(રાગ :- ધોળ) ‘ગોપીનાથ આવો મારે આંગણે’- એ ઢાળ.

સખી આજ આનંદ વધામણા, મારે હૈડે રે સખી હરખ ન માય કે…..ટેક

દીન દયાળે દયાકરી, બળવંતે રે મારી ગ્રહી છે રે બાંયે કે.. આજ ।। ૧ ।।

સખી નેહ જણાવ્યો નયણમાં, જાણી વાલપ્ય રે સુણી મુખનાં વેણ કે.. આજ ।। ૨ ।।

સખી કરુણા રસમય મૂરતિ, નાથ નીરખી રે કાંઈ ઠરિયા છે નેણ કે.. આજ ।। ૩ ।।

સખી છબી છબીલાની જોઈને, મન મોહ્યું રે જોઈ વાલાનું મુખ કે.. આજ ।। ૪ ।।

ચિત્ત ચોરી લીધું લાલ લટકે, વણ દીઠે રે નવ થાય જો સુખ કે.. આજ ।। ૫ ।।

સખી નટવર કુંવર નીરખી, ઘણું હરખી રે મારા હૈડા માંય કે.. આજ ।। ૬ ।।

સખી પૂરણ પુણ્યે તે પામીએ, ભાગ્ય મોટા રે મુખ કહ્યાં ન જાય કે.. આજ ।। ૭ ।।

સખી ધન્ય ધન્ય અવસર આજનો, આજ પ્રગટ્યો રે અતિ નવો આનંદ કે.. આજ ।। ૮ ।।

મારું જીવિત સફળ કરી જાણિયું, રાજી થયા રે સ્વામી સહજાનંદ કે.. આજ ।। ૯ ।।

મુને વિસારી નહિ મારે વાલમે, સહજાનંદે રે મારી કરી છે સાર કે.. આજ ।।૧૦।।

સખી નિષ્કુળાનંદના નાથને, જાઉં વારણે રે હું તો વારમવાર કે.. આજ ।।૧૧।।