશે, બાવો કાંકરિયે દેરા દેશે;

એવી વાત ભવિષ્યની ગાય, તેનો મર્મ નહીં સમઝાય. 15

ગામ પાદર તંબુ છે તાણ્યા, મળ્યા લોક હજારો અજાણ્યા;

કોઇ પાઠ પૂજા આદરે છે, કોઇ તો જયોત પ્રગટ કરે છે.16

એક પંગતે બેસીને ખાય, જાતિભેદ જુદો ન જણાય;

નર નારીની ભીડ ભરાય, કૈંકનાં અંગ તો કચરાય. 17

અડકે પરપુરુષનાં અંગ, તેથી થાય પતિવ્રત ભંગ;

દિસે બાવાના કયાંઇ અખાડા, ગાંજા ભાંગ્યના ઊડે ધુમાડા. 18

તેના જેવા તે તો ભળી જાય, ધર્મવાળાથી તો ન ભળાય;

સ્વામી ઉતર્યા જોઇ એકાંત, પડી તે થકી લોકોને ભ્રાંત. 19

કહે કોઇ આવ્યો બ્રહ્મી બાવો, નોય તેહ વિના ધર્મ આવો;

બોલી ચાલી અને રીત ભાત,બ્રહ્મી બાવાની છે સાક્ષાત.20

ગાંજો ભાંગ્ય કશું નથી પીતા, રહે નારીના તન થકી બીતા;

આખા વિશ્વ વિષે એવો કોય, બ્રહ્મી બાવા વિના નવ હોય.21

માટે કાંઇ ઉપાય કરાવો, એને આંહિથી કાઢી મુકાવો;

નાખશે ભૂરકી એ જરૂર, કૈંકને કરશે ગાંડાતૂર. 22

અસંતમાં સંત છાના ન રહે તે વિષે :- ઉપજાતિવૃત્ત:-

જો હંસ બેઠા બગમધ્ય હોય, છુપાવતાં છુપી રહે ન તોય;

આહાર જુદા થકી ઓળખાય, મોતી મરાળો બગ મત્સ ખાય.23

બેસે કદી કોકિલ કાગ સંગે, જણાય જોતાં સરખાં જ અંગે;

ઉચ્ચાર જયારે મુખથી કરાય, કોકીલ ને કાગ જુદાં જણાય.24

જો કાચકેરા કડકા અનેક, તે માંહી હીરો કદી હોય એક;

પડે પછી તે નજરે ઘણાની, હીરા તણી જોત રહે ન છાની. 25

તપસ્વિનો વેષ નરેશ ધારે, જો ચોળીને ખાખ જટા વધારે;

ભલે કદી કોપિન હોય વાળી, જણાય તોયે જન ભાગ્યશાળી. 26

અસંતના મંડળ માંહી સંત, બેસે જઇને કદી જ્ઞાનવંત;

જુદા જ તે આચરણે જણાય, છાના રહે તો પણ ઓળખાય.27

ચોપાઈ:-

આત્માનંદે છુપાવ્યો છે વેશ, પણ ધર્મ છુપે કેમ લેશ;

આચરણ જુદાં જોઇને એહ, લોકે જાણ્યા બ્રહ્મી બાવો તેહ. 28

ગભરાટ ઉઠ્યો મેળે આખે, રખે નરને ગાંડા કરી નાંખે;

પછી મેળાના ધણિયે વિચારી, આત્માનંદને વાત ઉચ્ચારી. 29

સંપ્રદાયથી છો તમે ન્યારા, તમે સૌની નિંદા કરનારા;

ગાંજો ભાંગ્ય પિતા નથી તમે, વળી રીત અમારી ન ગમે. 30

અમે તમને નથી જ તેડાવ્યા, વણ તેડ્યા તમે કેમ આવ્યા ?

