પૂર્વછાયો:-
સાત શાણા સતસંગીને, રામાનંદે પૂછી જે વાત;
ઉત્તર આપ્યા અનુક્રમે, તે સુણો અભેસિંહ ભ્રાત. 1
ચોપાઈ:-
બોલ્યા પ્રથમ તો ભટ મયારામ, જહાં આદરિયે મોટું કામ;
ત્યાંના રાજાની લઇયે સહાય, સારો પ્રથમ તો એજ ઉપાય.2
નૃપનું મન હોય જો ખોટું, તો ત્યાં કામ આદરિયે ન મોટું;
ચોકી પેરા તણો બંદોબસ્ત, તે તો રાજાનું કામ સમસ્ત. 3
જગ્યા જોઇએ વાવરવાને ઘણી, તે તો આપે તે ગામનો ધણી;
તંબુ રાવટિયો અને દેરા, આપે એવા એ બાબ ઘણેરા. 4
હોય અધિપતિ જો અનુકૂળ, મહાસુખનું તે જાણવું મૂળ;
પુરપાળને પ્રથમ બોલાવો, આગેવાન તો એને ઠરાવો. 5
કર્મકાંડી દ્વિજોને તેડાવો, માંડવાનું મુહૂર્ત કરાવો;
વિપ્ર વરુણ કરીને બેસારો, જપે જપ જેમ શાસ્ત્રનો ધારો. 6
સતસંગી સારાસારા જેહ, તેડાવો ને આગળથી જ તેહ;
તેને માટે કરાવા રસોઇ, તેડાવો વળી બાઇયો કોઇ. 7
મને જે જે ભળાવશો કાજ, તે હું તરત કરું મહારાજ;
તન તમ અરથે જ છે ધર્યું, કદી આળસ અલ્પે ન કરું. 8
મયારામજીની સુણી વાત, રામાનંદ થયા રળિયાત;
કહ્યું ભટ છો તમે ધન્ય ધન્ય, તમે તો સતસંગી અનન્ય.9
પછી બોલિયા પર્વતભાઇ, સુણો વાત અહો સુખદાઇ;
ઘણા સામાનના ગંજ હોશે, ઘણાં ગાડાં ને બુંગણ જોશે. 10
આસપાસના ગામમાં જૈને, કહો તો લાવું તત્પર થૈને;
બધા સંઘ જમાડવા સારુ, ઘૃત લાવિયે જઇને ઘરારુ. 11
મારું તન મન ધન છે જેહ, તમને અરપણ કર્યું તેહ;
સ્વામી ચિંતા ન ધરશો ચિત્ત, ખરી વાત કહું છું ખચીત.12
રામાનંદ કહે હરખાઇ, ધન્ય ધન્ય છો પર્વતભાઇ;
જેમ પર્વત અચળ ગણાય, તેમ અચળ તમે ભકતરાય. 13
ભીમભાઇ બોલ્યા ધરી ભાવ, કરો આપણે એવો ઠરાવ;
હરિજન જે રહે છે આ ગામ, તેને સોંપો જુદાં જુદાં કામ. 14
પોતપોતાના કામમાં ચિત્ત, તેથી રાખશે સર્વ ખચીત;
ગાદલાં ગોદડાં ને પલંગ, જોશે એવાં તો અગણિત નંગ.15
ગામોગામથી લાવવાં પડશે, જઇ લાવિયે તો ઘણાં જડશે;
સતસંગી સરવ છે એવા, અતિશે જ વખાણવા જેવા. 16
આપ જે જે બતાવશો કામ, તે તો કરશે તરત તે ઠામ;
અમે પણ રહી આપની પાસ, કામમાં નહિ કરિયે કચાશ. 17
તમ અર્થે ધર્યો છે આ દેહ, એમાં લેશ નથી જ સંદેહ;
સુણી સ્વામી બોલ્યા કરી હાસ, ભીમભાઇ તમોને સાબાશ. 18
તમે છો અતિ ઉત્તમ ભકત, દેહ ગેહ થકી છો વિરકત;
આવા ઉત્સવમાં ઠામઠામ, તમ જેવાનું પડશે જ કામ. 19
બોલ્યા શેઠ ત્યાં ગોવરધન, ભાતભાતનાં લાવિયે અન્ન;
લાવી ભરિયે મોટા કોઠાર, નવ ખરચતાં ખૂટે લગાર. 20
ખાંડ સાકર ને ધૃત ગોળ, ખૂબ લાવિયે તે કરી ખોળ;
