(રાગ :- ધોળ) ‘આવ્યા આવ્યા દાદાને પરણાવા નાથ રે’- એ ઢાળ.

ત્યારે બોલી સખીની સાહેલી રે, મુખની મરજાદ પરી મેલી રે;

મારે કે’વું છે કાંઈ કેણ રે, બોલીશ વાંકા વસમાં વેણ રે. ।। ૧ ।।

આ જો આશ્ચર્ય સરખી વાત રે, દીસે નાનડીઓ ઘણી ઘાત રે;

એને જગમાં કોઈ ન જાણે રે, એ તો પોતે પોતાને વખાણે રે. ।। ૨ ।।

એ તો આજ કાલ્યનો નહિ કાળો રે, જાણું છું જાત્ય નંદજીનો લાલો રે;

શીખ્યો કામણ ટૂમણ કાંઈ રે, મંત્ર મોરલીમાં નિત્ય ગાઈ રે. ।। ૩ ।।

એ તો ફોગટ ફૂલ્યો ફરે રે, એ તો અબળા તણા મન હરે રે;

એ તો ધરનો છે ધુતારો રે, એને કોણ કહે છે સારો રે. ।। ૪ ।।

સહુ કોઈ રહ્યું છે સામું જોઈ રે, મુખપર કહી નથી શકતું કોઈ રે;

કામણ મોરલીમાં કાંઈ કર્યું રે, તેણે અબળાનું મન હર્યું રે. ।। ૫ ।।

તેણે લાગ્યો હરિજીશું હેડો રે, વળી તેનો કા’ન ન મૂકે કેડો રે;

ગોપી ભૂલી ઘરનાં કાજ રે, મેલી લોક કુટુંબની લાજ રે. ।। ૬ ।।

આપ ઇચ્છાએ હરિવર વરી રે, હવે બેઠી ઠેકાણે ઠરી રે;

એને મનમાન્યો વર મળ્યો રે, હશે હેત તે પ્રીતે પળ્યો રે. ।। ૭ ।।

એમાં અમારું શિયું ગયું રે, ભલે સુખ જો સખીને થયું રે;

એને અભાવ થયો છે અમારો રે, નિષ્કુળાનંદનો સ્વામી એને સારો રે. ।। ૮ ।।