હવે સામે મોઢે પાછા જાઓ, વણઅર્થે ફજેત ન થાઓ. 31

આત્માનંદ કહે સુણો તમે, વણ તેડ્યા આવ્યા નથી અમે;

આ છે આહિર શિષ્ય અમારા, આવ્યા તે પર પત્ર તમારા. 32

સગા સ્નેહિને લાવજો સાથે, તમે એવું લખ્યું હતું હાથે;

સાચા સ્નેહિ તો અમને ઠરાવ્યા, તેથી સાથે તેઓ તેડી લાવ્યા. 33

મેળો વેરાશે ત્યારે જ જાશું, શીધું નહિ દ્યો તો ગાંઠનું ખાશું;

હવે ઝાઝું ન બોલશો તમે, નહિ માનિયે કાંઇયે અમે. 34

એવું સાંભળીને ઉઠી ગયા, ગુરુ શિષ્ય ઘણા ભેળા થયા;

ઘણી ધૂળની ફાંટો ભરાવી, સ્વામી ઊપર આવી નંખાવી. 35

કોઇ દૂરથી કાંકરા મારે, કોઇ તો હુરેહુરે ઉચ્ચારે;

આહિરોયે ત્યાં તરવારો તાણી, બોલ્યા આતમાનંદજી વાણી. 36

કોઇ ઉપર ઘાવ જે કરશે, ગુરુદ્રોહી વચનદ્રોહી ઠરશે;

આપણે સહેવું અપમાન, ભાળી રીઝે તેથી ભગવાન. 37

કહે વર્ણી અભેસિંહરાવ, હતો આહિરોને ઉર ભાવ;

મોટા પંથિને જાણતા સારા, તેને દેખાડવાને નઠારા. 38

મેળે આવ્યા હતા મહારાજ, ગુણ દોષ દેખાડવા કાજ;

ચાલ્યા આહિરો રીસાઇ જયારે, આત્માનંદ ચાલ્યા સંગ ત્યારે. 39

અધ ગાઉ ગયો તેહ વ્રાત, થયો મેળા વિષે ઉતપાત;

આવ્યો વંટોળિયો ચડી એક, ઉડે ધૂળ ને પથરા અનેક. 40

વાય વાયુ મહા વિકરાળ, જાણે આવ્યો પ્રલયનો કાળ;

દેરા તંબુ તે ઉડ્યા આકાશ, જાણે ઉડી પડાઇ ચોપાસ. 41

ઘણા પથરા આકાશથી પડે, ભાંગ્યાં કૈંકનાં માથાં તે વડે;

વળી ભાંગિયાં કૈંકનાં અંગ, ખડતાળ ને ભાંગ્યાં મૃદંગ. 42

ભાંગ્યા મંજિરા ને એકતારા, બુમો પાડે ત્યાં બાવા બિચારા;

કૈંક બાવાના ભાંગિયા કૂલા, પગ ભાંગ્યાથી કૈં થયા લૂલા. 43

કૈંની આંખ્યમાં ધૂળ ભરાઇ, રામકીને કેજા કહાં ગઇ માઇ ?

હિંદુસ્તાની બોલે કોઇ આમ, એસા કયા હુવા ઓ મેરે રામ ? 44

કૈંક રામકિયો રડ વડે, કૈંક બાવાનાં છોકરાં રડે;

નરનારી કરે નાસાનાસ, સૌને અંતરે ઉપજયો ત્રાસ. 45

જયોત જયોતને ઠેકાણે રહી, પાટપૂજા પૂરી થઇ નહી;

રાંધ્યાં ધાન થયાં ધૂળધાણી, પીવા નવ મળ્યું કૈંકને પાણી. 46

ભૂખ્યા તરશ્યા ગયા લોક ભાગી, વળી બોલિયા કૈંક વૈરાગી;

બ્રહ્મીબાવો જાણે જાદુ વિદ્યા, માટે એણે કરી આ અવિદ્યા. 47

આત્માનંદજી ત્યાંથી સિધાવ્યા, દેશ બાબરિયાવાડે આવ્યા;

કર્યો રામપરામાં વિરામ, ઘણા શિષ્ય કર્યા તેહ ઠામ. 48

પૂર્વછાયો:-

વિચરી નાઘેર દેશમાં, આતમાનંદે ઠામોઠામ;

