પૂર્વછાયો :-
સુણો અભેસિંહ ભૂપતિ, હરિકૃષ્ણનાં ચરિત્ર વિચિત્ર;
બ્રહ્મા ભવ સનકાદિ મુનિ, સુણી કરે છે કર્ણ પવિત્ર.1
ચોપાઈ :-
પ્રભુ પેખે કળા કોઇ પાસ, એનો અલ્પ કર્યાથી અભ્યાસ;
તે તો સર્વ શિખી લે છે આપ, જન આશ્ચર્ય પામે અમાપ.2
કળા ચોસઠ જે કહેવાય, તે તો સર્વે શિખ્યા હરિરાય;
એ છે સર્વજ્ઞ સર્વના સ્વામી, અક્ષરાતીત અંતરજામી.3
એ છે અનંત કળાઓનું પાત્ર, કળા ચોસઠ તે કોણમાત્ર;
જનજાતિને જાણવા કામ, કળા ચોસઠનાં કહું નામ.4
જયારે એવી કળાઓને જાણે, તેને વિશ્વના લોક વખાણે;
મોટા માણસ દે સનમાન, સુખે પામે સદા ધન ધાન.5
પેહેલી ગાનકળા તે ગણાય, જેથી જનમન રંજન થાય;
જન ગાઇ જાણે રુડો રાગ, ઉપજે સહુને અનુરાગ.6
રાગે બાળક પણ રહે છાનું, રાગે રીઝે છે મન દેવતાનું;
કળા ગાનની કલેશ હરે છે, અતિ આનંદ અંગ કરે છે.7
બીજી વાદ્યકળા કહેવાય, શીખે તે જન ચતુર ગણાય;
નરઘાં ને સારંગી સતાર, શીખે એવાં વાજિંત્ર અપાર.8
ત્રીજીનું નૃત્યકળા છે નામ, એ છે ચતુરપણાનું કામ;
પ્રભુ આગળ નાચવું ગાવું, ગમે ઇશ્વરને પણ આવું.9
ચોથી નાટ્યકળા ભલી ભાઇ, રહે એમાં ઘણી ચતુરાઇ;
જેમ દોર ઉપર નટ ચાલે, વળી વિવિધ રીતે અંગ વાળે.10
કળા પાંચમી આલેખ્ય કહિયે, તે તો સ્નેહસહિત શીખી લહિયે;
સારા અક્ષર લખવાનું કામ, ઉપયોગીછે તે તો તમામ.11
ભાલે તિલક રુડું કરી જાણે, વળી તેમાં વિચિત્રતા આણે;
તે તો છઠ્ઠી કળા કહેવાય, વિશેષક છેદ્ય નામ લખાય.12
કળા તાંદુળકુસુમ જે છે, બળિદાનતણું સ્થળ તે છે;
સારો સાથીયો આંગણે કરે, પાડી બુટા ભલા રંગ ભરે.13
કળા આઠમી પુષ્પાસ્તરણ, તે તો છે રુડી જનમન હરણ;
ભલી પાડીને શોભિતી ભાત, જાણે પાથરી પુષ્પની જાત.14
કરી જાણે ઉત્તમ અંગરાગ, કળા નવમી કહે સદ્ભાગ્ય;
દાંતે વસ્ત્રે ચડાવે જે રંગ, કરી લેપન શોભાવે અંગ.15
મણિભૂમિકા નામ ભણાય, કળા તે શુભ દશમી ગણાય;
તે તો કામ હીરો જડવાનું, ચતુરાઇ ઘણી એમાં માનું.16
કળા શયનરચન છે ઉત્તંગ, ચતુરાઇથી ભરવો પલંગ;
તેમાં મોર પુતળીયો પાડે, મનોરંજન કરી દેખાડે.17
જળવાદ્યકળા જન જાણે, કળા બારમી તે તો વખાણે;
કાચ પ્યાલા જળે ભર્યા જેહ, જળ તરંગ વાજું છે તેહ.18
કળા તેરમી તો જળઘાત, જળમાં તરવું સાક્ષાત;
