ઉપજાતિ:-

દેવાજીયે હેત  વિશેષ કીધું, સૌ સંતને ભોજન મિષ્ટ દીધું;

વૃંતાક ત્યાં મિષ્ટ વિશેષ ધારી, કર્યો સુશાકોત્સવ શ્રીમુરારી. 1

શિખરિણી:-

મંગાવ્યાં તે ટાંણે વસુ મણ  સુવૃંતાક  હરિયે,

તથા  ઘી  તે તુલ્યે વસુ મણ  નહી  ન્યૂન  જરિયે; 2

મસાલો  રૂપાળો  તજ  લવિંગ  એલાયચી  તથા,

વઘાર્યું તે સારૂં સરસપણની  શી  કહું કથા. 3

હરિદ્રાને સાટે ધરમકુંવરે કેસર     ધર્યું,

સ્વહસ્તે સંભાળી  કદી  નવ  કરેલા  સમ  કર્યું; 4

જથો  જાવંત્રીનો  ભલી  વળી  ભુકી  જાયફળની,

સુગંધી   ફેલાઇ   સકળ   પુરમાં તે સકળની. 5

ઉડીને આકાશે પરિમળ  પહોંચ્યો  સ્વરગમાં,

પ્રશંસા  તેથી  થૈ સુરપતિ  સુરોના  વરગમાં; 6

સ્વહાથે શ્રીનાથે સુખદ  પિરસ્યું સંત  સહુને,

જમાડ્યા જુકિતથી ભલી વિધિ બીજા ભકત બહુને. 7

ઉપજાતિ:-

દેવોજી ત્યાં દર્શન કાજ આવ્યા, સાથે ભલા ચાર કુમાર લાવ્યા;

નાથોજી કાનોજી સુમોતિભાઈ, સંજ્ઞા બીજી ચંદ્રસિંહે ગણાઈ. 8

છે ભાણભાઇ  સુચતુર્થ નામ,  બેઠા પ્રભુને કરી સૌ પ્રણામ;

પૂછ્યું પ્રભુ આપ કુમાર આ છે, રાજા કહે તે સુત આપના છે. 9

ત્યાં મોતિભાઈ વળી ભાણભાઈ, બે શીશ મૂકયો કર સુખદાઇ;

આ બે કહ્યું સેવક છે અમારા, આ બે બીજા તે સુત છે તમારા. 10

તે બોલનો મર્મ પ્રભુજ જાણે, જાણે ન બીજા જન તેહ ટાણે;

જેને કહ્યું શ્રીહરિયે અમારા, તે તો થયા બે સતસંગી સારા. 11

પ્રસાદી દૈ તે સહુને જમાડ્યા, વાતો કરી મોદ ઘણા પમાડ્યા;

હેતે હરીને મન  માંહિ ધાર્યા,  સપુત્ર રાજા  પુરમાં પધાર્યા. 12

સભા બીજે રોજ ભરાઈ જયારે, ભૂપાળ આવ્યા પ્રભુ પાસ ત્યારે;

વેરાગી આવ્યો નરનાથ યુકત, છે નામ જેનું વળી દેવમુકત.13

પાખંડી પાખંડ ચલાવતો તે, આચાર્યનો ઢોંગ ધરાવતો તે ;

નહિ ભણેલો અભિમાન ભારે, પોતા તણો પંથ નવો વધારે. 14

શ્રીજી તણા સંત જ નંદ જેમ, તે ઢોંગિના સંત જ મુકત તેમ;

શ્રીમુકત ધીમુકત શ્રીરામમુકત, વૈરાગ્યમુકત પ્રભુમુકત યુકત. 15

આવ્યા જનો જે નરપાળ સાથે, સૌને દીધું માન મુનીન્દ્ર નાથે;

પાખંડીને શબ્દ ભલા સુણાવી, બેસારિયો આસન ત્યાં નખાવી. 16

કર્તા હતા વાત કૃપાનિધાન, તે સુણતા સૌ થઇ  સાવધાન;

પાખંડી બોલ્યો અભિમાન આણી, નથી તમારી સમજાતી વાણી. 17

કરે સુવાર્તા મુનિમુકત કાંઈ, તો જાણીયે કાંઈક  સારમાંઈ;

