(રાગ :- ધોળ) ‘એેવા ધામને પામવા કાજ અવસર અમૂલ્ય આવ્યો’- એ ઢાળ.
અહો આજ અમારા હો ભાગ્ય, અમર વર વરિયા રે;
વર સુંદર શ્યામ સુજાણ, નીરખીને નયણાં ઠરિયાં રે. ।। ૧ ।।
વર નિરગુણ ને નિર્લેપ, સગુણ થયા સ્વામી રે;
વર અખંડ ને અવિનાશ, અકળ અંતરજામી રે. ।। ૨ ।।
વર અતોલ ને રે અમાપ, થાય ન થાપ રતિ રે;
વર હરિ હર અજના આધાર, પ્રકૃતિ પુરુષના પતિ રે. ।। ૩ ।।
વર પંડ્યે બ્રહ્માંડને પાર, અકળ ન જાય કળ્યા રે;
નેતિ નેતિ કહે જેને વેદ, તે તો આજ અઢળ ઢળ્યા રે. ।। ૪ ।।
વર ગુરુવા ગુણને પાર, તે તો કેમ જાય કહ્યા રે;
વર અજર છે જો અજિત, પ્રીતે પ્રગટ થયા રે. ।। ૫ ।।
વાલે ધર્યુ મનુષ્ય શરીર, જનહેત કારણે રે;
જેને દરશે સ્પરશે પાપ જાય, વારી જાઉં વારણે રે. ।। ૬ ।।
મારા પુણ્યતણો નહિ પાર, ભેટ્યા આજ ભાવે હરિ રે;
મળ્યા નિષ્કુળાનંદનો નાથ, મને સનાથ કરી રે. ।। ૭ ।।