પૂર્વછાયો :-
શ્રીહરિ રહી સિરપુર વિષે, મતવાદીનું હર્યુ અભિમાન;
સિદ્ધવલ્લભ ભૂપાળને, તહાં આપ્યું પોતાનું જ્ઞાન.1
ચોપાઈ :-
નદીતટ કર્યુંઆસન જઇને, બેઠા ધ્યાન ધરી સ્વસ્થ થૈને;
નદીમાં આવ્યું પાણીનું પુર, તોય આસન નવ કર્યુ દૂર.2
જન જાણે તે તો બુડી ગયા, પણ શ્રીહરિ અવિચળ રહ્યા;
હતો સેવક ગોપાળદાસ, ટાળ્યો તેહનો અભિચારત્રાસ.3
ગજ કાળપુરુષનું દાન, એક વિપ્રે લીધું તેહ સ્થાન;
હરિશરણે તે બ્રાહ્મણ આવ્યો, તેને પાપથી કૃષ્ણે મુકાવ્યો.4
રહ્યા ત્યાં હરિ ચાતુરમાસ, પછી ત્યાં થકી કીધો પ્રવાસ;
કેટલાએક સિદ્ધ ઉમંગે, ચાલ્યા શ્રીઘનશામને સંગે.5
આવી પર્વત વન તણી ઝાડી, રહે તેમાં અઘોરી અનાડી;
તે તો માણસને ખાઇ જાય, પણ કૃષ્ણને દેખી પળાય.6
પછી જઇ પરશુરામકુંડ, નાજાયા નાથ ને સિદ્ધનું ઝુંડ;
ત્યાંથી પૂર્વના વનમાં સિધાવ્યા, દેવી કામાક્ષી છે તહાં આવ્યા.7
તેની પાસે વસે એક ગામ, તેના બાગમાં કીધો વિરામ;
ગામમાં એક વિપ્ર છે વામી, સર્વ જાદુગરોનો તે સ્વામી.8
કૈક જોગી જતીને હરાવ્યા, કૈક પંડિત દ્વિજને ડરાવ્યા;
તેનું નામ પ્રસિદ્ધ પિબેક, જેણે જીતેલા સિદ્ધ અનેક.9
તેને શ્રીહરિએ જીતી લીધો, પછી શિષ્ય પોતા તણો કીધો;
સર્વે સિદ્ધને વીદાય કરી, ત્યાંથી એકલા ચાલિયા હરી.10
નામે નવલખો પર્વત જેહ, હરિએ દીઠો દૂરથી તેહ;
જેમાં કળિયુગ ન કરે પ્રવેશ, એવો એ છે પવિત્ર પ્રદેશ.11
જેમાં જોગી વસે નવ લક્ષ, કરે ફળ જળ પત્રનો ભક્ષ;
તપ જ્ઞાન ને વૈરાગ્યવંત, સત્યવાદી સદાચારી સંત.12
સદા અષ્ટાંગજોગને સાધે, એક ઇષ્ટ શ્રીહરિને આરાધે;
જ્ઞાનયજ્ઞ કરે સદાકાળ, એમ વીતિયો કાળ વિશાળ.13
કદી દર્શન હરિનું ન પામ્યા, તોય તપથી ન તેહ વિરામ્યા;
ધૂણી સળગે ત્યાં નવ લાખ લેખે, દિવ્યદષ્ટિવાળા જન દેખે.14
જોગી સર્વે એવું મન ધારે, મળશે પ્રભુ આવીને કયારે;
એવામાં થઇ આકાશવાણી, લેજો સર્વે સિદ્ધો તમે જાણી.15
પુરુષોત્તમ શ્રીપ્રભુ જે છે, સદા અક્ષરધામે વસે છે;
તેણે ધાર્યો ભૂતળ અવતાર, થયા ભકિતધરમના કુમાર.16
તે તો વર્ણી તણો વેષ ધારી, અહિં આવે છે દેવ મુરારી;
એવું સાંભળી સૌ સિદ્ધ હરખ્યા, ત્યાં તો દૂરથી કૃષ્ણને નિરખ્યા.17
