(રાગ :- ધોળ) ‘વર લાડીલો આવ્યા તોરણે’- એ ઢાળ.
ધન્ય ધન્ય દિન રળિયામણો, ધન્ય અવસર આજ રે;
લગન લાડીલી મોકલે, વે’લા આવો મહારાજ રે. ।। ૧ ।।
વા’લાજી વિલંબ ન કિજિયે રે, દિજે દરશન દાન રે;
ભૂધર તમને ભેટતાં, વળે અમારા વાન રે. મન રે ।। ૨ ।।
ઇચ્છે છે મળવા, નયણા જોવાને નાથ રે;
શ્રવણ ઇચ્છે છે સુણવા, વા’લા મુખની વાત રે. ।। ૩ ।।
સર્વે અંગે સ્વામી તમને, સ્પરશી પાવન કરું રે;
પિયુજી વેલેરા પધારજો, આવો અંક જ ભરું રે. ।। ૪ ।।
અવગુણ મારા અનેક છે, રખે તે સામું જોતા રે;
અધમઉદ્ધારણ બિરુદ છે, રખે તે તમે ખોતા રે. ।। ૫ ।।
બિરુદ સામુ જોઈ શ્યામળા, કરજયો અમારાં કાજ રે;
શું કહીને સંભળાવીએ, સર્વે જાણો મહારાજ રે. ।। ૬ ।।
થોડે લખ્યે ઘણું જાણજયો, દયા કરજો દયાળુ રે;
જેમ જાણો તેમ જાણજયો, છૈયે તમારા પાળુ રે. ।। ૭ ।।
છોડતાં છેક છૂટો નહિ, તે કેમ છાંડો મહારાજ રે;
નિષ્કુળાનંદના નાથજી, બાંય ગ્રહ્યાની લાજ રે. ।। ૮ ।।