ઉંડા પાણી તણો લાવે તાગ, ચતુરાઇ છે એ તો અથાગ.19
કળા ચૌદમી છે ચિત્રયોગ, ચિત્ર ચીતરવાનો ઉદ્યોગ;
એમાં છે અતિશે ચતુરાઇ, શીખે ચતુર મનુષ્ય ચહાઇ.20
પુષ્પગ્રંથવિકલ્પા જાણો, કળા પંદરમી તે પ્રમાણે;
પુષ્પટોપી પછેડી કરે છે, ફૂલમંડળી સારી ભરે છે.21
શેખરાપીડ યોજન જેહ, કળા સોળમી કહિયે તેહ;
ગુંથે તોરા ને કાનના ગુચ્છ, પાઘ બાંધી જાણે વળી સ્વચ્છ.22
કળા સતરમી નેપથ્યનામ, જાણે શણગાર સજવાનું કામ;
ચક આદિક પડદા રચાય, તેમાં પણ ચતુરાઇ જણાય.23
કર્ણપત્ર તણી ચતુરાઇ, કળા એ તો અઢારમી ભાઇ;
ફૂલ પાંખડી પત્ર પ્રમાણે, કોઇ કાગળ કોતરી જાણે.24
કળા યુકિત સુગંધની કરવી, ઓગણીશમી એ તો ઉચરવી;
ભાતભાતનાં અત્તર બનાવે, પડો પાંદડી પણ રચિ લાવે.25
કળા વીશમી ભૂષણ ઘડવાં, સૌને મનગમતાં થઇ પડવાં;
એમાં ઓછી નથી ચતુરાઇ, ભલું ડહાપણ છે એ તો ભાઇ.26
એકવીશમી તો ઇંદ્રજાળ, કળા ન કળે તે વૃદ્ધ કે બાળ;
હોય કાંઇ ને કાંઇ દેખાડે, જનને મન મોહ પમાડે.27
કળા બાવીશમી કૌતુમાર, ક્રિયા તે તો રસાયન સાર;
મારી જાણે ભીલામાં ને પારો, મારે ધાતુ ને હિંગળો સારો.28
હસ્તલાઘવ જે કહેવાય, કળા ત્રેવિશમી તે ગણાય;
હાથ ચાળવણી એવી હોય, દેખીને ન કળી શકે કોય.29
રુડી રીતે રસોઇ બનાવે, કળા ચોવીશમી તે કહાવે;
કરે વિવિધ પ્રકારના પાક, રચે સારા મશાલા ને શાક.30
ભેદ પચ્ચીશમી સુકળાના, કરી જાણે પદાર્થ પીવાના;
સારો સરબત તે કરી ધરશે, કાવો બુંદ કે ચાહનો કરશે.31
કળા છવીશમી શીવવાની, સારી રીતે શિખી રાખવાની;
સારા ચાકળા સુજની રજાઇ, શીવે પોશાગ જન સુખદાઇ.32
સુત્રક્રીડા કળા કહેવાય, સત્યાવીશમી તે તો ગણાય;
સૂત્ર કરમાં ધરે સૂત્રધાર, નાચે પૂતળાં તેને આધાર.33
અઠાવિશમી પ્રહેલિકા કહિયે, અર્થ સમજી ગુઢાર્થના લહિયે;
જેમ ખટ પદ સત્તર નેણ, કહો કોણ તે શિવ સુખદેણ.34
કળા ઓગણત્રીશમી જાણો, પ્રતિમાળા તે નામ પ્રમાણો;
મોતી આદિક પ્રત્યેક માળા, તેમાં ગાંઠણ ગાંઠે રુપાળાં.35
દુર્વચક તણો જોગ જે છે, કળા જાણવી ત્રીશમી તે છે;
વદે જો કોઇ મર્મની વાણી, તે તો તેનાથી ન રહે અજાણી.36
એકત્રીશમી વાંચનકળા, ગ્રંરથો વાંચી જાણે ભલાભલા;
અક્ષર વાંચતાં નવ અટકાય, સદ્ય અર્થ તેનો સમઝાય.37
નાટકાખ્યાયિકાદર્શન, કળા બત્રીશમી તે પાવન;