ઉર ઉપજયો પ્રેમ અપાર, થયા નવ લક્ષ મળવા તૈયાર;
સૌનો દેખીને પ્રેમ અનૂપ, ધાર્યા હરિએ ત્યાં નવ લાખ રૂપ.18
એક કાળે તે સર્વને મળિયા, સિદ્ધ સૌના મનોરથ ફળિયા;
થઇ એકરૂપે મહારાજા, એક આસને આવી બિરાજયા.19
મનમોહન મૂર્તિ રૂપાળી, સિદ્ધ સર્વ રહ્યા સામું ભાળી;
દીઠું મૂર્તિમાં અદભૂત તેજ, કોટિ સૂર્યશશી સમ એ જ.20
તેજ વ્યાપિયું બ્રહ્માંડ પાર, ગયું અક્ષરધામ મોઝાર;
સિદ્ધ સર્વ સમાધિસ્થ થઇ, જુએ અક્ષરધામમાં જઇ.21
સિંહાસન ઉપરે એહ ઠામ, તેજોમય નિરખ્યા ઘનશામ;
સ્તુતિ મુકત અનંત ઉચારે, સેવે શકિત હજારો હજારે.22
કોટિ અજ હરિ હર થઇ દીન, સેવે શ્યામને થઇ આધીન;
ચારે વેદ ત્યાં મૂરતિમાન, કરે શ્રીહરિના ગુણગાન.23
સિદ્ધે જોયું સમાધિથી જાગી, દીઠા સન્મુખ શામ સુહાગી;
અતિ આનંદ અંતરે ધારી, સ્તુતિ બે કર જોડી ઉચારી.24
અષ્ટપદી :- જલધરસુંદર મદનમનોહરઃ એ રાગ છે
જય જગકારણ ભવજળતારણ નરકનિવારણ પરમપતી,
મુનિગણનાયક જનસુખદાયક સ્વજનસહાયક અકળગતી;
શિરસિ જટાધર હરિણત્વચાધર સકળકળાધર અસુર અરી,
જય જગદીશ્વર મુકતમુનીશ્વર ધૃતવરણીશ્વર વેષ હરી.25
શ્રુતિપથમંડન કુપથવિખંડન દુર્જનદંડન દિવ્ય સદા,
જનસુખકારક દુરિતવિદારક ભવજળતારક પરમ મુદા;
જય કમળાયન સકળસુખાયન થાય પળાયન પાપ ડરી,
જય જગદીશ્વર મુકતમુનીશ્વર ધૃતવરણીશ્વર વેષ હરી.26
જય કરુણાકર વદનસુધાકર ભુવનપ્રભાકર ભીતિહરા,
નિજજન અંતર વાસ નિરંતર શ્યામ સ્વતંતર ધર્મધરા;
સદગુણમંદર મુકતપુરંદર સુખનિધિ સુંદર મૂર્તિ ધરી,
જય જગદીશ્વર મુકતમુનીશ્વર ધૃતવરણીશ્વર વેષ હરી.27
જય વૃષબાળક પ્રિયજનપાળક પાપપ્રજાળક આપ પ્રભુ,
જય હરિનામક અવિચળ ધામક વિશ્વ નિયામક વરદ વિભુ;
જય જનવલ્લભ સ્વેચ્છિત સુર્લભ દર્શનદુર્લભ યજ્ઞ કરી,
જય જગદીશ્વર મુકતમુનીશ્વર ધૃતવરણીશ્વર વેષ હરી.28
તવ કરુણાધન શ્રેષ્ઠસુસાધન અચળ અબાધન શાંતિ તણું,
જય તપરક્ષક જળફળભક્ષક લે સુખદક્ષક દેખી ઘણું;
મુનિમન ભાવન જનમનધાવન કૃતિમહિપાવન વન વિચરી,
જય જગદીશ્વર મુકતમુનીશ્વર ધૃતવરણીશ્વર વેષ હરી.29
શેષસુરેશ્વર ચંદ્રદિનેશ્વર દેવમહેશ્વર નિત્ય ભજે,
