રાગ : પ્રભાતી

પદ-૧

શોભાસાગર શ્‍યામ તમારી મૂરતિ પ્‍યારી રે;

મૂરતિ પ્‍યારી રે નાખું મારા પ્રાણ વારી રે ટેક૦

સુંદરતા જોઈ મુખની શશી સુર લજાઈ રે,

મુખ દેખાડી નવ શક્‍યા, વસ્‍યા ગગન જાઈ રે… શોભા૦ ૧

માન હર્યું મણિધરનું શિખા-કેશ કાળે રે,

અવની ઉપર રહી ન શક્‍યા, ગયા પાતાળે રે… શોભા૦ ૨

ચંચળ લોચન જોઈને, લજ્‍જા પામ્‍યાં તીન રે,

ખંજન કુરંગ વન વસ્‍યાં, જળે બૂડયાં મીન રે… શોભા૦ ૩

ચાલ ચતુરાઈ જોઈને ગજ કરે ધિક્કાર રે,

પ્રેમાનંદ કહે શિર નાખે ધૂળ વારંવાર રે… શોભા૦ ૪

પદ-૨

વાલી લાગે વાલમ તારા મુખની વાણી રે,

મુખની વાણી શ્રવણે સુણી હું લોભાણી રે ટેક૦

મુખની વાણી સાંભળી તજી ચંચળતાઈ રે,

સ્‍થિર થઈને નિત્‍ય સેવે ચરણ રમા ડાહી રે… વાલી૦ ૧

મુખની વાણી સાંભળી રાચ્‍યા સુંદર રૂપે રે,

જગતસુખને પરહરી લીધો ભેખ ભૂપે રે… વાલી૦ ૨

વાણી સાંભળી સનકાદિકે લીધી હૈયે ધારી રે,

ઘરથી ઘર ન માંડિયું રહ્યા બ્રહ્મચારી રે… વાલી૦ ૩

મુખની વાણી સાંભળી મારે પ્રીત બંધાણી રે,

પ્રેમાનંદ કહે તન મન કરું કુરબાની રે… વાલી૦ ૪

પદ-૩

ઓરા આવો છેલ તમારું છોગલું જોઉં રે,

છોગલું જોઉં રે છેલા મારા મનમાં પ્રોઉં  રે… ટેક૦

છોગલું તારું અટક્‍યું મારા ઉરમાં આવી રે,

મોહન તારી મૂરતિ મારા મનમાં ભાવી રે… ઓરા૦ ૧

મુખતણે મરકલડે મુને ઘેલડી કીધી રે,

સામું જોઈ તમે શામળા શુદ્ધ બુદ્ધ લીધી રે… ઓરા૦ ૨

શુધ ભૂલી શરીરની દિલ ક્‍યાંય ન ગોઠે રે,

મનડું વેધ્‍યું માહરું નેણાંની ચોટે રે… ઓરા૦ ૩

એટલું તો હવે કરજો માણીગર માવા રે,

પ્રેમાનંદના નેણમાં રહો આવાને આવા રે… ઓરા૦ ૪

પદ-૪

કાન તમારે કારણે હું તો ઘેલડી ડોલું રે;

ઘેલડી ડોલું રે તમ વિના બીજું ન બોલું રે… ટેક૦

લોકડિયાની લાજ મેલી સંસારથી તોડી રે;

મન કર્મ વચને માવજી તમ સાથે જોડી રે… કાન૦ ૧

બીક મેં તો સંસારની સર્વે કાઢી બા’રી રે;

રાજીવલોચન રસિયા થઈ રહી તમારી રે… કાન૦ ૨

તમે મારા હું તમારી દુરિજન ન જાણે રે;

પ્રીતમ વાતું પ્રેમની ન મળે નાણે રે… કાન૦ ૩

રાજી રહેજો રસિયા કહેવું ઘટે તે કહેજો રે;

પ્રેમાનંદના નાથજી દર્શન દેજો રે… કાન૦ ૪