આપ મોકલો ત્યાં મારે જાવું, જૈને લંકા થકી માલ લાવું. 21
સસ્તો ને સારો લાવીશ માલ, નહીં કરું કોઇને દલાલ;
માલ વધશે તે તો વેચી દેશું, ઘણો લાભ તેમાંથીયે લેશું. 22
અમે વાણિયા એવું આદરિયે, મળે લાભ તેવું કામ કરિયે;
કરકસરથી કરિયે કામ, સારું દિસે ને ઉગરે દામ. 23
માલ બગડે નહીં તલભાર, એવી રાખીશ ખબર અપાર;
લખી રાખવા ખર્ચ પેદાશ, લખનારા રાખીશ મુજ પાસ.24
રામાનંદજી બોલ્યા વચન, શેઠ ગોવરધન તમે ધન્ય;
ધન્ય ધન્ય છે બુદ્ધિ તમારી, તમે આપી સલાહ છે સારી. 25
પછી બોલિયા હીરજીભાઇ, સુણો સદ્ગુરુજી સુખદાઇ;
રાજરીતિ તો હું કાંઇ જાણું, આવ્યું ઉપયોગ કરવાનું ટાણું. 26
જન આવશે આબરુદાર, તેની સરભરા હું કરનાર;
સારાસારા ઉતારા શોધાવો, કેને કયાં દેવો તેહ ઠરાવો. 27
કેમ કરવું કેનું સનમાન, તેનું છે મને પૂરણ જ્ઞાન;
રાખી જાણું છું હું સૌને રાજી, તજો ચિંતા તે માતપિતાજી.28
ભૂખ તરશનું ભૂલીને ભાન, એજ કામમાં રાખીશ ધ્યાન;
સુણી બોલ્યા ગુરુ સુખદાઇ, ધન્ય ધન્ય છો હીરજીભાઇ.29
ભલે બુદ્ધિ દયાળુયે દીધી, તમે આજ સુફળ સર્વ કીધી;
રામદાસજી બોલિયા વાણી, મારી વાત સુણો સ્નેહ આણી.30
ઘણો આવશે સંત સમાજ, કૈંક કરશે તે મન ધરી કાજ;
સદગુરુઓ દેશે ઉપદેશ, તેથી સતસંગ વધશે વિશેષ. 31
થશે આસન તે કિયે ઠાર, કરી રાખવો તે નિરધાર;
કહો ભંડાર તે કયાં કરાશે ? મોટી પંગતો તે કયાં સમાશે ? 32
દિસે શ્રદ્ધા જે સાધુની સારી, કરો એવા ભલાને ભંડારી;
મતવાદીયો પૂછશે આવી, દેશું તેને અમે સમજાવી. 33
વળી આપની આજ્ઞા પ્રમાણે, કરશું અમે કામ તે ટાણે;
તજયો છે અમે સંસાર જેહ, તમને રાજી કરવાને તેહ. 34
રામાનંદ બોલ્યા કરી હાસ, ધન્ય ધન્ય તમે રામદાસ;
તમે અક્ષરધામના મુકત, તમે છો મહા ઐશ્વર્ય યુકત. 35
મુકતાનંદ કહે મહારાજ, મારી વાત સુણો હવે આજ;
મોટા મોટા હરિભકત જેહ, રાખો પ્રથમ તેડાવીને તેહ. 36
અંગના માણસો વિષે :- ઉપજાતિવૃત્ત:-
જે કામમાં હોય મનુષ્ય સારાં, તે કામ તો સિદ્ધ સદા થનારાં;
ખામી જણાવા કશિયે ન દેય, સારા જનો ઢાંકણરૂપ છેય. 37
સ્વદેહને તોડી કપાસ જેમ, સદૈવ ઢાંકે પરકાય તેમ;
સારા જનો સંકટ આપ પામી, ઢાંકે સદાકાળ પરાઇ ખામી.38
સામાન જો હોય કદી અમાપે, તથાપિ નાદાન અકીર્તિ આપે;
સામાનની જો કદી ખોટ આવે, સારા જનો સારું કરી બતાવે. 39
સ્વઅંગનાં માણસ જો ન હોય, ન કીર્તિ આવે ધન હોય તોય;
ભલે ધણેરાં ખરચે જ દામ, ન થૈ શકે મોટું કદાપિ કામ. 40
નાણાં વડે શત્રુ નહીં જીતાય, નાણાં વડે રાજય નહીં રખાય;