હોય નાટકનાં આખ્યાન, દેખાડે તે પ્રત્યક્ષ સમાન.38
કળા કાવ્યની સમસ્યાપૂર્ણ,આવે અંતર માંહિ સ્ફૂર્ણ;
અણમળતાં ચરણ રચી આપે, તેને જે મળતાં કરી સ્થાપે.39
પટ્ટિકાવેત્રબાણવિકલ્પ, કળા તે પણ કાંઇ નથી અલ્પ;
ગુંથે નેતરના ઘણા ઘાટ, તથા તીર રચે યુદ્ધ માટ.40
કળા પાંત્રીશમી તર્કકર્મ, તેનો જાણે ચતુર જન મર્મ;
કરે તાર્કિક કામ અનેક, જેનો છેડો આવે નહિ છેક.41
કળા છત્રિશ તક્ષણકામ, કાઠ કોતરી જાણે તમામ;
બુટ્ટા પૂતળાં બેશ બનાવે, જોતાં જોનારને મન ભાવે.42
વાસ્તુવિદ્યા કળા સાડત્રીશ, તે તો જાણવી સર્વને શીશ;
રચે મંદિર મેડી હવેલી, છજાં જાળિયાં સુંદર મેલી.43
રૂપ્યરત્નની પરીક્ષા જેહ, કળા છે આડત્રીશમી એહ;
તે તો પરખી જાણે રુપાનાણું, અશ્વ આદિક રત્ન પ્રમાણું.44
ધાતુવાદકળા જે કહી છે, એ તો ઓગણચાળીશમી છે;
સર્વે ધાતુની કરવા પરીક્ષા, શીખી રાખે તેની બધી શિક્ષા.45
કળા ચાળીસમી અભિધાન, રુડું જે મણિરાગનું જ્ઞાન;
પરીક્ષા મણિ માણેક કેરી, કરી જાણે તે કહિયે ઝવેરી.46
એકતાળીશે આકરજ્ઞાન, એ તો જાણે મહાબુદ્ધિમાન;
ખાણ ધાતુની કે પથરાની, પરીક્ષા જાણે એવી ધરાની.47
વૃક્ષાયુર્વેદજોગ છે જેહ, કળા કહિયે બેંતાળીશ તેહ;
ખેતી વાડીનું કામ ખચીત, જાણે ઝાડ ઉછેર્યાની રીત.48
મેષકુક્કુટલાવક યુદ્ધ, તેની રીત જાણે જન બુદ્ધ;
લડે અજ કુકડાં ને શ્વાન, દાવ પેચે લડે તે સમાન.49
શુક સારિકાનું પ્રલાપન, જાણે તે કળા ચાતુર જન;
મેના પોપટને તે પઢાવે, સારી રીતે સુશબ્દ શિખાવે.50
ઉત્સાદનની કળા કહેવાય, પીસતાળીશમી તે ગણાય;
કરી સાંગડાં કેરો પ્રકાર, તેથી ઉચકે ભાર અપાર.51
કેશમાર્જનકૌશલ તેય, છેતાળીશમી તે કળા છેય;
ચોળી ઓળી માથા તણા કેશ, ગુંથી જાણે વધારી વિશેષ.52
કળા અક્ષરમુષ્ટીકથન, જન જાણે કરીને જતન;
વર્ણ ક્રમ વિના કોઇ બતાવે, આખો શ્લોક તે કહી સંભળાવે.53
મ્લેછિતક જે છે તર્ક વિતર્ક, તે તો જાણે જે જોશીનો અર્ક;
કળા રમળની તે કહેવાય, વળી તાજક તેમાં ગણાય.54
દેશભાષા તણો જે અભ્યાસ, કળા તે તો ઓગણપચાસ;
ઘણા દેશની ભાષાઓ જાણે, વસુધાપતિ તેને વખાણે.55
પુષ્પ શકટી નિમિત્તનું જ્ઞાન, જાણે તે તો કળા ગુણવાન;
પુષ્પલોબાન આદિક કેરાં, માંડી શગડી ને પાડે ઘણેરાં.56
