રાગ : ભૈરવ
પદ-૧
અધમ ઉદ્ધારણ અવિનાશી, તારા બિરુદની બલિહારી રે;
ગ્રહી બાંહ્ય છોડો નહિ ગિરિધર, અવિચળ ટેક તમારી રે… અધમ૦
ભરી સભામાં ભૂધરજી તમે, થયા છો માડી મારી રે;
બેટાને હેતે બોલાવો, અવગુણિયા વિસારી રે… અધમ૦
જેવો તેવો પુત્ર તમારો, અણસમજુ અહંકારી રે;
પેટ પડયો તે અવશ્ય પાળવો, વાલમ જુઓ વિચારી રે… અધમ૦
અનળ અહિ જો ગ્રહે અજાણે, તે છોડાવે રોવારી રે;
બાળકને જનની સમ બીજું, નહિ જગમાં હિતકારી રે… અધમ૦
બ્રહ્માનંદની એજ વિનતિ, મન ધારીએ મુરારી રે;
પ્રીત સહિત દર્શ પરસાદી, જોયે સાંજ સવારી રે… અધમ૦
પદ-૨
મનમોહન સુંદરવર મારા અવગુણિયા વિસરાવા રે;
અધમોદ્ધારક પતિતજન પાવન બિરુદ તમારું ચહાવા રે… મન૦
સહુ દેખાતાં શ્યામળિયા તમે માડી થયા છો માવા રે;
છોરૂની ચિંતા રાખીને મા દેશો મુંઝાવા રે… મન૦
બાળક હોય તે જેમ તેમ બોલે લીએ કુટાણે ખાવા રે;
જનની રોષ ન લેખે જાણું અણસમજું હોય આવા રે… મન૦
શેરડીએ રમતાં અથડાતાં છોરા રાખે દાવા રે;
સબળ થઈ કોઈલીએ ચુંટીઓ તો માતા જાય મેલાવા રે… મન૦
મનગમતું સર્વે મેલીને એક તમને રીઝાવા રે;
બ્રહ્માનંદ કહે મન કર્મ વચને ગુણ તમારા ગાવા રે… મન૦