પૂર્વછાયો:-

ભૂપ કહે બ્રહ્મચારીને, આત્માનંદનું કહો આખ્યાન;

દેહ ધર્યો કિયા દેશમાં, કેણે દીક્ષાનું દીધું દાન. 1

ચોપાઈ:-

સુણી બોલ્યા અચિંત્યાનંદ, સુણ ભૂપ ધરીને આનંદ;

આત્માનંદનું કહું આખ્યાન, સુણતાં થાય પાવન કાન. 2

ગોપનાથ મહાદેવ જે છે, મૂળ સ્થાનક તેમનું એ છે;

માટે ઉત્પત્તિ એની બતાવું, સારો મહિમા કહી સંભાળાવું. 3

શહેર સૂરતમાં શેઠ એક, હતો ધર્મી ને પરમ વિવેક;

સંત વિપ્રની સેવા તે કરતો, મહિમા મનમાં ઘણો ધરતો. 4

એક દિવસ તેને ઘેર ધારી, આવ્યા તૈલંગના બ્રહ્મચારી;

તેનું નામ તે ગોવિદાનંદ, દેવઅંશી તે વિચરે સ્વચ્છંદ. 5

શેઠે તેની સજી સારી સેવા, જાણ્યું અન્ય જોગી નથી એવા;

તેને ઘેર હતી એક ગાય, નિત્ય ધણમાં તે ચરવાને જાય.6

હતી પુષ્ટ તને રુડી પેર, દેતી દૂધ પ્રથમ દશ શેર;

પછી તો ઓછું કાઢવા લાગી, દોજાવા જાય ત્યાં તો જાય ભાગી. 7

પૂછ્યું ગોવાળને શેઠે એમ, હવે દોજાવા દેતી નથી કેમ ?

કાં તો કોઇ તેને દોહી લે છે, એવો સંશય અમને રહે છે.8

પાકી સંભાળ રાખજો ભાઇ, નહીં તો નહીં દૈયે ચરાઇ;

સુણી બોલિયો તેહ ગોવાળ, હવે રાખીશ હું એ સંભાળ. 9

પછી ગોવાળે રાખી તપાસ, જતી દીઠી તે સાગર પાસ;

ઉંડા જળમાં ઘણે દૂર જઇ, પાછી ધણમાં આવી મળી ગઇ.10

ગોવાળે કહી શેઠને વાત, એ તો અચરજ લાગ્યું અઘાત;

શેઠે ગોવિંદવરણી પાસ, કર્યું વૃત્તાંત તેહ પ્રકાશ. 11

કાંઇ તેનું અજાણ્યું તો નથી, તોય બોલિયા પોતે મુખથી;

ચાલો આપણે જોઇયે જઇ, ગાય જાય આવે કિયાં થઇ. 12

બન્ને મછવામાં બેસીને ગયા, ગાય ચાલી તેને કેડે થયા;

હોય છબછબિયાં જળ જેમ, ગાય ચાલે સમુદ્રમાં તેમ. 13

આવિ ટેકરી વેગળે તહી, તેના ઊપર જૈ ઉભી રહી;

ચારે સ્તનમાંથી દૂધની ધાર, તે ઠેકાણે વહી તેહ વાર. 14

દૂધ સર્વ શ્રવી રહ્યું જયારે, ગાય પાછી વળી ઘેર ત્યારે;

વણિકે કહ્યું મસ્તક નામી, આનું કારણ શું હશે સ્વામી ? 15

સુણી બોલ્યા ગોવિંદ સુજાણ, આંહી શંકરનું હશે બાણ;

પછી ખોદીને જોઇયું જયારે, દીઠું શંકરનું બાણ ત્યારે. 16

કહે વર્ણી ભલો ધરી ભાવ, રુડું મંદિર આંહી ચણાવ્ય;

શેઠે આજ્ઞા કરી અંગિકાર, ગયા બન્ને તે સુરત મોઝાર. 17

પછી શેઠે શિવાલય કીધું, એજ વર્ણીના તાબામાં દીધું;

ગોપનાથ ધર્યું શિવનામ, ઘણો મહિમા વધ્યો તેહ ઠામ. 18

શિષ્ય ગોવિંદ જોગિના જાણો, એક આનંદાનંદ પ્રમાણો;

બીજા શિષ્ય જૂનેગઢ રહેતા, નાતે નાગર નરસિંહમેતા. 19

આનંદાનંદના શિષ્ય જેહ, ગોપાળાનંદજી થયા તેહ;

ગોપાળાનંદના આત્માનંદ, થયા વેદાંતવાદિ સ્વચ્છંદ. 20

કહું તેનું જનમ વૃતાંત, સુણો ભૂપ ધરી ખૂબ ખાંત;

કથા તે છે સાંભળવા જેવી, સર્વ સાંભળી સમઝી લેવી. 21

પૂર્વછાયો:-

દેશ ભલા હાલારમાં, ધૂંવાવ નામે શુભ ગામ;

રૂપારેલ નદી વહે છે, નિર્મળ જળ તે ઠામ. 22

ચાતુરવેદી મોઢ ત્યાં, એક વિપ્ર વસે વિદવાન;

નામ તેનું કલ્યાણજી, જગજીવનસુત સુખદાન. 23

નારી જગજીવન તણી, તેનું નામ કહું નાનબાઇ;

