(રાગ :- ધોળ) ‘લાગી રે લાગી લગની રૂપાળા આ લાલની રે’- એ ઢાળ.
છબીલા વાલા છોડો દેવાધિદેવ દોરડો રે,દીસે દોરડીયે દશ ગાંઠ રે.. છબીલા ।। ૧ ।।
ગાંઠ અનેક જનમની આવરી રે, તેને લાગશે લગારેક વાર રે.. છબીલા ।। ૨ ।।
કળે કળે કરીને છોડજયો રે, નહિ તો તૂટી જાશે નિરધાર રે.. છબીલા ।। ૩ ।।
અહં દેહ અભિમાન દોરડો રે, મહાવિકટ છે વિપરીત રે.. છબીલા ।। ૪ ।।
તમે તોડવાને તો તૈયાર છો રે, કાંઈ રાખજયો છોડવાની રીત રે.. છબીલા ।। ૫ ।।
પડી ગાંઠ્ય ઘૂંચાઈ ઘણા દિનની રે, માંહી અનેક રહ્યા છે ઉત્થાન રે.. છબીલા ।। ૬ ।।
નથી કાળીનાગ જે નાથશો રે, નથી દાવાનળ જે કરો પાન રે.. છબીલા ।। ૭ ।।
વા’લા આકળે અરથ સરે નહિ રે, ધરી ધીરજ કરો વિચાર રે.. છબીલા ।। ૮ ।।
વા’લા ગાંઠ્ય છોડ્યે તમે છૂટશો રે, આંટી કાઢી જોઈશે આણી વાર રે.. છબીલા ।। ૯ ।।
તે તો તમારે હાથે હરિ છૂટશે રે, એમાં નથી અમારો કાંઈ દોષ રે.. છબીલા ।।૧૦।।
દયા કરીને છોડજયો દોરડો રે, રખે રાંક જાણી કરો રોષ રે.. છબીલા ।।૧૧।।
તમે અનેક જુગતિ આદરી રે, વિધ્યે વિધ્યે કરો છો વિચાર રે.. છબીલા ।।૧૨।।
સ્વામી નિષ્કુળાનંદના સમર્થ છો રે, જો છોડો તો સઈ છે વાર રે.. છબીલા ।।૧૩।।