દોષવિદારણ પ્રભુ તવ કારણ નૃપ હયવારણ – રાજય તજે;
વૃત્તિ અખંડિત તવ પદમંડિત એ જ સુપંડિત ભૂ ઉપરી,
જય જગદીશ્વર મુકતમુનીશ્વર ધૃતવરણીશ્વર વેષ હરી.30
હે ગરુડાસન કરી ખળશાસન કળિબળનાશન કાર્ય કરો,
પૂર્ણપ્રભાનિધિ વેદૠચાનિધિ હે કરુણાનિધિ કષ્ટ હરો;
પ્રભુધરણીધર અમિત મતિધર સંતત શ્રીધર સિદ્ધિ વરી,
જય જગદીશ્વર મુકતમુનીશ્વર ધૃતવરણીશ્વર વેષ હરી.31
શુભમતિ સર્જન કુમતિ વિસર્જન ખળજન તર્જનકારી તમે,
હે વૃષનંદન કષ્ટનિકંદન તવ પદવંદનકારી અમે;
જય જગકારક ગિરિવરધારક અધમઉધારક ખ્યાતિ ખરી,
જય જગદીશ્વર મુકતમુનીશ્વર ધૃતવરણીશ્વર વેષ હરી.32
દોહા :-
વાર વાર વર માગીએ, સ્તુતિ ઉચ્ચરી આ ઠામ;
અખંડ અંતરમાં રહો, આ છબિ સુંદરશામ.33
તે સુણતાં ત્યાં તો થયા, પ્રસન્ન શ્રીભગવાન;
સૌ સિદ્ધોને આપિયું, મનવાંછિત વરદાન.34
વળી તે પર્વત ઉપરે, દીઠા કુંડ અનેક;
પ્રભુએ સ્પર્શ કરી કર્યા, પાવન તે પ્રત્યેક.35
ઉષ્ણોદક કે શીત જળ, કોઇ વિષે દેખાય;
કોઇ કુંડથી ઉછળતા, પાવક પવન જણાય.36
તે દેખી ત્યાંથી પછી, ચાલ્યા સુંદરશામ;
જોયો તેની તળેટીમાં, કુંડ બાલવા નામ.37
પાવક પાણી પવનનો, સમુહ દીઠો ત્યાંય;
તે તીર્થે ત્રણ દિન રહ્યા, થઇ રાજી મનમાંય.38
પ્રભુજી ત્યાંથી પરવર્યા, પવિત્ર પાવકદીશ;
ગંગાસાગર સંગમે, જૈ પહોંચ્યા જગદીશ.39
વાલમ ત્યાં ત્રણ દિન વસી, વળતી કર્યો વિહાર;
કપિલ મુનીને જૈ મળ્યા, કપિલાશ્રમ મોઝાર.40
પ્રેમ સહિત પૂજા કરી, કપિલ મુનિએ ત્યાંય;
જોયું સ્થળ એકાંતનું, રીઝ્યા હરિ મનમાંય.41
પ્રભુ બેઠા પદ્માસને, સ્વાત્માનું ધરી ધ્યાન;
સમાધિમાં ગત સપ્ત દિન, ભૂલ્યા જગનું ભાન.42
દેવો દિલ ચિંતા કરે, બેઠા હરિ ધરી ધ્યાન;
કયારે કરશે નાશ તે, કળિયુગનું તોફાન.43
વામી ને કામી તણો, અધરમ વધ્યો અપાર;
અસુર તણા ઉતપાતનો, ભૂમિ સહે નહિ ભાર.44
ભાર સહે નહિ શેષ પણ, શ્વાસે નિસરે ઝાળ;
વારેવારે વિશ્વમાં, તેથી પડે દુકાળ.45
થાય પાપના ભારથી, વારવાર ભૂકંપ;
રાજા કે રૈયત તણા, જીવમાં ન મળે જંપ.46
અધર્મ દેખીને કરે, વૃષ્ટિ અલ્પ વરસાદ;
ગોરસમાંથી રસ ગયો, ગયો અન્નથી સ્વાદ.47
પાષંડી ગુરુ શિષ્ય સૌ, કરે વ્યસન વ્યભિચાર;