વિશ્વંભરભટ સુત થયા, તેની પ્રૌઢ દિસે પ્રભુતાઇ. 24

સંવત્ સત્તરસેં પછી, જયારે ત્રિશ તણી થઇ સાલ;

દસરાને દિન જનમિયા, ગુરુવારે તે સાયંકાળ. 25

કાંઇક સમય ગયા પછી, તેના તાતનું થયું તન નાશ;

મા દિકરે કંક દેશમાં, કર્યો ગારિયાધાર નિવાસ. 26

આઠમે વરસે આપિયું, વિશ્વંભરને ત્યાં ઉપવીત;

દ્વિજ આત્મારામ આગળે, ભણ્યા વેદ તે અર્થસહિત.27

વીશ વરસનું વય થતાં, ગૃહસ્થાશ્રમ ચાહી ચિત્ત;

એક આણંદજી વિપ્ર કેરી, પરણ્યા પુત્રી પુનીત. 28

વળી રુડા કંકદેશમાં, શુભ આંસોદર એક ગામ;

વશ્યા વિશ્વંભર ત્યાં જઇ, ઘણા શિષ્ય કર્યા તે ઠામ. 29

ગોપીભટ ભાનુભટ તથા, જયદેવને આત્મારામ;

સદ્ગુણી ચારે સુત થયા, એક સુતા આણદી નામ. 30

ચોપાઈ:-

વળી પાલીતાણામાં રહ્યાજાતા, ગોપનાથને પૂજવા જાતા;

વર્ણી ગોપાળનો ઉપદેશ, સ્નેહે સાંભળ્યો ત્યાં તો વિશેષ.31

તેથી તેહ તણા શિષ્ય થયા, તોય વિપ્રને વેષે તે રહ્યાં;

આંસોદરમાં હતા જજમાન, તેણે તેડાવ્યા દઇને માન. 32

તેથી ત્યાં જઇ કીધો નિવાસ, રહે સંસારથી તો ઉદાસ;

દૈવી જીવને દે ઉપદેશ, હરિભકિત કરાવે હંમેશ. 33

કોઇ ગામ જતાં એકવાર, રસ્તે કાઠી મળ્યા ત્રણ ચાર;

મુખ્ય તેમાં તો ઓઢો ખુમાણ, શૂરવીર ને પરમ સુજાણ. 34

સાથે સાથે તે ચાલિયા સહુ, જતાં દીઠા ત્યાં વીંછિયો બહુ;

ત્યારે કાઠી કહે મહારાજ, આ શું દેખાય છે કહો આજ ? 35

બોલ્યા વિશ્વંભર દ્વિજજન, એક શેઠનું જાય છે ધન;

ખપ હોય તો ગાંઠે તે બાંધો, એમાં કાંઇ નહીં પડે વાંધો. 36

હસી બોલિયા કાઠીયો એહ, તમે રાખો મહારાજ તેહ;

ભટે પાવરામાં ભરી લીધા, પછી પંથે સિધાવિયા સીધા. 37

વળી જયાં જઇ કીધો વિરામ, ઠલવ્યો પાવરો તેહ ઠામ;

સોનામોરનો ઢગલો થયો, ત્યારે સંશય કાઠીનો ગયો. 38

કરી વહેંચી લેવા તકરાર, ત્યારે ચાલી વિંછી તણી હાર;

મહાપુરુષ તે વિપ્રને જાણ્યા, શિષ્ય થઇને ગુરુજી પ્રમાણ્યા. 39

વળી ત્યાંથી આંસોદર આવ્યા, હરિભકતના મનમાં ભાવ્યા;

તેના જજમાનની સુતા એક, વાલબાઇ જે જાણે વિવેક. 40

તેની જાણજો કણબી જાત, ખોળતી હરિને સાક્ષાત;

ભેખમાં મળશે ભગવાન, એમ જાણતી તે અનુમાન. 41

માનગર એક ગોસાંઇ જેહ, હતો શિષ્ય તે ભટનો તેહ;

તેને સાધુ જાણી સુખદાઇ, કોઇ દિવસ જમાડતી બાઇ. 42

એક દિવસ તે બાઇ કહે છે, ભેખમાં ભગવાન રહે છે;

એવું જાણી જમાડું છું તમને, કહો કયાં મળશે હરિ અમને ? 43

સુણી બોલિયા તેહ ગોસાંઇ, કહું સત્ય તે સાંભળો બાઇ;

વિશ્વંભરભટ ગોર તમારા, એ જ ઇશ્વરઅંશ છે સારા. 44

વાત બાઇયે માની તે સાચી, તલમાત્ર તેમાં નહીં કાચી;

માનગરજીનો વિશ્વાસ આવ્યો, ભટ ઊપર ભાવ ધરાવ્યો. 45

પુષ્પિતાગ્રાવૃત્ત:-

જનમથી જન દૈવી જે જણાય, ધરમની વાત સુ તેહથી મનાય;

પણ જન અતિ આસુરી જ જેહ, પ્રતિત ધરે નહિ સંત કેરી તેહ. 46

ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે વિશ્વંભરભટ્ટ-જન્મકથનનામા ત્રયોદશો વિશ્રામઃ ।।13।।