ઉપજાતિવૃત્ત :-
ધર્મપ્રિયા પુત્ર વિજોગ પામી, તેથી થયો ખેદ રહી ન ખામી;
કરી તહાં તો સ્તુતિ તર્તખેવ, જે જે દયાળુ હનુમંત દેવ.1
અથ હનુમંતાષ્ટકઃ વસંતતિલકાવૃત્ત :-
જે જે દયાળુ હનુમંત પવિત્ર દેવ, સ્નેહે સજે સકળ દેવ તમારી સેવ;
છો કષ્ટ નષ્ટ કરનાર સહાયકારી, હે રામદૂત હનુમંત વિપત્તિહારી.2
સીતા તણી તરત સૂધ તમે જ લીધી, લંકાપુરી પણ તમે જ પ્રજાળી દીધી;
લીધો વિભીષણ સુભકત તમે ઉગારી, હે રામદૂત હનુમંત વિપત્તિહારી.3
દ્રોણાચળે પવનપુત્ર તમે સિધાવ્યા, બુટ્ટી વિશલ્યકરણી બળવંત લાવ્યા;
પીડા તમે તરત લક્ષ્મણની નિવારી, હે રામદૂત હનુમંત વિપત્તિહારી. 4
ઐરાવણે વળતિ સાનુજ રામ લીધા, પાતાળમાં વિચરી ત્રાસ વિશેષ દીધા;
ત્યાં જૈ તમે ભલું પરાક્રમ કીધ ભારી, હે રામદૂત હનુમંત વિપત્તિહારી.5
જે જે કરે સ્મરણ સંકટ સૌ હરો છો. ભીતિ મટાડી બધી નિર્ભયતા કરો છો;
છોજી તમે પરમ નૈષ્ટિક બ્રહ્મચારી, હે રામદૂત હનુમંત વિપત્તિહારી.6
કીધી તમે સ્થિતિ કપિધ્વજની ધજામાં, કીધો જઇ સુજય કૌરવની પ્રજામાં;
સેના સમસ્ત રિપુની રણમાં વિદારી, હે રામદૂત હનુમંત વિપત્તિહારી.7
છોજી કૃપાળુ કુળદેવ તમે અમારા, પૂજયાં અમે ચરણ ચિત્ત ધરી તમારાં;
માટે હરો સકળ આ વિપદા અમારી, હે રામદૂત હનુમંત વિપત્તિહારી.8
આવે સમે સમરતાં તતકાળ આવો, જયાં હોય ત્યાંથી મુજ બાળક તર્ત લાવો;
કૃત્યા કુપાત્ર હરી લૈ ગઇ છે નઠારી, હે રામદૂત હનુમંત વિપત્તિહારી.9
ઉપજાતિવૃત્ત :-
સ્તુતિ સુણી ત્યાં હનુમાન આવ્યા, ભકિત તણા તે મન માંહિ ભાવ્યા;
કપીશને સર્વ કહી સુણાવ્યું,તે સાંભળીને ઉર શૌર્ય આવ્યું.10
માતા કહે હે હનુમંત દેવ!, કૃત્યા લઇ ગૈ સુત તર્તખેવ;
તમોથી જો લાવી શકાય તેહ, લાવો જઇને મુજ બાળ એહ.11
પૂર્વછાયો :-
અંજનિસુત એવું સુણી, ધરી ઉરમાં હરિનું ધ્યાન;
ઉચર્યા માતા આગળે, મનમાં ધરી અભિમાન.12
ચોપાઈ :-
માતા એવું શું વચન ઉચ્ચારો, તમે શું મને નિર્બળ ધારો ?