બોલ્યા સુણીને મુનિમુકત સોય, પ્રભુની વાણી શ્રુતિતુલ્ય હોય. 18

બ્રહ્માદિને દુર્ગમ અર્થ એનો, શું જાણીયે પામર પ્રાણી તેનો;

એવી રીતે માર્મિક વેણ મારી, પછી રહ્યા મૌન મુનિ વિચારી. 19

ત્યાં શ્રીજીયે વાત વળી ઉચારી, પાખંડી બોલ્યો અભિમાન ધારી;

હું જે પૂછું ઉત્તર એહ આપો, સર્વે તણા સંશય આપ કાપો. 20

એવું કહીને બહુ પ્રશ્ન કીધા,  તે શ્રીજીયે ઉત્તર સર્વ દીધા;

શાસ્ત્રો તણી સાક્ષી અનેક આપી, તેણે ન માન્યુ જરીયે તથાપી. 21

પાખંડી બોલ્યો  પ્રભુ સામું એમ, તમે ધર્યો ધર્મ નવિન કેમ ?

ખોટા તમે છો નથી સત્યવાદી, અમે ધર્યો ધર્મ ખરો અનાદિ. 22

બોલ્યા સુણી શ્રીજી ભવિષ્યવેત્તા, શું મર્મમાં ઉત્તર હોય દેતા;

ખોટો ખરો ધર્મ પ્રસિદ્ધ થાશે, છ માસ મધ્યે સધળું જણાશે. 23

દેવાજી ભૂપે પણ તેહ ઠાર, તેનેજ દીધો ઠપકો અપાર;

તે સાંભળી ઊઠી ગયો અધર્મી, જણાઈ આવ્યો પછી તે કુકર્મી. 24

પાપિષ્ઠ તે એક પરસ્ત્રી  લૈને, નાશી ગયો વિહ્વળ ચિત્ત થૈને;

રહ્યો ન કાંઈ ઈતબાર એનો, તુટી પડયો તે પછી પંથ તેનો. 25

હવે કહું શ્રીહરિની કથાય, ત્રીજે દિને ત્યાં વૃષવંશિ રાય;

સારું અરીઠા તણું ઝાડ જોઇ, જમ્યા સ્વહસ્તે કરી ત્યાં રસોઈ. 26

અષ્ટાંગના સાધન કેરી રીત, સુસંતને શ્રીહરિ નિત્ય નિત્ય;

સ્નેહે કરી શીખવતા સદાય, એકાંતમાં સાધન તેહ થાય. 27

તે બાગમાં તો બહુ લોક આવે, તેથી જ ત્યાં શીખવતાં ન ફાવે;

બોલ્યા મહીનાથ સમીપ માવો, એકાંત જગ્યા અમને બતાવો. 28

રાયે કહ્યું શ્રીહરિની હજૂર, આંહી થકી છે  અધ ગાઉ  દૂર;

આશાપુરીનું શુભ સ્થાન જેહ, આ ગામથી ઉત્તર માંહી તેહ. 29

એકાંત જગ્યા અતિ એહ સારી, એવું સુણી ત્યાં વિચર્યા મુરારી;

રાજા તણા આગ્રહથી નિવાસ, કર્યો તહાં શ્રીહરિ યુગ્મ માસ. 30

તહાં રહીને નિજભકત  ઘેર, જતા હતા શ્રીહરિ રૂડી પેર;

તે તો પધારે પધરામણીમાં, જયાં હોય શ્રદ્ધા ઘરના ધણીમાં. 31

ત્યાં ગોંડળી નામ  નદી કિનારે, પ્રણામીનું મંદિર જેહ  ઠારે;

કુંભાર કેરું ઘર તેની પાસ, રહ્યા હતા ત્યાં હરિ રાત વાસ. 32

અજો તથા જે હરભંમ નામ,  તે બેયને ઘેર પધારી શ્યામ;

તેઓ તણે ઘેર જમ્યા મુરારી, તેની સુજાતિ કડીયાની ધારી. 33

મેરાઇ રત્નો વળી એક વીરો, સત્સંગમાં શોભિત જેમ હીરો;