સત્ય ગયું સંતાઇને, વધ્યું અસત્ય અપાર.48
એ પાપે અકળાઇને, કરવાને પોકાર;
આવી અવની હરિ કને, ધારી ધેનુ આકાર.49
દીઠા હરિને ધ્યાનમાં, ત્યારે થઇ ઉદાસ;
કષ્ટ કહ્યું પોતાતણું, કપિલ મુનિની પાસ.50
સંકટ ભૂનું સાંભળ્યું, કપિલ મુનિએ કાન;
કરી સ્તુતિ કર જોડીને, જગાડવા ભગવાન.51
વસંતતિલકાવૃત્ત :-
હે ધર્મલાલ જનપાળ કૃપાળ જાગો, ભૂમિ તણો વિષમ ભારઅપાર ભાંગો;
આચારભ્રષ્ટ કુળભ્રષ્ટ જનો થયા છે, વૈરાગ્ય જ્ઞાન વસુધાતળથી ગયા છે.52
થાપો સુધર્મ અઘકર્મ અધર્મ ટાળી, દ્યો જ્ઞાનદાન ભગવાન દયાથી ભાળી;
લીધો તમે જનમ છે પ્રભુ એ જ કાજ, બેઠા સમાધિ કરી કેમ નચિંત આજ?53
મોટા કહે ઘડી પછી કૃત જે થવાનું, તે કામને વરસ તો સહજે જવાનું;
આપ્યો અગસ્ત અવધિ હજી છે અધૂરો, મોટાની એક ઘડી તે જુગ થાય પૂરો.54
પીડાય સંત વળી સર્વ સુરો પિડાય, પૃથ્વી પીડાય મુખથી અતિદુઃખ ગાય;
પાષંડી પુજી નરકે જનજૂથ જાય, કયારે પ્રભૂજી પછીથી કરશો સહાય.55
જો શેષનાગ અતિભાર થકી મુંઝાશે, તો પૃથ્વી ત્યાગ કરશે જગનાશ થાશે;
કેની સહાય કરશો કરુણાનિધાન? બેઠા અહીં અચળ થૈ ધરી આપ ધ્યાન.56
સુકાય કર્ષણ પછી જળવૃષ્ટિ થાય, પ્રાણાંત થાય પછી ઓસડના ઉપાય;
જેવે સમે જરુર તે સમયે ન આવે, તે વસ્તુ વ્યર્થ ગત વિશ્વ વિષે કહાવે.57
ઇત્યાદિ વાકય સુણીને જગદીશ જાગ્યા, વાણી મુખે ઉચરવા તતકાળ લાગ્યા;
હું તીર્થભૂમિ વિચરી મનમાં ધરીશ, ભૂમિ તણો અધિક ભાર હવે હરીશ.58
હું જાણું છું જ પુરુષોત્તમપુરી જયાં છે, પાષંડમંડન તણાં અતિ ઝૂંડ ત્યાં છે;
તેઓ વિષે કલહ પ્રેરિશ હું જ જયારે, અન્યોન્ય એથી લડીને મરશે જ ત્યારે.59
ઇત્યાદિ વાકય કહી ધીરજ ખૂબ દીધી, પૃથ્વી પ્રસન્ન કરી ત્યાંથી વિદાય કીધી;
રાજી થયા હૃદયમાં સુર નાગ સર્વ, જાણ્યું દિવાળીસમ ઉત્તમ આજ પર્વ.60
પુષ્પિતાગ્રાવૃત્ત :-
કપિલમુનિ સમીપ એક માસ, નટવર નાથ રહ્યા કરી નિવાસ;
અતિ સુખ મુનિને પ્રભુજી આપ્યું, બહુ દિનકેરું વિજોગ કષ્ટ કાપ્યું.61
ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે શ્રીહરિ-
કપિલાશ્રમગમનનામા સપ્તમો વિશ્રામઃ ।।।7।