યંત્રમાત્રિકાધારણ નામ, એકાવનમી કળા બુદ્ધિધામ;
વર્ણયંત્ર વિષે ગોઠવાય, ચિત્રકાવ્ય તેને કહેવાય.57
કળા સંવાચ્ય છે બાવનમી, જાણે તેણે જ જાણ્યું છે જનમી;
ભલું ભાષણ લાંબું ઉચારે, સુણનાર સદા તે સંભારે.58
કાવ્ય જાણે કરી માનસિક, કળા ત્રેપનમી તે તો ઠીક;
નવ દીઠું સુણ્યું કોઇ દિન, કરે વર્ણન એવું નવીન.59
કળા ચોપન અભિધાન કોશ, જાણે વાણી થાવા નિરદોષ;
જેમાં સ્થિરચર નામ અનેક, એવા ગ્રંથ ભણે સવિવેક.60
કળા પિંગળ પંચાવનમી, જાણે તેને નમે નૃપ અનમી;
જાણે છંદ અનેકની જાત, ભણે પિંગળ જો ભલી ભાત.61
કળા છપને ક્રિયાવિકલ્પા, સુખદાયી જો જાણિયે સ્વલ્પા;
ક્રિયા માંહિ કુશળતા હોય, કારીગર કહે જન સહુ કોય.62
કળા છળિતયોગા કહેવાય, જાણે તે છેતરાયો ન જાય;
કેવી રીતે ઠગે છે ઠગારા, તે તો જાણે કપટ કળનારા.63
કળા વસ્ત્રગોપન છે નામ, વસ્ત્ર સંકેલવાનું તે કામ;
ઘેડેઘેડ તે એવી બેસારે, બીજો થાકી તે કામથી હારે.64
વળી દ્યૂતકળા કહેવાય, એ તો ઓગણસાઠમી થાય;
શતરંજી બાજી રમી જાણે, તેમાં હારે નહીં કોઇ ટાણે.65
કળા સાઠમી આકર્ષક્રીડા, જેથી હર્ષ વધે મટે પીડા;
ખેંચે પકડે પરસ્પર મિત્ર, રમી જાણે તે રમત વિચિત્ર.66
બાળક્રીડનની કળા જેહ,એકસઠમી ગણાય છે તેહ;
મોઇ ડંડો દડી ને ભમરડી, રમી જાણે ભમાવે ચકરડી.67
વિદ્યા વૈનાયિકી જેહ જાણે, કળા બાસઠમી તે પ્રમાણે;
વસ્તુ દૂરથી ગુપ્ત મગાવે, જાણે વીર કોઇ લઇ આવે.68
વિદ્યા વૈજયિકી કહેવાય, કળા ત્રેસઠમી તે ગણાય;
સર્વ કામમાં વિજય તે પામે, વળી વિજય કરે સંગ્રામે.69
કળા વૈતાળિકા છેલી કહું, તેમાં તો ચમત્કાર છે બહુ;
અકસ્માત દે કામ બનાવી, જાણે ભૂતે કર્યું એ તો આવી.70
એક રાતમાં દેવળ ચણે, બની ન શકે મળી બહુ જણે;
કળા ચોસઠ એ તો ઉચારી, સર્વે સંસારી જન કહે સારી.71
પુષ્પિતાગ્રાવૃત્ત :-
અગણિત સુકળા પ્રવિણ શામ, જગત વિચિત્ર રચ્યાં અનેક ઠામ;
અજ હરિ હરથી કળી ન જાય, અકળિત અક્ષરનાથની કળાય.72
ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યર્વિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશેઅચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે ચતુષ્ષષ્ટિ-કલાકથનનામા સપ્તદશો વિશ્રામઃ ।।17।।