કૃત્યા પેઠી ગમે ત્યાં હોય, પણ પકડીશ તેને હું તોય.13
કદી ગઇ હોય તે કૈલાસ, તોય ત્યાં જઇ ઉપજાવું ત્રાસ;
પઁસે સાતમે જઇ પાતાળ, તોય તેને હણું તતકાળ.14
હું તો પામ્યો છું પ્રભુનો પ્રતાપ, કરૂં કામ મોટાં તેથી આપ;
કહો તો વિંધ્યાચળને ઉખાડું, કહો તો મેરુપર્વત પાડું.15
આપ આજ્ઞા આપો જો માત, તો હું સાગર શોષું સાત;
કહો તો ધરા આખી ધ્રુજાવું, કહો તો રવિરથ અટકાવું.16
કરૂં જો હું પરાક્રમ સારું, તારા આકાશ કેરા ઉતારું;
એવાં કામ કરું ભારી ભારી, ત્યારે કૃત્યા તે કોણ બિચારી.17
માતા હરખ્યાં સુણી એવી ગાથ, મૂકયો હનુમાનને શિરે હાથ;
વળી આશિષ મુખથી ઉચ્ચારી, તારું રક્ષણ કરશે મુરારી.18
પુત્ર જાઓ કરો રુડું કામ, મને લાવી આપો ઘનશ્યામ;
વેલા આવજો હનુમંત વીર, ધારી શકતી નથી હું તો ધીર.19
જાય પળ એક કલ્પપ્રમાણ, વાર લાગશે તો જાશે પ્રાણ;
કહે હનુમંત ચિંતા મેલો, માતા આવીશ હું વેલોવેલો.20
એમ કહી શિર નામી સિધાવ્યા, કૃત્યા શોધતા સીમમાં આવ્યા;
હતી સીમમાં કૃત્યા રખડતી, પ્રભુ દષ્ટિથી દૂર આથડતી.21
દીઠા દષ્ટિયે હનુમાન વીર, ત્રાસ પામી તજી તન ધીર;
ત્યારે કૃત્યા જઇ તેણી વાર, લાવી સહચરી સાથે અપાર.
યુદ્ધ કરવાને હનુમાન સાથે, અસ્ત્ર શસ્ત્ર ધર્યા બહુ હાથે;22
લીધાં તોમર ને તરવાર, લીધાં કામઠાં તીર કટાર.
હળ મુશળ ને મુદ્ગર લીધાં, ભાલાં બરછી કોઇયે સજ્જ કીધાં;
લીધી ભોગળ ને ભિદિપાળ, કોયે લીધા કુહાડા કરાળ.23
કોઇએ ચક્ર ત્રિશૂળ ધર્યા છે, નેણ ક્રોધથી રકત કર્યા છે;
કોઇયે ઢાલ ધરી છે હાથે, પેહેર્યા બખતર ટોપ છે માથે.24
પીને મદિરા થઈ ઉનમત્ત, ખુશી થઇને કરે કોઇ નૃત્ય;
કંઇક મુખથી કરે કિકિયારી, ભાસે ફોજ ભયંકર ભારી.25
હનુમાને તે દૂરથી દીઠી, લાગી ક્રોધની ઉરમાં અંગીઠી;
કરી હુંકાર ને હાક મારી, પગે જોરથી પૃથવી પ્રહારી.26
ધરા ધ્રુજી ને સળકિયો શેષ, ડોલ્યો મેરુ ને જાગ્યા મહેશ;
ત્યાં તો ખળભળ્યા સાગર સાત, આખા જગમાં થયો ઉતપાત.27
ડોલ્યા દિગ્ગજ ને દિગપાળ, જાણે આવ્યો પ્રલયનો કાળ;
બીક સુર નર સર્વને લાગી, જાણે બ્રહ્માંડ પડશે ભાંગી.28
ત્યાં તો કૃત્યાઓ ક્રોધે ભરાઈ, ધીર વીરની સનમુખ ધાઇ;
કંઇકે નાખ્યાં ત્રિશૂળને તીર, કંઇકે ફેંકયા પત્થર કપિશિર.29
કંઇકે ઘોચી શરીરમાં સાંગ્ય, કેમ વાગે જેનું વજરાંગ;
પછી હાક મારી હનુમાન, ગદા લઈને ઘૂમ્યા ગુણવાન.30