પોતાના શિષ્ય ઘણા કર્યા, જઇ જઇને ગામોગામ. 49

રહેવાસી રાજકોટના, શેઠ માવજી ડોસો કુંભાર;

આત્માનંદને તેડવા, ગયા નાઘેર દેશ મોઝાર. 50

તેડીને વળતા આવિયા, નાના મોટા માંડવા ગામ;

સાથે હરબાઇ વાલબાઇ, જુકતાનંદ મુકતાનંદ નામ. 51

શેલડીના એક વાઢમાં, જઇ બેઠો સર્વ સમાજ;

વાઢના ધણિયે જાણિયું, આ તો બ્રહ્મી બાવો આવ્યો આજ. 52

બીક લાગી એને બહુ, નાંખી ભૂરકી હરશે ભાન;

જાઓ અમારા વાઢથી, એમ કહી કર્યું અપમાન. 53

આત્માનંદજી ઉચ્ચર્યા, આ છે વિશ્વપતિનો વાઢ;

બેઠા મુસાફર છે બીજા, કેમ અમને અહીંથી કાઢ્ય ? 54

વળી વદે ધણી વાઢનો, તમે જાદુગરા છો જરુર;

ગાંડા કરો છો લોકને, માટે આંહિ થકી જાઓ દૂર. 55

આત્માનંદ ઉઠી ચાલિયા, સાથે લઇ પોતાના જન;

નીરનું નેહેરું આવિયું, ત્યાં કરવા રહ્યા મજજન. 56

જે વાઢમાંથી નીસર્યા, તેમાં ફરતો હતો એક કોજાલ;

વાઢધણી જાણતો હતો જે, સારો ઉતરશે ગોળ. 57

રસ રેલાઇ ચાલિયો, જેમ કોસનો ચાલે પ્રવાહ;

કાંઇ ન ઉતરે કુંડીમાં, કરી જોયા ઉપાય અથાહ. 58

આવિયો એક અતીત ત્યાં, જંત્રમંત્ર તણો જાણનાર;

જીભનું શોણિત છાંટિયું, કર્યા ધૂપ ને ધ્યાન અપાર. 59

તો પણ અર્થ સર્યો નહીં, ત્યારે અતીત બોલ્યો એહ;

જેનો તમે અપરાધ કર્યો, કોઇ મોટા પુરુષ તો તેહ. 60

માંગો અનુગ્રહ એહનો, જઇ પ્રેમે કરીને પ્રણામ;

તે કરશે કરુણા ઘણી, તોજ થશે તમારું કામ. 61

વાઢ તણા તે કણબિયે, પછી જઇ આત્માનંદ પાસ;

કર જોડી વિનતિ કરી, કહ્યું ટાળો અમારો ત્રાસ. 62

અમે ન તમને ઓળખ્યા, આપ મોટા પુરુષ છો આજ;

જે અપરાધ અમે કર્યો, તે માફ કરો મહારાજ. 63

કુંડીમાં રસ પડતો નથી, કરી જોતાં કોટિ ઉપાય;

કૃપા કરો કરુણાનિધિ, રસ કુંડી વિષે તો ભરાય. 64

અવર માંગું એટલું, મારે ઘેર રહો ચાર માસ;

કલ્યાણ કરવા આવિયા, અને હું છું તમારો દાસ. 65

આગ્રહ અતિ જોઇ એહનો, એક માસ વસ્યા તેને ઘેર;

રસ કુંડીમાં ઉતર્યો, થઇ અધિક લીલા લેર. 66

આતમાનંદને ઉતરવા, તેણે જગ્યા કરાવી ત્યાંય;

કોઇક અવસરે આવીને, સ્વામી ઉતરતા તેમાંય. 67

પુષ્પિતાગ્રાવૃત્ત:-

મહતપુરુષ અત્ર દેહધારી, વિવિધ પ્રકાર વિવેકથી વિચારી;

દુરમતિ હરિ આત્મજ્ઞાન દે છે, ભવજળ પાર મુમુક્ષુને કરે છે.68

ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે આત્માનંદસ્વામી- ઐશ્વર્યકથનનામા પંચદશો વિશ્રામઃ ।।15।।