પ્રસન્ન તેને પ્રભુજી થઇને, તેઓ તણે ઘેર જમ્યા જઇને. 34

સુજાતિ જાણો કણબી જ જેની, સુસાખ્ય તો કોટડિયાની તેની;

તેને ઘરે જૈ શુભ ભાવ જોઇ, જમ્યા પ્રભુ ત્યાં કરીને રસોઈ. 35

છે ગામમાં દેવપરું જહાંય, જોધો રહે એક સુતાર ત્યાંય;

તેને ઘરે કૃષ્ણ ઝુલ્યા હિંડોળે, સુભાગ્યશાળી નહિ તેની તોલે. 36

સુતાર જેકર્મણ  નામ જેનું,  છે તે પરામાં ઘરબાર  તેનું;

તેને ઘરે શ્રીપ્રભુજી પધાર્યા, હૈયા વિષે હર્ષ ઘણા વધાર્યા. 37

નદી ભલી ઉત્તરમાંથી આવે, પ્રવાહ  તો દક્ષિણમાં સિધાવે;

વસેલ  છે પશ્ચિમ  તીર ગામ, ગુણી ભલું ગોંડળ જેનું નામ. 38

તેને કિનારે પણ ઠામ ઠામ, કરેલ છે મજ્જન મેઘશ્યામ;

છે નામ નારાયણહૃદ જયાંય, છે હાથિયો પથ્થર એક ત્યાંય. 39

નાવા ગયા શ્રીહરિ ઝાઝી વાર, માહાત્મ્ય એનું ગણીયે અપાર;

ત્યાંથી વળી દક્ષિણ ભાગમાંય, જનો કહે ખળખળિયો સુ ત્યાંય. 40

મહાપ્રભુ મજ્જન ત્યાં કર્યું છે, સંધ્યાદિ નિત્યાર્ચન આચર્યું છે;

ત્યાંથી વળી દક્ષિણ ભાગ લાગ, છે શ્રીહરિ મંદિરનો સુબાગ. 41

સંગ્રામજી ભૂપ થયા સુજાણ, દેવાર્થ તેણેજ દીધો પ્રમાણ;

ત્યાં છે ભલો જે નદીનો કિનારો, નાયેલ છે ત્યાં વૃષનો દુલારો. 42

બહુ સ્થળો પાવન તો કર્યા છે, સ્મૃતિ પ્રમાણે અહિં ઊચર્યા છે;

વિશેષ તો સ્થાન કથાપ્રસંગે, કહીશ તે હું અદકે ઉમંગે. 43

શ્રીગોડ ત્યાં બ્રાહ્મણ એક જેઠો, તે બુદ્ધિમાં તો જન સૌથી હેઠો;

તથાપિ સત્સંગી ઘણોજ સારો, દેવાજીને તે દિલ પૂર્ણ પ્યારો. 44

શ્રીજીતણે કાજ  તપાસી જોઈ, રસાળી તે તો કરતો રસોઈ;

તેને પૂછયું શ્રી પ્રભુયે પ્રભાતે, સત્સંગી છે કોણ તમારી નાતે ? 45

વિપ્રે કહ્યું કષ્ટ ઘણું સહું છું, શ્રીગોડમધ્યે હરિભકત હું છું;

શ્રીજી કહે સિંહ ઘણા ન હોય, અરણ્યમાં એક જ હોય કોય. 46

વિપ્રે કહ્યું જે કહું વાત સાચી, છે મારી બુદ્ધિ પ્રભુ છેક કાચી;

કોઈ  કરે વાદ વિવાદ આવી, તો તેહને હું ન  શકું હઠાવી. 47

એવું સુણી અંતર ધારી લીધું, દયા કરીને વરદાન દીધું;

સરસ્વતી તુજ મુખે વસાશે,  વિવાદ મધ્યે તુજ  જીત  થાશે. 48

પછી થયો ભાષણકારી કેવો, પૂરો મહાપંડિત હોય જેવો;

છ શાસ્ત્રવેત્તા કદી કોય હોય, તે વિપ્રને જીતી શકે ન તોય. 49

જે જેઠિયો નામથી ઓળખાતો, જેઠો મહારાજ પછી ગણાતો;