કરી શકે યજ્ઞ નહીં જ કોય, સ્વઅંગનાં માણસ જો ન હોય.41
બીજા જનો ભોજનકાજ આવે, જમી રમીને સુખથી સિધાવે;
તેના થકી કામ નહીં કરાય, સ્વઅંગના માણસથી જ થાય.42
વિવાહકાળે સમશાન કાળે, મોટે વરે કે રિપુ વેર વાળે;
થૈ અંગપીડા અતિ જેહ ઠામ, ત્યાં અંગના માણસનું જ કામ. 43
ચોપાઈ:-
માટે સત્સંગી જે સારા સારા, પ્રીતિ તમમાં પુરી રાખનારા;
ધર્મવાળા ને વિશ્વાસયોગ, જેને આળસનો ન સંયોગ. 44
વ્યવહારમાં ધર્મમાં ડાહ્યા, હોય આબરુદાર ગણાયા;
એવા એવાની ખોળ કરાવો, તેને આગળથી જ તેડાવો. 45
મુકતાનંદની સાંભળી વાણી, રામાનંદ બોલ્યા હેત આણી;
સ્વામી બુદ્ધિ તમારી છે ધન્ય, તમ જેવા ડાયા નહિં અન્ય.46
સર્વ સંતમાં મુખ્ય છો તમે, એવું અંતરે જાણિયે અમે;
વળી બોલ્યા ગોવર્ધનભાઇ, કહું નામ વણિકનાં હું ગાઇ.47
એટલા સતસંગી જો આવે, સીધું સામાન તો સદ્ય લાવે;
માંગરોળમાં કેવળરામ, માવજી તથા વાસણ નામ. 48
દેવકરણ તથા રામચંદ્ર, મૂળચંદ નથુ સૂરચંદ;
દામોદર હરજી ને મેઘજી, કુરજી તથા જાણો રતનજી. 49
માણાવદરના શેઠ ભાણો, બીજા જાદવજી એક જાણો;
પરશોતમ પોરબંદરના, બીજા તો બાલાગામ અંદરના. 50
જેનું આણંદજી એવું નામ, નાંયો શેઠ છે અજાવ્ય ગામ;
ઝાંઝમેરમાં ખીમજી જેઠો, પાડોદરમાં ઓધવજી છે બેઠો. 51
કાળવાણીમાં જેઠો ને ધેલો, જીવરાજ વળી છે રહેલો;
જુનાગઢમાં છે વીરજી જેહ, ચાંપશી ને મંગળજી તેહ. 52
જાળીયાના અમરશી જાણો, ડેરડીના લાધો પરમાણો;
વળી ખીમો ને રૂપશી ત્યાં છે, શેઠ રાધવ ગોંડળમાં છે. 53
ધારીમાં ધનો ઉદ્ધવ રહે, નાથો વસતો જીરામાં કહે;
ગુંદાળાના આણંદજીભાઇ, બીજા કર્મશીની છે ભલાઇ. 54
જૂઠો ડોસો તથા હંસરાજ, ગામ બંધિયામાં વસે આજ;
કહ્યાં બીજાનાં પણ બહુ નામ, આવે એટલા તો સરે કામ. 55
વસ્તુ વેચાતી તે લાવી જાણે, તેને વેપારી સર્વે વખાણે;
એ તો મોટા છે આબરુદાર, વળી સત્ય ધરમ ધરનાર. 56
પછી તેઓને તેડવા કામ, મુકયાં માણસ તે ગામોગામ;
પછી બોલિયા પર્વતભાઇ, રામાનંદ સુણો સુખદાઇ. 57
કણબી વિના પૈડું ન રડે, કામ કણબી વડે પાર પડે;
બીજા હારીને બેસે જે ઠામ, કણબી તે કરી શકે કામ. 58
પુષ્પિતાગ્રાવૃત્ત:-
સુણ નરપતિ રાજનીતિવેત્તા, કણબી પવિત્ર જહાં જહાં રહેતા;
પરવત ઉચર્યા સુનામ જેહ, પુનિત કથા તુજને કહીશ તેહ. 59
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે ચતુર્થકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિપટ્ટાભિષેક આરંભનામા એકવિંશતિતમો વિશ્રામઃ ।।21।।