(રાગ :- ધોળ) ‘દીવા કેરી સગ્ય પુન્યમ કેરો ચંદ વિ’વા કેરી વ્રધ કે વર આવી મળ્યા રે’- એ ઢાળ.
વર નિરગુણ રે થયા સગુણ રૂપ, ઓપે છે અનુપ ભૂપોશિર ભૂપ,
જોઈ જન રૂપ કે નીરખે નાથને રે;
વર દીસે છે દિલના દયાળ,દીન પ્રતિપાળ ભૂપના ભૂપાળ,
કાળશિર કાળ સુખદાયી સાથમે રે. ।। ૧ ।।
વરે પે’ર્યો છે સુંદર સુરવાળ, ઝગે જામાચાળ કંઠે મોતીમાળ,
દીસે છે વિશાળ કે ભલેરા ભાવની રે;
વરે પેર્યો છે જામો જરકશી, કમર લઈ કસી મુખે રહ્યા હસી,
જનમન વસી કે મૂરતિ માવની રે. ।। ૨ ।।
વરને કરે શોભે વેઢ વીંટી, પોંચી પે’રી દીઠી કડે જોત્ય કોટી,
લીધી શોભા લૂંટી કે લોક ત્રણની રે;
સોના સાંકળાં શોભે સુચંગ, બાંયે બાજુબંધ કુંડળ ઉતંગ,
અતિ શોભા અંગ કે અશરણશરણની રે. ।। ૩ ।।
વરને શિરપર સોનેરી પાગ, શું કહે શેષનાગ કે’વા નહિ લાગ,
અમારા જો ભાગ્ય કે હેતે મળ્યા હરિ રે;
કેશર તિલક ભાલને વચ્ચ, પાઘડીને પેચ શોભે શિરપેચ,
લાગી છે લાલચ કે કલંગી કેવી ધરી રે. ।। ૪ ।।
નખશિખ શોભા તે કહી ન જાય, કવિ કંઈ ગાય તે થાપ ન થાય,
મોટો છે મહિમાંય કે અકળ એ નાથ છે રે;
વરે કરમાં લીધી લાલ છડી, પાયે જો મોજડી મોતીએ તે જડી,
વર ઘોડે ચડી કે સંગે સખા સાથ છે રે. ।। ૫ ।।
પરમહંસ બ્રહ્મરસના ભોગી, સંગે સાંખ્યયોગી અંતરે અરોગી,
જે સંત સંયોગી કે સંગે સહજાનંદને રે;
નિષ્કુળાનંદના સ્વામીને જોઈ, મન રહ્યું મોઈ હૈયે સુખ હોઈ,
ભવદુઃખ ખોઈ કે પામ્યા આનંદને રે. ।। ૬ ।।