કંઇનાં માથાં ફોડ્યાં ગદા મારી, કંઇને પૂંછડાથી જ પ્રહારી;
કંઈકને પાડી ગ્રહીને કેશે, કંઇને ઉડાડી પગની ઠેશે.31
કંઇ દુષ્ટોના દાંત જ તોડ્યા, કંઇકના તો વળી ડોળા ફોડ્યા;
કાપ્યાં કંઇક નઠારીનાં નાક, એમ સૌને ચઢાવી ચાક.32
કંઈને લમણામાં માર તે લાગ્યા, કંઇક પાપિણીના પગ ભાંગ્યા;
જીવવાની રહી નહિ આશ, ત્યારે કંઇક નાઠી ધરી ત્રાસ.33
સહચરીયોને નાસતી જાણી, ત્યારે કોટરા ક્રોધે ભરાણી;
આવી હઠ કરી હનુમાન સામી, જુદ્ધ કરવામાં રાખી ન ખામી.34
જયારે તે પણ લડીલડી હારી, ત્યારે કર જોડી બોલી બિચારી;
મહાવીર અહો હનુમાન !, તમે છોજી બહુ બળવાન.35
જગમાં તમને કોણ જીતે, તમે સમરથ છો સહુ રીતે;
અમે તો છૈયે અબળા નારી, તમે નૈષ્ઠિક છો બ્રહ્મચારી.36
કર જોડીને કહિયે તમને, હવે જીવતી જવા દ્યો અમને;
નહિ આવીયે કદી આ સ્થાન, તેના સાક્ષી શશી ભગવાન.37
એવી વિનતિ તેણે કરી જયારે, કૃપા ઉપજી કપીશને ત્યારે;
દીન જાણી તેને જવા દીધી, પછી સૂધ શ્રીહરિની લીધી.38
જોતાં જોતાં જયાં વનમાં જાય, પુષ્પસેજે પોઢ્યા દીઠા ત્યાંય;
મુકત અક્ષરધામના જેહ, કરે ચમર ઉભાંઉભાં તેહ.39
હનુમાને હરિ પાસ આવી, કરી વિનતિ ત્યાં શીશ નમાવી;
બાળરૂપ હે પરમ પવિત્ર !, તમે ચરિત કરો છો વિચિત્ર.40
હોય આપની ઇચ્છા જેમ, કૃત્ય કૃત્યા કરી શકે તેમ;
હરિ આપની ઇચ્છા ન હોય, એવું કરવા સમર્થ ન કોય.
અમે સજીયે તમારી સેવા, એવી લીલા કરો સુખ દેવા;41
જય જય જય જગપતિરાય, એમ કહીને પ્રીત્યે લાગ્યા પાય.
પછી મુકતોએ બાળમુકુંદ, સોંપ્યા હનુમાનને સુખકંદ;42
ગયા મુકત તે અક્ષરધામ, ચાલ્યા હનુમાન વૃષને ગામ.
ભકિતમાતા તો જુવે છે વાટ, નાવ્યા હનુમાન થાય ઉચાટ;43
બન્ને આંખેથી આંસુ પડે છે, ઘાટ મનમાં અનેક ઘડે છે.
હવે સુત મળવાની શી આશા ?, એવું ધારીને નાંખે નિસાસા;44
મારાં ભાગ્ય જો હોય ભલાંય, રત્ન સાંપડ્યું તે શીદ જાય.
કાં તો હનુમાન કૃત્યાથી હાર્યો, કાં તો કુંવરને કૃત્યાએ માર્યો;45
કાં તો અસુરે રચી કાંઇ માયા, તેથી હનુમાન ત્યાં જ રોકાયા.
હમણાં આવીશ કહી ગયો હર્ષે, હું તો જાણું છું વહી ગયું વર્ષે;46
એણે આપી મને જૂઠી આશ, વાંદરાનો તે શો વિશ્વાસ.
કાં તો ચાલી શકયો નહિ લૂલો, કાં તો વાટ વિષે પડ્યો ભૂલો;47
કાં તો કોઇનું કરવાને કામ, ગયો તેથી ન આવ્યો આ ઠામ.
