(રાગ :- ધોળ) ‘પીઠી ચોળો પીઠી ચોળો પિતરાણી રે’- એ ઢાળ.

સુંદર વર તોરણે પધાર્યા રે, જનમન નવલા નેહ વધાર્યા રે;

વાજિંત્ર વાજે છે બહુવિધ રે, પિયુ મારો પધારિયા પ્રસિદ્ધ રે. ।। ૧ ।।

પોંખણું લઈને આવે પનોતી રે, વર પોંખી વળી વધાવે છે મોતી રે;

સાપટિયાં સુખ દુઃખના ભાંગ્યાં રે, પિંડલિયા તે પાપ પુન્યના ત્યાગ્યા રે. ।। ૨ ।।

અંતરપટ પરુ લઈ લીધું રે, દયા કરી દયાળે દર્શન દીધું રે;

પછી પિયુ પ્રેમે પધાર્યા છે પાટે રે, મહાસુખ મુજને આપવા માટે રે. ।। ૩ ।।

ધન્ય ધન્ય અવસર આવ્યો છે આજ રે, મે’ર ઘણી કરી પધાર્યા મહારાજ રે;

અમ ઉપર આજ અઢળ હરિ ઢળિયા રે, નિષ્કુળાનંદનો સ્વામીજી મળિયા રે. ।। ૪ ।।