ઘણા ઘણાને જઇ બોધ દીધા, સારા જનોને સતસંગી કીધા. 50

એવા પ્રભુના પરચા અપાર, પ્રખ્યાત  છે ભૂતળ ઠારઠાર;

તથાપિ જે આસુર સંપદાના, તેણે પ્રભુને પ્રભુજી ન માન્યા. 51

મહાપ્રભુ ગોંડળમાં બિરાજી, કર્યા જનોને બહુ રાજી  રાજી;

દેવાજી ભૂપાળ થયા કૃતાર્થ,  સાધી લીધા સર્વપ્રકાર સ્વાર્થ. 52

પછી પ્રભુ ત્યાંથી થયા વિદાય, તેથી થયા દિલ ઉદાસી રાય;

તેને દિલે સાંતવના કરાવે, મુક્યું મુનિ મંડળ એક માવે. 53

વળી હઠીભાઈ કરી સુપ્યાર, તેડાવિયા ત્યાં હરિ ચોથી વાર;

પોતા તણા ત્યાં દરબારમાંય, આપ્યો ઉતારો નિજવાસ જયાંય. 54

સંતો તથા પાર્ષદ વર્ણી સાથ, જમ્યા તહાં શ્રીવૃષવંશ નાથ;

છે પશ્ચિમાભિમુખ ગોખ ત્યાંય, બીરાજીયા શ્રીહરિ તેહ માંય. 55

સંતે સજી પશ્ચિમમાં સભાય, સૌને પ્રભુ સન્મુખ ત્યાં જણાય;

મેડી વિષે રાજજનો ભરાયા, તેને પ્રભુ સન્મુખ ત્યાં જણાયા. 56

પ્રશ્નો જનો બેય દિશે પૂછે છે, બન્ને મુખે ઉત્તર કૃષ્ણ દે છે;

કળા હરિની ન કળેજ કોય, આશ્ચર્ય બ્રહ્માદિકનેય હોય. 57

કહે પ્રભુજી  હઠીસિંહ પાસ,  ક્ષત્રિ કરે પુત્રી તણો વિનાશ;

તે ચાલતો બંધ તમે કરાવો, સાંખે નહી ઇશ અધર્મ આવો. 58

પુત્રી હણ્યાનું અતિ પાપ મોટું, ખરૂં કહું છું નહિ લેશ ખોટું;

ગરીબ  શર્ણાગત બાળ જેહ,  તેને હણે તો નહિ  ક્ષત્રિ તેહ. 59

ક્ષત્રિ વિષે જાદવ વંશ શ્રેષ્ઠ, તેને ન શોભે અતિ કામ નેષ્ટ;

અમારી જો વાત નહિં મનાય, મનાવશે કોઈ બલિષ્ઠ રાય. 60

બોલ્યા હઠીસિંહજી જોડી પાણિ, માની અમે નાથ તમારી વાણી;

બીજા ભરેલા બહુ સ્વાભિમાને, તે તો કદી વાત ધરે ન કાને. 61

શ્રીજી કહે આપ કહ્યું ખરું છે, સાધુપણું આજ અમે ધર્યું છે;

માટે નહીં શસ્ત્ર કરે ધરાય, અન્ય  પ્રકારે જ થશે ઉપાય. 62

પછી પ્રભુ ગોંડળથી પધાર્યા, ઘણા જનોના મન અર્થ સાર્યા;

સંકલ્પ જે  શ્રીહરિ ચિત્ત કીધ,  કાળે કરી તેહ  થયો સુસિદ્ધ. 63

પુષ્પિતાગ્રા:-

જદુકુળ જનને સુબોધ દૈને, નિજ સતસંગી કર્યા ઘણાક જઇને;

હરિજન થઈને સુતા ન મારી, ધરમસુતે અબળા ઘણી ઉગારી. 64

ઈતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે ભૂમાનન્દમુનીન્દ્ર-વાઘજીભાઈ સંવાદે ગોંડળપુરે શ્રીહરિદેવાજી નૃપતિપ્રતિ કન્યારક્ષણોપદેશકરણનામ સપ્તમો વિશ્રામઃ ।।7।।