કોઇ તેલ સિદૂંર ચડાવે , તેનું પણ કામ કરવા સિધાવે;
એવી ચિંતા કરે માત જયાંય, દીઠા દૂરથી હનુમાન ત્યાંય.48
ઐરાવત તણા ઘર થકી જેમ, આવતો હોય તે દીઠો તેમ;
ધર્મતનુજને લીધા છે તેડી, જાણે આવીયો આસુરને ફેડી.49
આવી હનુમાને કુંવર તે આપ્યો, કલેશ ધર્મને ભકિતનો કાપ્યો;
છીપ સ્વાતિનું જળ લે જેમ, માયે તરત લીધો સુત તેમ.50
કર્યુ ચુંબન તે રૂડી રીતે, સ્તનપાન કરાવિયું પ્રીતે;
હનુમાનનાં મીઠડાં લીધાં, તેને વિવિધ વધામણાં દીધાં.51
બહુ હરખ્યા ધરમદેવ તાત, હર્ખ્યા રામપ્રતાપજી ભ્રાત;
સર્વે હરખિયા સુર નર નાગ, સૌને આનંદ ઉપજયો અથાગ.52
હનુમાન ગયા સ્વસ્થાન, ભાવે વંદીને શ્રીભગવાન;
હવે કોટરાની કહું વાત, તેને માથે મોટી ગઇ ઘાત.53
ઉપજાતિવૃત્ત :-
તે કોટરા પાછી થઇ પ્રમત્ત, ગઇ જહાં છે ખળ કાળિદત્ત;54
ઉચ્ચાર ક્રોધે અતિક્રુર કીધો, દાઢો દબાવી બહુ ત્રાસ દીધો.
જે સૂર્યસામી રજને ઉડાવે, પોતાતણે મસ્તક પાછી આવે;55
કૃત્યા તહાં તેમજ આવી લાગી, પામ્યો વિશેષે ભય તે અભાગી.
કૃત્યા કહે હે ખળ દુષ્ટ પાપી !, તે ધર્મનો બાળક છે પ્રતાપી;56
ન કોઈ એને હણવા સમર્થ, તે સાથ તું વેર વધાર્ય વ્યર્થ.
આદિત્યને કેમ ઉલૂક જીતે ?, કરી શકે શું ભય કોઇ રીતે ?
ગરુડને મારી શકે ન માંખી, હારી રહે હીંમત વ્યર્થ નાંખી.57
આવ્યા મળી ત્યાં હનુમાન ભ્રાત, ત્યાં તો અમારા ઝટ જીવ જાત;
તેં મોકલી જીવ જવા અમારા, લેશું અમે સાંપ્રત પ્રાણ તારા.58
એવું સુણીને અસુરે વિચાર્યું, થયું નહિ કામ કશુંય ધાર્યું;
કરી સ્તુતિ ત્યાં કરીને પ્રણામ, એવું નહિ સોપું કદાપિ કામ.59
કૃત્યા ગઇ ત્યાંથી કરી વિરોધ, તથાપિ દુષ્ટે ન લીધો સુબોધ;
જો ખેદ પામે બહુ ખાય ખત્તા, તથાપિ માને ખળ આપ સત્તા.60
વર્ણીન્દ્રને પ્રશ્ન મહીંદ્ર પૂછે, કૃત્યાતણું છેવટ શું થયું છે ?
પ્રભુ તણો તે પણ જોગ પામી, મોક્ષે જશે કે નહિ જાય સ્વામી!61
વર્ણી કહે સાંભળ ભૂમિપાળ, તેનો થશે જયાં તન અંતકાળ;
ત્યારે હશે તેહની બુદ્ધિ જેવી, ગતિ થશે તેની તહાંથી તેવી.62
પુષ્પિતાગ્રાવૃત્ત :-
પુનિત ચરિત કૃષ્ણનાં કહ્યાં મે, શ્રવણ મુમુક્ષુ કરે સુબુદ્ધિ પામે;
વળી મન ધરી સાંભળો મહીશ, હરિકૃત બાળચરિત્ર હું કહીશ.63
ઈતિ શ્રીવિહારીલાલજી આચાર્યર્વિરચિતે હરિલીલામૃતે દ્વિતીયકલશેઅચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે કૃત્યાપરાભવ-કથનનામા પંચમો વિશ્રામઃ ।।5।।